
અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી અને બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના ખાનગી લેબોરેટરીઓના રિપોર્ટમાં ખુલાસો થયો છે. હાટકેશ્વર બ્રિજનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં પણ ચર્ચાયા બાદ આજે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને શહેરી વિકાસ વિભાગનાં અગ્ર સચિવ મુકેશ કુમાર અને કોર્પોરેશનના સિટી એન્જિનિયર હિતેશ કોન્ટ્રાક્ટર સાથે આજે હાટકેશ્વર બ્રિજની મુલાકાત લીધી હતી. સાત મહિના સુધી બ્રિજની રિપેરિંગની કામગીરી બાબતે ક્યાંય કમિશનરે ધ્યાન ન આપ્યું અને હવે મુખ્યમંત્રીએ બ્રિજ મામલે કમિશનરને સૂચના આપ્યા બાદ આજે તેઓ બ્રિજની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા.
હવે ગુજરાત સરકારે પણ ગંભીર નોંધ લીધી
હાટકેશ્વર બ્રિજમાં ગાબડાં પડવાના કારણે છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિક વેપારીઓ દ્વારા બેસણું યોજી અને વિરોધ કરવામાં આવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે અને કોર્પોરેશન દ્વારા જે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા તે ખાનગી લેબોરેટરીના રિપોર્ટમાં પુરવાર થયું હતું કે તેમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે મામલે હવે ગુજરાત સરકારે પણ ગંભીર નોંધ લીધી છે.
વિધાનસભામાં ઉઠ્યો હાટકેશ્વર બ્રિજનો મુદ્દો
હાટકેશ્વર બ્રિજનો મુદ્દો સોમવારે વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. જે બાદ આજે સવારે મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર સાથે બ્રિજની મુલાકાત લીધી હતી. IIT રુડકીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ બ્રિજમાં કઈ રીતે મટીરીયલ વાપરવામાં આવ્યું હતું, કેટલું વાપરવામાં આવ્યું હતું, ડિઝાઇનમાં કોઈ તકલીફ છે કે કેમ વગેરે બાબતોના રિપોર્ટ આવ્યા બાદ જ આ બ્રિજનો નિર્ણય લેવામાં આવશે. હાલમાં આ બ્રિજ બંધ હોવાના કારણે વેપારીઓને તો હાલાકીનો સામનો કરવો જ પડી રહ્યો છે. પરંતુ હજી છ મહિના સુધી આ બ્રિજ ચાલુ થાય તેમ લાગી રહ્યું નથી.
છથી આઠ મહિના સુધી બ્રિજ બંધ રહેશે
હાટકેશ્વર બ્રિજ છેલ્લા સાત મહિનાથી બંધ છે તેના કારણે સ્થાનિક લોકો તો હેરાન પરેશાન થઈ જ રહ્યા છે. પરંતુ હજી પણ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે અને ચાર પાંચ દિવસ સુધી રિપોર્ટ આવે તેમ લાગી રહ્યું નથી. તે રિપોર્ટ આવ્યા બાદ સરકાર અને કોર્પોરેશન મળી અને નક્કી કરશે કે આ બ્રિજનો શું નિર્ણય કરવો અને જો રીપેરિંગ કરવાની ફરજ પડશે. જેથી છથી આઠ મહિના સુધી બ્રિજ બંધ રહેશે અને જો તોડી અને નવો કરવાનો થશે તો બીજા ચાર વર્ષ સુધી આ બ્રિજ બનશે નહીં જેથી સ્થાનિક લોકોએ મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેમ છે.