
4 ફેબ્રુઆરી, 2023ના રોજ, નેધરલેન્ડના સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે એક ટ્વિટ કર્યું – ‘આજે નહીં, તો કાલે, ટૂંક સમયમાં તુર્કી, જોર્ડન, સીરિયા અને લેબનોન ક્ષેત્રમાં 7.5 તીવ્રતાનો ભૂકંપ આવશે.’ તેના બરાબર 2 દિવસ પછી, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યે, તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા 70 હજારની નજીક પહોંચી ગઈ છે.
તુર્કિયેના ભૂકંપની આગાહી કરનાર સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સે હવે ભારત વિશે પણ આવો જ દાવો કર્યો છે. એક વીડિયોમાં ફ્રેન્ક કહે છે, ‘આવનારા થોડા દિવસોમાં એશિયાના જુદા જુદા ભાગોમાં ભૂગર્ભ ગતિવિધિની સંભાવના છે. આ હિલચાલ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન થઈને હિંદ મહાસાગરની પશ્ચિમ બાજુએ થઈ શકે છે. ભારત તેમની વચ્ચે હશે. એટલે તુર્કી જેવા વિનાશક ભૂકંપની ભારતમાં શક્યતા છે.આગામી થોડા દિવસોમાં ચીનમાં ભૂકંપ આવી શકે છે. જો કે, તેની આગાહીમાં, ફ્રેન્કે ન તો ભૂકંપની તીવ્રતા અને ન તો તારીખ જણાવી છે.
ડચ સંશોધક કયા આધારે આ દાવા કરી રહ્યા છે?
ફ્રેન્ક જે સંસ્થામાં કામ કરે છે એ દાવો કરે છે કે સૂર્યમંડળ અને હવામાનની ગણતરીના આધારે ભૂકંપની આગાહી કરી શકાય છે. તેઓ માને છે કે 6 ની તીવ્રતાથી ઉપરના ધરતીકંપો સૌરમંડળની વિશિષ્ટ સ્થિતિને કારણે આવે છે. વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્યમંડળમાં હાજર ગ્રહો અને ચંદ્ર કોઈ ચોક્કસ સ્થાને પહોંચે છે ત્યારે આ શ્રેણીના ભૂકંપ વધુ આવે છે. તેણે પાછલા વર્ષોમાં ઘણા ભૂકંપ પર પોતાની આગાહીનો ઉલ્લેખ કર્યો છે.
SSGeoS નામની આ સંસ્થા એવું પણ માને છે કે ભૂકંપની આગાહીનો માપદંડ સચોટ નથી. તેમની વેબસાઈટના પહેલા જ પેજ પર, એવી દલીલ છે કે હવામાનની આગાહી કરનારા વૈજ્ઞાનિકો ચોખ્ખા હવામાનમાં પણ 40% વરસાદની આગાહી કરે છે, તો તેમના નિવેદનમાં કેટલી વિશ્વસનીયતા છે?
શું ધરતીકંપનો ગ્રહોની ગતિ સાથે કોઈ સીધો સંબંધ છે?
અત્યાર સુધી ભૂકંપની સચોટ આગાહી 10 સેકન્ડ પહેલા જ કરી શકાઈ છે. ગ્રહોની ચાલ અને જ્યોતિષની મદદથી સચોટ આગાહીનો દાવો પણ કરવામાં આવે છે, પરંતુ કોઈ નક્કર વૈજ્ઞાનિક જવાબ મળ્યો નથી. જવાબ જાણવા અમે કેટલાક પ્રોફેસરો સાથે વાત કરી.
ભૂકંપની આગાહી કરી શકાય?
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એટલે કે WEFનું કહેવું છે કે વૈજ્ઞાનિકો ભૂકંપના આંચકા, ઐતિહાસિક ડેટા અને પ્રદેશના ભૌગોલિક મેકઅપ પર નજર રાખે છે. તેનાથી મળતી માહિતી ખૂબ જ ઉપયોગી છે, પરંતુ આગાહી હજુ ઘણી દૂરની વાત છે.
WEFના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વીની તિરાડોમાંથી રેડોન ગેસ સતત નીકળે છે. કેટલાક પ્રસંગોએ, રેડોન ગેસના ઉત્સર્જનમાં વધારો ભૂકંપના કારણ તરીકે જોવામાં આવ્યો છે. જો કે કેટલાક વૈજ્ઞાનિકોને શંકા છે કે બંને એકબીજા સાથે સીધા સંબંધિત છે.
લગભગ 90% ભૂકંપનું કેન્દ્ર પાણીની નીચે હોય છે, તેથી તેમની આગાહી કરવામાં સક્ષમ થવાથી મોટા પાયે વિનાશથી બચી શકાય છે. તે જ સમયે, ઘણી થિયરીઓમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રાણીઓ ભૂકંપના આંચકા અનુભવી શકે છે, પરંતુ પ્રાણીઓ શું અનુભવે છે અથવા ડરે છે તે જાણી શકાયું નથી. વર્ષ 1879માં સ્થાપિત યુ.એસ. જિયોલોજિકલ સર્વે નામની સંસ્થાનું માનવું છે કે ભૂકંપની આગાહી શક્ય નથી. સંસ્થાની વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે, ‘ન તો અમે (U.S.G.S.) કે ના તો અન્ય કોઈ વૈજ્ઞાનિકે મોટા ભૂકંપની આગાહી કરી છે. આવનારા કેટલાક વર્ષોમાં આવું થવાની ધારણા પણ નથી. સંસ્થાનું માનવું છે કે આવનારા કેટલાક વર્ષોમાં કોઈ ચોક્કસ વિસ્તારમાં ભૂકંપ આવવાની સંભાવનાની જ ગણતરી કરી શકાય છે.
ભૂકંપની આગાહીને માન્ય ગણવા માટે ત્રણ બાબતોની સચોટ જાણકારી હોવી જરૂરી છે. પ્રથમ, સમય અને તારીખ. બીજું સ્થાન અને ત્રીજી તીવ્રતા. નેધરલેન્ડના સંશોધક ફ્રેન્ક હોગરબીટ્સ પાસે હાલમાં ત્રણેય પરિબળો વિશે ચોક્કસ માહિતી નથી.
છેલ્લા 50 વર્ષોથી, વૈજ્ઞાનિકોએ ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ભૂકંપની આગાહી કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ખૂબ ઓછી સફળતા મળી છે…
- 1970 અને 1980ના દાયકામાં, સંશોધકોએ પ્રાણીઓની વર્તણૂક, રેડોન ગેસ ઉત્સર્જન અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલોને ભૂકંપના સંકેતો તરીકે ઓળખ્યા. ડેવિસમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભૌતિકશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર જ્હોન રૂંડલ કહે છે કે કેટલીકવાર પરિણામોમાં પેટર્ન હોય છે, પરંતુ તેને વૈજ્ઞાનિક રીતે સચોટ ગણી શકાય નહીં.
- 1980ના દાયકામાં, ભૂકંપ વિજ્ઞાનીઓએ સૂચવ્યું હતું કે પાર્કફિલ્ડ, કેલિફોર્નિયા નજીક સાન એન્ડ્રીઆસ ફોલ્ટનો એક ભાગ ધરતીકંપની સંભાવના ધરાવતો વિસ્તાર હોઈ શકે છે. ત્યારબાદ ભૂકંપની આગાહી કરવા માટે ઐતિહાસિક ડેટા માટે રીમ્સનું વિશ્લેષણ કર્યું. તેમણે 1993 સુધીમાં આ વિસ્તારમાં ભૂકંપની આગાહી કરી હતી, પરંતુ 2004 સુધી કંઈ થયું ન હતું. 2004માં, સેન્ટ્રલ કેલિફોર્નિયામાં ચેતવણી વિના આવ્યો હતો.
- જેમ જેમ નવી ટેક્નોલોજી આવી એટલે ભૂકંપ માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ બનાવવામાં આવી. આ નેટવર્ક્સ ધરતીકંપના આંચકા શોધવા અને તેનું વિશ્લેષણ કરવા માટે સિસ્મોલોજી મશીનોનો ઉપયોગ કરે છે. સાથે ધરતીકંપની થોડીક સેકન્ડ પહેલા લોકોને માહિતી મોકલતી સિસ્ટમમાં પણ પ્લગ ઈન કરે છે. આવી જ એક સિસ્ટમ છે ShakeAlert. તે USGS દ્વારા બનાવવામાં આવી છે. તે ભૂકંપના 20 સેકન્ડ અથવા 1 મિનિટ પહેલા ફોન પર એલર્ટ મોકલે છે.
- સંશોધકો હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે. તે મોટા પ્રમાણમાં ડેટા અને સ્પોટ પેટર્નને સરળતાથી ઓળખી શકે છે. વૈજ્ઞાનિકોને આશા છે કે સોફ્ટવેર મનુષ્યોની તુલનામાં વધુ ડેટાનું વિશ્લેષણ કરી શકે છે. આનાથી ભવિષ્યમાં ભૂકંપની વહેલી અને સચોટ આગાહી કરવામાં મદદ મળશે.