
નિવૃતી પછી પણ શિક્ષણ અને રાષ્ટ્રસેવામાં પ્રવૃત રહેલા ઇલાબેન બાલક્રિષ્નભાઈ રાજ્યગુરુ દર વર્ષે પોતાના જન્મ દિવસે વિર શહીદ જવાનોના પરિવાર માટે દાન આપે છે. તે હેતુથી ઇલાબેને જય જવાન નાગરિક સમિતિ સુરતને સૈનિક પરિવારોને સહાય માટે રૂ. ૫૦,૦૦૦/- નો ચેક અર્પણ કર્યો છે.
નગર પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨ માંથી ૨૦૨૦ માં નિવૃત થયેલા ઇલાબેન રાજ્યગુરુ સેવા નિવૃત્તિ પછી પણ વિવિધ સેવા પ્રવૃતિમાં સક્રિય છે. આહવા-ડાંગ અને પોરબંદર વિસ્તારમાં નિરાધાર બાળકોના શિક્ષણ માટે હંમેશા પ્રવૃત્તિશીલ છે. ભાવનગરના મૂળ વતની અને સુરતમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા ત્યારથી રાષ્ટ્રભાવથી રંગાયેલા હતા. દર વર્ષે નિયમિત જય જવાન નાગરિક સમિતિ, સુરતમાં સૈનિકોના પરિવાર માટે દાન આપે છે. તેમના દીકરા દેવવ્રત રાજ્યગુરુ પણ માતાના પગલે ઉંચી રાષ્ટ્રભાવના સાથે જય જવાન નાગરિક સમિતિ સાથે સંકળાયેલા છે.
જય જવાન નાગરિક સમિતિ સુરત ના ટ્રસ્ટી શ્રી કાનજીભાઈ ભાલાળા વધુમાં જણાવ્યું કે સુરત શહેર રાષ્ટ્રભાવના સાથે ધબકે છે. શાળાના બાળકો, શિક્ષકો, પ્રોફેસરો અને રત્ન કલાકારો ખુબ ઊંચી ભાવના સાથે સૈનિકોના પરિવાર માટે સહયોગ આપે છે. ઇલાબેન રાજ્યગુરુની સેવા પ્રવૃત્તિઓ અનેક નિવૃત કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે. જે બદલ ઇલાબેનને અભિનંદન પાઠવીએ છીએ.