
હોસ્પિટલ કમિટીના અધ્યક્ષે કુતરાની વાત બોગસ કહી અને પાલિકાએ સ્મીમેરમાંથી કુતરા પકડી પાડ્યા
– પાલિકાએ સ્મીમેર હોસ્પિટલમાં રખડતા ત્રણ કુતરા પકડીને સામાન્ય સભામા અધ્યક્ષે કરેલા દાવાને ખોટો પાડ્યો
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફીમેલ વોર્ડમાં રખડતા કુતરા ફરે છે તેવા અહેવાલને પાલિકાના હોસ્પિટલ કમિટી અધ્યક્ષે સામાન્ય સભામાં તદ્દન ખોટી ગણાવી આ ઉપજાવી કાઢેલા અહેવાલ ગણાવ્યા હતા. જોકે, એક તરફ હોસ્પિટલ કમિટીના અધ્યક્ષ કુતરા ફરતા હોવાની વાતને ખોટી સાબિત કરી રહ્યા હતા તો બીજી તરફ પાલિકાના સ્ટાફ સ્મીમેર હોસ્પિટલમાં રખડતા કુતરા પકડી રહ્યા હતા
સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ફી મેલ વોર્ડમાં કુતરા રખડે છે અને દર્દીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. સ્મીમેરમાં રખડતા કુતરાના ફોટા રવિવારે મોડી રાત્રીએ એક દર્દીના સગાંએ પાડ્યા હતા. આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આજથી બજેટની સામાન્ય સભામાં આ અંગે બોલતા કહ્યું હતું કે સ્મીમેર હોસ્પીટલમાં કુતરા રખડે છે તે વાત ઉજાવી કાઢેલી છે અને તદ્દન ખોટી છે. આવી વાતને કારણે કર્મચારીઓનું મોરલ તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
એક તરફ હોસ્પિટલ સમિતિના અધ્યક્ષ રાજેશ જોડિયા સ્મીમેર હોસ્પિટલમાં કુતરા હોવાની વાતને બોગસ સાબિત કરી રહ્યા હતા તો બીજી તરફ સુરત પાલિકાના સ્ટાફ હોસ્પિટલમાંથી અને બિલ્ડીંગના ટેરેસ પરથી રખડતા કુતરા ઝડપી પાડ્યા હતા. પાલિકાના સ્ટાફે હોસ્પિટલમાંથી ત્રણ કુતરા ઝડપી પાડ્યા હતા. જેના કારણે રખડતા કુતરા ની વાત ખોટી નહી પરંતુ પાલિકાના હોસ્પિટલ કમિટીના અધ્યક્ષે સામાન્ય સભામાં હોસ્પિટલમાં કુતરા ન હોવાનો દાવો ખોટો સાબિત થયો છે.