
લાઈટ વિભાગના જુનિયર ઈજનેરને બેઠકમાં મોકલી અપાયા હતા, પગલાં ભરવાની વાત થતાં બેઠકમાં અધિકારીઓ હાજર થઈ ગયાં
સુરત,તા.15 માર્ચ 2023,બુધવાર
સુરત મહાનગરપાલિકાના સૌથી વધુ વિવાદમાં આવનારા લાઈટ વિભાગ ફરી એક વાર આજે વિવાદમાં આવ્યો છે. લાઈટ વિભાગના અધિકારીઓ પાલિકા કચેરીમાં જ હોવા છતાં પાલિકાની લાઈટ એન્ડ ફાયર વિભાગની બેઠકમાં આવ્યા ન હતા. અધિકારીઓ પોતે ચેમ્બરમાં બેઠા હતા અને જુનિયર ઈજનેરને બેઠકમાં મોકલી દેવાતા લાઈટ એન્ડ ફાયર વિભાગના ચેરમેને મ્યુનિ. કમિશ્નરને રજુઆત કરી અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી છે. બેઠકમાં પગલાં ભરવાની વાત થતા જુનિયર ઈજનેરે ફોન કરતાં દસ મિનિટમાં જ અધિકારીઓ બેઠકમાં હાજર થઈ ગયા હતા.
સુરત મહાનગરપાલિકાનો લાઈટ વિભાગ છેલ્લા ઘણા વખતથી વિવાદમાં છે જેસીબી ખરીદી પ્રકરણમાં શો કોઝ નોટિસ ફટકારાઈ બાદ પણ લાઈટ વિભાગના અધિકારીઓની મનમાની આજે ફરી જોવા મળી હતી. સુરત પાલિકામા આજે લાઈટ એન્ડ ફાયર વિભાગની બેઠક મળી હતી. આ બેઠકમાં પાલિકાએ બનાવેલા ચાર્જીંગ સ્ટેશન પર એજન્સીના કોઈ પણ કર્મચારી હાજર ન રહેતા હોવાની અનેક ફરિયાદ હતી તેના પર ચર્ચા કરવામાં આવી હતી. આવી એજન્સી સામે પગલાં ભરવાની વાત કરવામાં આવી હતી, જોકે, આ બેઠકમાં લાઈટ વિભાગના ઉચ્ચ કર્મચારીઓ પાલિકા કચેરીમાં પોતાની ચેમ્બર માં બેઠા હતા તેમ છતાં બેઠકમાં હાજર રહ્યા ન હતા અને જુનિયર ઈજનેરને મોકલી આપ્યા હતા.
આ મુદ્દે લાઈટ એન્ડ ફાયર વિભાગના ચેરમેન કિશોર મિયાણીએ મ્યુનિ. કમિશ્નરને પત્ર લખીને મહત્વની બેઠકમાં ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી હતી. લાઈટ વિભાગના સભ્યો અને ચેરમેન અધિકારીઓની ગેરહાજરી માટે નારાજગી દર્શાવતા હતા તે દરમિયાન હાજર જુનિયર ઈજનેરે ઉપરી અધિકારીને જાણ કરતાં માત્ર દસ મિનિટમાં જ અધિકારીઓ બેઠકમાં હાજર થઈ ગયા હતા.