
રાહુલ ગાંધીએ કહ્યું – આપણે એક એવી દુનિયાને બનતી ન જોઈ શકીએ જ્યાં લોકશાહીની કોઈ કિંમત ન હોય
રાહુલ ગાંધીએ ફેસબૂક પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા તેમના લેક્ચરના અનુભવ પણ શેર કર્યા હતા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી 28 ફેબ્રુઆરીએ 7 દિવસના પ્રવાસે બ્રિટન પહોંચ્યા હતા. અહીં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લેક્ચર આપ્યું હતું. રાહુલ ગાંધીએ ફેસબૂક પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આપેલા તેમના લેક્ચરના અનુભવ પણ શેર કર્યા હતા. કેમ્બ્રિજમાં સંબોધનમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે મારા ફોનમાં જાસૂસી સોફ્ટવેર પેગાસસ હતું. આટલું જ નહીં ભારતમાં મોટી સંખ્યામાં નેતાઓના ફોનમાં પેગાસસ હતું. રાહુલે દાવો કર્યો કે એજન્સીના અધિકારીઓએ મને ફોન પર વાત કરતી વખતે સાવચેત રહેવા પણ કહ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં લોકશાહી ખતરા હેઠળ છે.
ફેસબુક પોસ્ટમાં શું લખ્યું?
તેમણે લખ્યું કે કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત કરવાનો અનેક સમૃદ્ધ અનુભવ રહ્યો. જ્યાં એક વિઝિટિંગ ફેલો તરીકે મેં 21મી સદીમાં સાંભળતા શીખો શીર્ષક પર એક લેક્ચર આપ્યું હતું. મારું સંબોધન અસહિષ્ણુ થતા સમાજમાં સાંભળવાની કળા પર આધારિત હતું. તેમણે ફેસબુક પોસ્ટમાં આગળ લખ્યું કે સતત અને લાગણી સાથે સાંભળવાની કળા વૈશ્વિક વાતચીત માટે ખૂબ જ શક્તિશાળી અને અનિવાર્ય છે. અમે ભારત જોડો યાત્રા દરમિયાન તેને સારી રીતે અનુભવ્યો છે. નવી વૈશ્વિક વ્યવસ્થાને નેવિગેટ કરવા માટે, લોકશાહી દેશોમાં ઉત્પાદનને ફરી શરૂ કરવું પડશે. જ્યારે સદભાવ અને વિકાસ માટે કરુણાપૂર્વક સાંભળવું જરૂરી છે.
લોકશાહી મુદ્દે શું કહ્યું?
રાહુલ ગાંધીએ તેમના લેક્ચરમાં કહ્યું હતું કે અમે એક એવી દુનિયા નથી ઈચ્છતા જે લોકશાહીના મૂલ્યો સાથે જોડાયેલી ન હોય એટલા માટે આપણને નવા વિચારની જરૂર છે. આપણે એક એવી દુનિયાને બનતી ન જોઈ શકીએ જ્યાં લોકશાહીની કોઈ કિંમત ન હોય. એટલા માટે આપણે એક નવો વિચાર અપનાવવો પડશે કે આપણે કોઈપણ પ્રકારના દબાણ વિના લોકશાહીનો માહોલ તૈયાર કરીએ. તેના વિશે ચર્ચા કરીએ. યાત્રા એક જર્ની છે જેમાં લોકો પોતાની જગ્યાએ બીજાને સાંભળે છે.
2022માં પણ રાહુલ કેમ્બ્રિજ ગયા હતા
રાહુલ ગાંધી ગત વર્ષે મેમાં પણ કેમ્બ્રિજ યુનિવર્સિટી ગયા હતા. ત્યારે રાહુલે ‘Ideas for India’ કોન્ફરન્સમાં મોદી સરકાર સામે પ્રહાર કર્યા હતા. તે સમયે યુનિવર્સિટીમાં તેમના નિવેદનને લઈને વિવાદ પણ થયો હતો. તેમણે કહ્યું હતું કે મોદી સરકાર સંસદ અને ચૂંટણીપંચ જેવી સંસ્થાઓને કામ નથી કરવા દેતા.