
નવી મુંબઇ,તા. 3 માર્ચ 2023, શુક્રવાર
દુનિયાના સૌથી પ્રીમિયમ બ્રાંડ ગણાતા આઈફોનની ભારતમાં બોલબાલા છે અને ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન આઈફોન બનાવતી કંપની એપલ કે એસેમ્બલરોને ચીનમાં પડેલ મુશ્કેલીને કારણે તેઓએ હવે ભારત તરફ દોટ મુકી છે.
હવે એપલ માટે આઈફોન બનાવતી જાયન્ટ ઇલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોન ટેક્નોલોજી ભારતમાં ઉત્પાદન વધારવા માટે 700 મિલિયન ડોલર એટલેકે રૂ. 5740 કરોના ખર્ચે નવો પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહી છે.
રિપોર્ટ અનુસાર તાઈવાનની કંપની આઈફોનના પાર્ટ્સ બનાવવા માટે બેંગ્લોર એરપોર્ટ નજીક 300 એકર જમીન પર પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. આ પ્લાન્ટમાં એપલના હેન્ડસેટને પણ એસેમ્બલ કરી શકાશે. આ સિવાય ફોક્સકોન આ પ્લાન્ટનો ઉપયોગ તેના ઇલેક્ટ્રિક વ્હીકલ બિઝનેસના કેટલાક ભાગો બનાવવા માટે પણ કરી શકે છે.
આ રોકાણ ભારતમાં ફોક્સકોન દ્વારા કરવામાં આવેલ સૌથી મોટા સિંગલ રોકાણોમાંનું એક હોઈ શકે છે. એપલ અને અન્ય અમેરિકન બ્રાન્ડ્સ ભારત અને વિયેતનામ જેવા દેશોમાં ચીનના સપ્લાયરો પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક સ્થાનો શોધી રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફોક્સકોનના નવા પ્લાન્ટથી ભારતમાં (India) લગભગ 1 લાખ નવી નોકરીઓનું સર્જન થશે. ફોક્સકોનનો ફ્લેગશિપ પ્લાન્ટ હાલમાં ચીનના ઝેંગઝોઉ શહેરમાં છે, જ્યાં આઈફોન એસેમ્બલ થાય છે. આ પ્લાન્ટમાં લગભગ 2 લાખ લોકો કામ કરે છે.