
રાષ્ટ્રપતિ પુટિને બોતિકોવને ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા
બોતિકોવ એ 18 વિજ્ઞાનીઓમાં સામેલ હતા જેમણે 2020માં સ્પૂટનિક વી વેક્સિન વિકસાવી હતી
રશિયા માટે કોરોના વેક્સિન સ્પૂટનિક વી તૈયાર કરનારા વિજ્ઞાનીઓની ટીમમાં સામેલ રહેલા આન્દ્રે બોતિકોવની તેમના નિવાસે જ બેલ્ટ વડે ગળે ટૂંપો આપી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ મામલે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. રશિયન મીડિયાના અહેવાલોથી આ માહિતી મળી હતી.
વરિષ્ઠ રિસર્ચર તરીકે કામ કરતા હતા
અહેવાલ અનુસાર ઈન્વેસ્ટિગેટિવ કમિટી ઓફ ધ રશિયન ફેડરેશનના હવાલાથી જણાવાયું હતું કે ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઈકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ રિસર્ચર તરીકે કામ કરનારા 47 વર્ષીય બોતિકોવ ગુરુવારે તેમના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અહેવાલ અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ પુટિને 2021માં કોરોના વેક્સિન પર કામ કરવા બદલ બોતિકોવને ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
ઝઘડો થતાં બેલ્ટ વડે ગળે ટૂંપો આપી દેવાયાના અહેવાલ
બોતિકોવ એ 18 વિજ્ઞાનીઓમાં સામેલ હતા જેમણે 2020માં સ્પૂટનિક વી વેક્સિન વિકસાવી હતી. આ મામલે તપાસ કરી રહેલી સમિતિએ જણાવ્યું કે આ કેસને હત્યાનો મામલો ગણી તપાસ હાથ ધરાઇ છે. અહેવાલમાં જણાવાયું છે કે 29 વર્ષીય યુવકે ઝઘડો થતાં બેલ્ટની મદદથી બોતિકોવને ગળે ટૂંપો આપી દીધો હતો અને પછી નાસી ગયો હતો. ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ જણાવ્યું કે તેની ધરપકડ કરી લેવાઇ છે.