
ગુજરાતી સાહિત્યના પ્રથમ હરોળના સર્જક ધીરુબહેન પટેલે આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. લાંબુ આયુષ્ય ભોગવ્યુ અને માતબર સર્જન કર્યું. આખરી શ્વાસ સુધી એમનામાં લખવાની તમન્ના અકબંધ રહી.
ધીરુબહેનના જીવનમાં એક ડોકિયું કરીએ તો વડોદરાના ધર્મજમાં તારીખ 29 મે,1926ના રોજ એમનો જન્મ થયો હતો. માતા ગંગાબહેન સંસ્કૃત અને અંગ્રેજીના પણ પતિના રંગે અભ્યાસી બન્યા. સત્યાગ્રહ ચળવળમાં પણ ગંગાબહેને ભાગ લીધો હતો. લેખિકા પણ હતા ગંગાબહેન. ધીરુબહેનના પિતા અંગ્રેજી અને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે સક્રિય હતા.
માતા અને પિતાનો શબ્દ વારસો ધીરુબહેનમાં ઉતરી આવ્યો હતો. ધીરૂબેને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોદ્દાર હાઈસ્કુલ, સાંતાક્રુઝ, મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે લીધું હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબઇ ખાતે દાખલ થયા હતા. એમણે વર્ષ 1945માં અંગ્રેજી વિષય સાથે બી.એ. અને વર્ષ 1948માં એમ.એની ડિગ્રી મેળવી.
મુંબઈ ખાતે પ્રાધ્યાપક તરીકેની આજીવન કારકિર્દી દરમ્યાન ધીરુબહેને મૂલ્યવાન અને પ્રાણવાન સાહિત્યનું પણ સર્જન કર્યું છે, જેનાં કારણે મહિલા ગુજરાતી સર્જક તરીકે તેમનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, હાસ્યકથાઓ, બાળસાહિત્ય, અનુવાદ અને કાવ્ય એવા સાહિત્યના લગભગ સઘળા પ્રકારોમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. વર્ષ 2003-2004 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ ધીરુબહેન રહ્યા.
ધીરુબહેનનું સાહિત્ય વિપુલ અને વૈવિધ્યસભર છે. એમના સર્જન તરફ એક નજર નાખીએ તો ‘અધૂરો કૉલ’ (1955), ‘એક લહર’ (1957), ‘વિશ્રંભકથા’ (1966) વગેરે તેમના વાર્તાસંગ્રહો છે. આ વાર્તાઓમાં નારીસંવેદનાને ધીરુબહેને વાચા આપી છે. ‘વડવાનલ’ (1963), ‘શીમળાનાં ફૂલ’ (1976), ‘વાવંટોળ’ (1979), ‘વમળ’ (1979), ‘કાદંબરીની મા’, ‘અતીતરાગ’ – એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે.
‘વાંસનો અંકુર’ (1968), ‘એક ભલો માણસ’ (1979), ‘આંધળી ગલી’, ‘આગન્તુક’ (1995) વગેરે તેમની લઘુનવલો છે. પહેલું ઇનામ’ (1955), ‘પંખીનો માળો’ (1956 : અન્ય સાથે), ‘વિનાશને પંથે’ (1961) વગેરે એમનાં નાટકો છે. ‘મનનો માનેલો’ જેવું રેડિયો-નાટક, ‘નમણી નાગરવેલ’ (1961) જેવો એકાંકીસંગ્રહ પણ ધીરુબહેન તરફથી મળ્યાં છે.
બાળસાહિત્યક્ષેત્રે પણ ધીરુબહેનનું નોંધપાત્ર પ્રદાન છે. ‘અંડેરી ગંડેરી ટીપરીટેન’ (1966) અને ‘સૂતરફેણી’ તેમનાં ભજવાયેલાં બાળનાટકો છે. ‘મમ્મી, તું આવી કેવી ?’, ‘લખોટીનો મહેલ’, ‘છબીલના છબરડા’ વગેરે એમનાં બાળનાટકો છે. આ ઉપરાંત ‘ગગનચાંદનું ગધેડું’ અને ‘ગોરો આવ્યો’ એ બાળનાટકો પણ તેમની પાસેથી મળ્યાં છે.
‘બતકનું બચ્ચું’ (1982) એમનો બાળવાર્તાઓનો સંગ્રહ છે. માર્ક ટ્વેઇનની પ્રશિષ્ટ અને પ્રસિદ્ધ કૃતિ ‘ટૉમ સૉયર’ (ભાગ 12, 1960, 1966) અને ‘હકલબરી ફિનનાં પરાક્રમો’ (1967) અનુવાદ રૂપે આપેલ છે. એમની કૃતિ પરથી કેતન મહેતા દિગ્દર્શિત ‘ભવની ભવાઇ’ ફિલ્મ બની છે. ‘હારુન,અરુણ’ ફિલ્મ એમની બાળકથાને આધારે બની છે તો ફિલ્મ ‘મિશન મમ્મી’ પણ ધીરુબહેનની વાર્તા પરથી પ્રેરિત છે.
ગુજરાતી સાહિત્યજગતમાં ધીરુબહેનના પ્રદાનને ધ્યાનમાં લેતા વર્ષ 1980નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને 1981માં મુન્શી સુવર્ણ ચંદ્રક અને 2002માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 1996માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો.
તેમની નવલકથા આગંતુક માટે 2001માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
દિલ્હી સાહિત્ય અકાદેમી તરફથી 2015નો ‘બાલસાહિત્ય પુરસ્કાર’ અને એ પછી ‘કાવ્યમુદ્રા ઍવૉર્ડ’થી ધીરુબહેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુંદર સત્વશીલ સાહિત્ય સર્જીને ગુજરાતી સાહિત્યજગતને રળિયાત કરનાર એક ઉત્કૃષ્ટ નારીસર્જક તરીકે ધીરુબહેન હંમેશા યાદ રહેશે