
surat 04-06-2025
મલ્ટી સ્ટેટ તેમજ બેસ્ટ ડિજિટલ બેંકનો દરજ્જો ધરાવતી ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ., સુરતની 30મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન તા. 04/06/2025 બુધવારના રોજ બેંકના સહકાર ભવન, વ્રજચોક, સરથાણા વિસ્તાર ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહના અધ્યક્ષ સ્થાને સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુખ્ય મહેમાન પદે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતના પ્રમુખશ્રી નિખિલભાઇ મદ્રાસી ઉપસ્થિત રહ્યા હતા. રૂા. 3636 કરોડ થાપણ અને રૂા. 2203 કરોડથી વધુ ધિરાણ સાથે નક્કર પ્રગતિ કરનાર વરાછા કો-ઓપ. બેંક દ્વારા દર વર્ષની જેમ સામાજિક ઉત્થાન માટે અનોખી પહલ સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ નિસ્વાર્થ ભાવે માનવતા ભરી ઉમદા સેવા કરતા અસાધારણ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે અકસ્માતે અવસાન પામનાર ખાતેદારોના વારસદારોને કુલ રૂા. 36 લાખની વીમા રકમના ચેક મહેમાનશ્રીઓના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.
વરાછા કો-ઓપ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રી દિલીપભાઈ વરસાણી સાહેબની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઓફ આર્ટસમાં એસોસિએટ ડીન ઓફ ફેકલ્ટી તેમજ VNSGU ના બોર્ડ ઑફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂક પામ્યા તે બદલ વરાછા કો-ઓપ. બેંક પરિવાર તરફથી સાધારણ સભામાં તેઓનું ઉમંગભેર સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના અધ્યક્ષશ્રી દક્ષેશભાઈ માવાણી દ્વારા બેંકને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સહકારી બેંકોમાં બેસ્ટ ડિજિટલ બેંકનો દરજ્જો ધરાવતી અને સહકારની ભાવનાથી કાર્ય કરતી વરાછા કો-ઓપ. બેંક સમાજના દરેક વર્ગને બેન્કિંગ સેવા પૂરી પાડવા અને સામાજિક ઉત્થાનના ધ્યેય સાથે કાર્ય કરતી સુરતની ખ્યાતનામ બેંક છે, જે ગૌરવવંતી બાબત છે. પ્રધાનમંત્રી વીમા યોજનામાં બેંકે ઉત્કૃષ્ઠ કામગીરી કરી વેસ્ટર્ન ઝોનમાં (ગુજરાત, રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્ર) માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમણે વરાછા કો-ઓપ. બેંક હજુ ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
દક્ષેશભાઈ માવાણી તેમજ અન્ય મહેમાનોનું અભિવાદન
સુરત શહેરના પ્રથમ નાગરિક અને મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીના નેતૃત્વ હેઠળ સુરત શહેર સ્વચ્છતામાં દેશમાં પ્રથમ સ્થાન અંકિત કર્યું છે તે બદલ વિશેષ ગૌરવની લાગણી સાથે વરાછા કો-ઓપ. બેંક તરફથી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતના પ્રમુખ તરીકે પસંદગી પામ્યા તે બદલ શ્રી નિખિલભાઇ મદ્રાસી નું સન્માન કરવામાં આવ્યું હતું.
વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન
સુરત શહેરના યુવાન અને સફળ ઉદ્યોગપતિ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર રેઝોન સોલારના ફાઉન્ડર શ્રી ચિરાગભાઈ નાકરાણી નું બેંક દ્વારા વિશેષ સિદ્ધિ સન્માન કરવામાં આવ્યું હતું. સોલાર એનર્જી ક્ષેત્રે સ્ટાર્ટઅપ શરૂ કરી દેશની ટોચની સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં અગ્રીમ સ્થાન હાંસિલ કરી યુવા ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણાદાય ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સાથે સુરત શહેરના નિષ્ણાંત રેટિના સર્જન અને સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થા તરીકે આંખના દર્દીઓનો અંધાપો દૂર કરવાની માનવતા ભરી ઉમદા સેવા કરનાર ડો. ભાવિનભાઈ પટેલની નિસ્વાર્થ ભાવનાને બિરદાવતા વિશેષ સેવા સન્માન કરવામાં આવ્યું હતું. તેના વતી ડૉ. ભાવિન ભુવા એ સન્માન સ્વીકાર્યું હતું. એવી જ રીતે સ્વજનના અંગોનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એવા શ્રી રાજેશભાઈ નારોલા કે જેમણે એમના ધર્મપત્નિ સ્વ અંજુબેન રાજેશભાઈ નારોલા નું અવસાન થતાં તેમના અંગોનું દાન કરી ૬ લોકોને નવજીવન આપ્યું છે. ત્યારે તેમની આ માનવતા ભરી લાગણીને બિરદાવતા તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
અકસ્માત વીમા પોલિસી અંતર્ગત રૂા. 36 લાખ વીમા રકમના ચેક અર્પણ
વરાછા કો-ઓપ. બેંક દ્વારા સભાસદ તેમજ તમામ ખાતેદારોને પણ અકસ્માત વીમા હેઠળ આવરી લીધા છે જેનું સમગ્ર પ્રીમિયમ બેંક દ્વારા ચૂકવવામાં આવે છે તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરી જન જન સુધી આ સેવા પહોંચતી કરી છે અને નિરાધાર પરિવારને મદદરૂપ થયા છે. ત્યારે બેંકની વિવિધ પોલીસીના લાભો અંતર્ગત ખાતેદાર સ્વ. ભાર્ગવભાઈ જીવનભાઈ વાવડીયા નું અવસાન થતાં તેમના વારસદાર શ્રીમતી દિવ્યાબેન ભાર્ગવભાઈ વાવડીયાને રૂા. 9 લાખ તેમજ બીજા ખાતેદાર સ્વ. ભાનુબેન રવજીભાઈ કોદાવાલાનું અવસાન થતા તેના વારસદાર શ્રી રવજીભાઈ જાદવભાઈ કોદાવાલાને વિવિધ વીમા હેઠળ રૂા. 10 લાખ અને એવા જ ત્રીજા ખાતેદાર સ્વ. કિશનભાઇ અરજણભાઈ ખોખર આકસ્મિક અવસાન થતા વીમા કવચ હેઠળ તેમના વારસદાર શ્રીમતી વર્ષાબેન અરજણભાઈ ખોખરને કુલ રૂા. 19 લાખની વીમા રકમ એમ ત્રણેય ખાતેદારોને કુલ રૂા. 36 લાખની વીમા રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
વીમા જાગૃતિ માટેની બેંકની કામગીરી પ્રશંસનીય છે. વિમા વિભાગ દ્વારા વારસદારને વીમા ક્લેમ ની રકમ ખૂબ ઝડપથી ચૂકવવા સકારાત્મક અભિગમ દાખવવામાં આવે છે. બેંક દ્વારા રૂા. 1510 પર્સનલ અકસ્માત પોલીસી અંતર્ગત 670 ખાતેદારોને અકસ્માતે થયેલ મેડિકલ ખર્ચ અને સારવાર હેઠળ ગુમાવેલ મહેનતાણાના ભાગરૂપે રૂા. 3.41 કરોડની વીમા રકમ ચૂકવેલ છે એટલું જ નહીં આ પોલીસી અંતર્ગત અકસ્માતમાં અવસાન થતા કુલ ૭ ખાતેદારોને રૂા. 15 લાખ લેખે કુલ રૂા. 1.05 કરોડની વીમા રકમ આપવામાં આવી છે.
સાધારણ સભામાં બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા સ્વાગત પ્રવચનમાં તમામ મહેમાનશ્રીઓનો પરિચય આપી શબ્દોથી આવકાર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, બેંક અદ્યતન ટેકનોલોજી સાથે ખૂબ ઝડપથી ગ્રાહકોને સેવા પૂરી પાડે છે અને તેના ફળ સ્વરૂપ સતત બીજા વર્ષે પણ બેંકે ડિજિટલ બેંકની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. બેંક ફક્ત બેન્કિંગ સેવા નહીં પણ ખાતેદારની સામાજિક અને આર્થિક જરૂરિયાત મુજબ સેવા આપી સમાજના ઉત્થાન માટે કાર્ય કરે છે. મ્યુચ્યુઅલ ફંડ સેવા થકી લોકોમાં બચતની પ્રેરણા અને વીમા સેવા થકી આક્સ્મિક સંજોગોમાં આર્થિક જરૂરિયાત અને લોન સેવા થકી સમૃદ્ધ સમાજના નિર્માણ માટે મદદરૂપ થાય છે. હાલના સમયમાં સૌથી મોટો પડકાર બેન્કિંગ સેવા માટે સાયબર ફ્રોડનો છે. આ પડકાર વચ્ચે વરાછા કો-ઓપ. બેંકનું આઈ.ટી ડિપાર્ટમેન્ટ 24 કલાક કાર્યરત રહી સાઇબર ફ્રોડ માટે ખાતેદારોને ક્વીક રિસ્પોન્સના માળખા સાથે સુરક્ષા પૂરી પાડે છે. બેંકે સ્થાપના દિન થી સતત નેટ NPA શૂન્ય પર જાળવી રાખી “Best NPA Management” નો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે જે ગૌરવંતી બાબત છે.
વધુમાં બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેનશ્રી કાનજીભાઈ ભલાળા એ જણાવ્યું હતું કે, બેંકની અવિરત વિકાસયાત્રામાં બેંકના તમામ સભાસદમિત્રો, ખાતેદારમિત્રો અને કર્મચારીઓનું મહત્વનું યોગદાન છે. જેના પરિણામ સ્વરૂપે વરાછા કો-ઓપ. બેંક ગુજરાતની સહકારી બેકોંમાં અગ્રીમ સ્થાને પહોંચી છે. આ વિકાસ યાત્રામાં વરાછા કો-ઓપ. બેંક પોતાની નવી બે શાખા રાજકોટ અને ઉત્રાણ (સુરત) ખાતે શરુ કરી પોતાનો વ્યાપ વધાર્યો છે. બેંક વર્ષ 2030 સુધીમાં રૂ।.10,000 કરોડના બિઝનેસ સુધી પહોંચવાનું મિશન લઈને અવિરત કાર્ય કરી રહી છે.
આજના પ્રસંગે બેંકના સ્થાપક ચેરમેનશ્રી પી. બી. ઢાકેચા, વાઇસ ચેરમેનશ્રી જી.આર આસોદરિયા સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણીએ અહેવાલ રજૂ કરી વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી કરી હતી અને સભાસદો દ્વારા સર્વાનુમતે 12% ડિવિડન્ડ મંજુર થતા જ ચાલુ કાર્યક્રમમાં ટેકનોલોજી થકી સભાસદના ખાતામાં ડિવિડન્ડ એક જ ક્લિકમાં જમા આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બેંકના વાઇસ ચેરમેનશ્રી જી. આર. અસોદરીયા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, સભાસદો, ખાતેદારો અને બેંકના હોદ્દેદારશ્રીઓનો આભાર માની આભારવિધિ કરી હતી જ્યારે કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડિયા અને કર્મચારીશ્રી ચિરાગભાઈ વાડદોરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.