
સુરતના એક ડૉક્ટરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો. મેસેજમાં લખ્યું હતું,
‘પટેલ સાબ, મૈં પાકિસ્તાન સે હૂ. મેરી અમ્મી કો મ્યુકરમાઇકોસિસ હુઆ હૈ. આખરી સાંસે ગીન રહી હૈ. આપ સે હી અબ તો ઉમ્મીદ હૈ. પ્લીઝ, અગર હો સકે તો મેરી અમ્મી કી જાન બચા લો.’
મેસેજ કરનારી મહિલા હતી. ઈન્સ્ટાગ્રામ આઈડી પર તેનું નામ હતું ઈકરા.
સુરતના આ ડૉક્ટરે થોડો વિચાર કર્યો, સરહદ પારથી આવેલા મેસેજનો જવાબ શું આપવો?, શું આ કોઈ ષડયંત્ર હશે કે પછી ખરેખરમાં એક દીકરી પોતાની માતાનો જીવ બચાવવા માટે હાથ ફેલાવીને મદદની આજીજી કરી રહી છે? બે દિવસ સુધી વિચાર કર્યા બાદ ડૉક્ટર એ નિર્ણય પર પહોંચ્યા કે જે થવાનું હશે, એ જોયું જશે, એકવાર ડૉક્ટર તરીકે મારી ફરજ નિભાવવી જ જોઈએ. આમ, ડૉક્ટરે વળતા જવાબ રૂપે અજાણી ઈન્ટાગ્રામ આઈડી પર પોતાનો કોન્ટેક્ટ નંબર મોકલી દીધો અને સાથે જ લખ્યું, ‘મને આ નંબર પર દર્દીના તમામ મેડિકલ રિપોટ્સ વ્હોટ્સએપ મારફત મોકલી આપો. હું જોઈ લઉં છું.’
દિવ્ય ભાસ્કરે આ કેસ સાથે જોડાયેલા ડૉક્ટર રજનીકાંત પટેલ, પાકિસ્તાનના દર્દી સુરૈયા બાનું તથા તેમના પરિવાર સાથે વાત કરી હતી અને પાકિસ્તાનમાં બેઠાં-બેઠાં એક યુવતીને સુરતના ડૉક્ટરની માહિતી કેવી રીતે મળી?, એક હજાર કિલોમીટર દૂર બે અલગ-અલગ દેશમાં રહીને સારવાર કરવામાં શું મુશ્કેલી આવી?, ભારતથી પાકિસ્તાન દવા ન પહોંચતાં તેમણે કેવો રસ્તો અપનાવ્યો?, સારવાર કર્યા બાદ એકપણ રૂપિયો લેવાની ડૉક્ટરે ના કેમ પાડી?, અને અન્ય ઘણા રસપ્રદ કિસ્સાઓ જાણ્યા હતા.
પાકિસ્તાનના મુલતાનમાં રહેતાં સુરૈયા બાનુએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘મારી ઉંમર 61 વર્ષની છે. બે વર્ષ પહેલાં મને કોરોના થયો હતો. કોરોનાની સરવાર બાદ સાજી તો થઈ ગઈ, પરંતુ થોડા જ સમય પછી મારી આંખમાં કંઈક ખૂંચતું હોય એવું લાગ્યું. આ સાથે જ જડબામાં પણ દુખાવો થવા લાગ્યો હતો. અમે પાકિસ્તાનમાં સ્થાનિક ડૉક્ટરોને બતાવ્યું તો તેમને મ્યુકરમાઈકોસિસ રોગ થયો હોવાની જાણકારી આપી હતી.’
પાકિસ્તાનથી સુરતના ડૉક્ટરને સૌથી પહેલા સંપર્ક કરનાર સુરૈયા બાનુની દીકરીએ પીડાદાયક અનુભવ વર્ણવતાં દિવ્ય ભાસ્કરને કહ્યું, ‘મારી માતાની સારવાર માટે અમે 25 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હતો. તેમને કોરોના થયો ત્યારે પાકિસ્તાનના ડૉક્ટરોએ સ્ટીરોઈડના ઈન્જેક્શન આપ્યા હતા. મારી માતાને ડાયાબિટીસની પણ તકલીફ હતી. એટલે થોડા જ સમયમાં સ્ટીરોઈડની આડઅસર થઈ અને બ્લેકફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસનો રોગ થઈ ગયો.’
પાકિસ્તાનના ડૉક્ટરોએ કહ્યું, ‘ઘરે લઈ જાઓ, સેવા કરો, એ નહીં જીવે’
સુરૈયા બાનુની દીકરીએ કહ્યું, ‘મારી માતાને જમણી બાજુના જડબામાં ઇન્ફેક્શન થઈ ગયું હતું. એટલે એ વધુ ન ફેલાય એ માટે ડૉક્ટરોએ એક તરફનું જડબું પણ કાઢી નાખ્યું હતું. ત્યાર પછી ડૉક્ટરોએ પાંચ મહિના સુધી દરરોજ ઇન્જેક્શન લગાવ્યા હતા, જેનું રિએક્શન પણ આવતું હતું. થોડા સમયમાં તો તેમની સ્થિતિ વધુ ખરાબ થવા લાગી હતી. 55 કિલોમાંથી વજન ઘટીને માત્ર 30 કિલો થઈ ગયું હતું. તેઓ ન ઊભા થઈ શકે, ન બેસી શકે, ન બાથરૂમ જઈ શકે. માત્ર પથારી વશ થઈ ગયા હતા. કોઈની સાથે વાત પણ કરી શકતાં નહોતાં. ખૂબ જ મુશ્કેલીથી થોડુંઘણું ભોજન લેતાં હતાં. આંખ સુધી ઇન્ફેક્શન પહોંચવાના કારણે આંખ પણ કાઢી નાખવી પડે એવી સ્થિતિ ઊભી થઈ. મગજ અને કિડનીમાં પણ ઈન્ફેક્શનની અસર શરૂ થઈ ગઈ હતી. પાકિસ્તાનના ડૉક્ટરોએ અમને કહી દીધું હતું કે ‘તમારાં અમ્મી જીવી નહીં શકે, હવે તો ઘરે લઈ જઈને સેવા કરો.’
પાકિસ્તાનનમાં બેઠાં-બેઠાં સુરતના ડૉક્ટરનો સંપર્ક કેવી રીતે થયો?
સુરૈયા બાનુની દીકરી ઈકરા મુલતાનમાં શિક્ષિકા છે, એટલે તેમને ઈન્ટરનેટ વિશે સમજ હતી. માતાને થયેલા રોગ અંગે પાકિસ્તાનના ડૉક્ટરોએ આશા છોડી દીધી, પરંતુ હવે દીકરીએ ઈન્ટરનેટ પર માતાના જીવ બચાવવાના ઉપાયો શોધવાના શરૂ કર્યા અને આમ, ઈન્સ્ટાગ્રામ પર તેમને સુરતના ડૉક્ટર રજનીકાંત પટેલની એક પોસ્ટ જોઈ અને સંપર્ક મળ્યો. કહેવાય છે ને કે ડૂબતાને તણખલાનો સહારો. કંઈક આવી જ રીતે મજબૂર ઈકરાએ હિંમત કરીને માતાનો જીવ બચાવવાની આજીજી કરતો મેસેજ સરહદ પારથી મોકલ્યો. સદનસીબે છેલ્લી આશા તરીકે આવેલા મેસેજને ડૉક્ટર રજનીકાંત પટેલે પણ ગંભીરતાથી લીધો હતો. જાન્યુઆરી 2022થી એક ઈન્સ્ટાગ્રામ મેસેજથી સિલસિલો શરૂ થયો.
પાકિસ્તાનથી મેસેજ આવેલો જોઈ ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થયા
દિવ્ય ભાસ્કરને ડૉક્ટર રજનીકાંત પટેલે જણાવ્યું, ‘હું વર્ષોથી આયુર્વેદિક ડૉક્ટર તરીકે સુરતમાં ક્લિનિક ચલાવી રહ્યો છું. મારી પાસે વિવિધ પ્રકારના રોગની ફરિયાદ લઈને લોકો આવતા હોય છે, જેમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ પણ કોરોના પછી વધ્યા છે. માત્ર સુરત પૂરતા જ નહીં, કચ્છથી લઈને ભાવનગર અને ગુજરાત બહાર પણ અન્ય રાજ્યના લોકો મારી પાસે સારવાર કરાવી ચૂક્યા છે, પરંતુ ઈન્સ્ટાગ્રામ આઈડી પર પાકિસ્તાનથી મેસેજ આવવો એ ખરેખર તો થોડું આશ્ચર્યજનક હતું છતાં પણ મેં આ આખા કેસને એક ડૉક્ટર તરીકે જ જોયો.’
ઈકરાનો મેસેજ વાંચ્યા બાદ ડૉક્ટરે શું કર્યું?
ડૉક્ટર રજનીકાંત પટેલે સૌથી અનોખા કેસ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘મેં સૌથી પહેલા તો ઈકરાની ઈન્સ્ટાગ્રામ આઈડી તપાસી જોઈ. મને લાગ્યું કે ખરેખર આ એક સામાન્ય કેસ છે એટલે મેં વ્હોટ્સઅપ પર બધા રિપોર્ટ મગાવ્યા. મોટા ભાગના રિપોર્ટ અંગ્રેજી ભાષામાં હતા, જેને મેં ધ્યાનથી વાંચ્યા. મને પણ એ વાતનો અહેસાસ તો આવી ગયો હતો કે દર્દીની સ્થિતિ ખૂબ નાજુક છે. દર્દીની ઉંમર પણ આ કેસમાં એક મોટો પડકાર હતી.’
સુરતમાં રહીને પાકિસ્તાનના દર્દીની સારવાર કેવી રીતે કરી?
ડૉક્ટર રજનીકાંત પટેલે શરૂઆતના તબક્કે દર્દીને શું ખાવું અને શું ન ખાવું એની સમજણ આપી. આ ઉપરાંત દવા તરીકે એવા વિકલ્પો પર વિચાર કર્યો, જે પાકિસ્તાનમાં સરળતાથી મળી જાય, જેમ કે દર્દીને ઊંટડીનું દૂધ સારાએવા પ્રમાણમાં આપવાનું કહ્યું. ત્યાર પછી કેટલીક વનસ્પતિનાં નામ મોકલ્યાં, જે પાકિસ્તાનના સ્થાનિક બજારમાં મળી જાય. દર્દીને આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ધુમાડો લેવાનું કહ્યું. આ ઉપરાંત સમયાંતરે દર્દીને પાકિસ્તાનમાં જ કેટલાક રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવતું હતું, જે રિપોર્ટ વ્હોટ્સએપ મારફત જ ડૉક્ટરને મળી જતા. આમ, ધીરે ધીરે દર્દીની તબિયતમાં સુધારો આવવા લાગ્યો, પરંતુ મ્યુકરમાઈકોસિસથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે કેટલીક એવી દવાની જરૂર હતી, જે સુરતમાં ક્લિનિક પર આવતા દર્દીઓને આપવામાં આવતી હતી, પરંતુ સુરતથી પાકિસ્તાનના મુલતાન શહેરમાં આયુર્વેદિક દવા પહોંચાડવી એ જરા પણ આસાન કામ નહોતું.
કુરિયરવાળાએ કહ્યું, ‘અમે આયુર્વેદિક દવા પાકિસ્તાન ન પહોંચાડી શકીએ’
ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર ન હોય એવી કેટલીક વસ્તુઓનું ખરીદ-વેચાણ થઈ શકતું નહોતું. એટલે જ્યારે શરૂઆતના તબક્કે આવી દવા પાકિસ્તાન પહોંચાડવાની વાત આવી તો ઘણી કુરિયર કંપનીઓએ ના પાડી દીધી. કુરિયર કંપનીએ કહ્યું, ‘અમે આયુર્વેદિક દવા પાકિસ્તાન ન પહોંચાડી શકીએ’. હવે દવા પહોંચાડવા માટે એક નવો વિકલ્પ અપનાવવામાં આવ્યો. ડૉક્ટર રજનીકાંત પટેલે કહ્યું, ઈકરાએ પાકિસ્તાનની બહાર ખાડીના કોઈ દેશમાં રહેતા એક સંબંધીનો સંપર્ક કર્યો, જેમણે ભારતમાં રહેતા તેમના બીજા એક મિત્રની ઓળખાણ આપી. જેમને મેં પાર્સલ મોકલી આપ્યું અને આમ ત્રણથી ચાર લોકો મારફત દસેક દિવસમાં દવા પાકિસ્તાન પહોંચાડવામાં આવી હતી.
‘દર્દીને 95 ટકા રિકવરી આવી ગઈ’
ઈકરાએ દિવ્ય ભાસ્કરને જાણકારી આપતાં કહ્યું, ‘વ્હોટ્સએપના માધ્યમથી ડૉક્ટરે આપેલાં સૂચનો મુજબ જ માતાની સારવાર શરૂ કરી હતી. હવે તેમને ખૂબ સારું થઈ ગયું છે. એક સમયે તેમનું વજન 30 કિલો થઈ ગયું હતું, એ હવે વધીને 43 કિલોગ્રામ સુધી પહોચ્યું છે. કેટલાક દિવસ પહેલાં જ આવેલા MRI રિપોર્ટમાં મુજબ હવે તેમની માતા સુરૈયા બાનુને 95 ટકા સુધી રિકવરી આવી ચૂકી છે. બીમારીના કારણે તેઓ એક સમયે તો ઊભાં પણ નહોતાં થઈ શકતાં, એને બદલે હવે તો અમને રોટલી બનાવીને ખવડાવે છે. આનાથી વિશેષ સુખદ વાત અમારા માટે બીજી શું હોય!’
‘ઈન્ડિયાના ડૉક્ટરે મને નવી જિંદગી આપી’
સુરૈયા બાનુએ પણ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન ડૉક્ટર રજનીકાંત પટેલને ખૂબ દુવાઓ આપી. તેમણે કહ્યું, ‘પાકિસ્તાનના ડૉક્ટરે તો અમને સીધુસટ્ટ કહી દીધું હતું કે ‘અબ સબ ખતમ હો ચૂકા હૈ’. જોકે અમારા નસીબમાં ઈન્ડિયાના પટેલ સાહેબના સંપર્કમાં આવવાનું લખ્યું હતું, એટલે અલ્લાહે મારી તેમની સાથે ઓનલાઈન મુલાકાત કરાવી દીધી અને મને નવી જિંદગી મળી.’
પાકિસ્તાનના દર્દી પાસેથી અનેક લોકો સુરતના ડૉક્ટરનો નંબર લઈ ગયા
પાકિસ્તાનના મુલતાનમાં સુરૈયા બાનુનાં સગાંસંબંધી અને આસપાસ રહેતા લોકોએ પણ સમય જતાં સુરતના ડૉક્ટર વિશે સાંભળ્યું. ઘણા લોકો હવે સુરૈયા બાનુના ઘરે આવીને ડૉક્ટર રજનીકાંત પટેલનો મોબાઈલ નંબર લઈ જાય છે. અત્યારે સુરૈયા બાનુ ઉપરાંત પાકિસ્તાનના બીજા બે દર્દી પણ મ્યુકરમાઈકોસિસની ડૉક્ટર રજનીકાંત પટેલ પાસેથી સારવાર લઈ રહ્યા છે. આવો જ એક બીજો કિસ્સો મુલતાનથી 100 કિલોમીટર દૂર આવેલા ડેરા ગાઝી ખાન શહેરનો છે, જ્યાંથી રહેતા 60 વર્ષીય મંજૂર હુસૈને પણ સુરત સંપર્ક કર્યો હતો.
બીજા બે દર્દીઓ પણ વખાણ કરતાં થાકતા નથી!
મંજૂર હુસૈનના પુત્રએ જણાવ્યું હતું કે ‘પિતાજીને કોરોના બાદ છેલ્લા ઘણા મહિનાથી બ્લેક ફંગસ બીમારી થઇ હતી. અમે પાકિસ્તાનમાં ખાનગી હોસ્પિટલમાં ઘણી જ સારવાર કરાવવાનો પ્રયાસ કર્યો. ઈન્જેક્શન લીધા અને ઓપરેશન કરાવ્યું પણ એનાથી કોઈ સુધારો થયો નહીં. અમે સાતથી આઠ લાખ રૂપિયા ખર્ચો કર્યો. જેટલા રૂપિયા અમારી પાસે હતા, એમાંથી મોટા ભાગનો ખર્ચ પિતાની દવા પાછળ કર્યો, પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નહીં. એક સમયે એવો આવ્યો કે સારવાર કરાવવાના રૂપિયા પણ પાસે ન રહ્યા. પાકિસ્તાનમાં ડૉક્ટરો ખૂબ જ મોંઘી સારવાર જણાવી રહ્યા હતા. આવા સમયે અમે સુરૈયા બાનુની સારવાર વિશે સાંભળ્યું અને ડૉક્ટર પટેલના સંપર્કમાં આવ્યા અને પિતાની સારવાર શરૂ થઈ. પહેલાં મારા પિતાજી ચાલી પણ નહોતા શકતા, હવે બધે જ હરીફરી શકે છે. ખૂબ જ સારી રિકવરી આવી ગઈ છે. હિન્દુસ્તાનના ડૉક્ટરની દવાથી માત્ર 20 દિવસમાં જ સુધારો જોવા મળ્યો હતો.’ આવી જ રીતે પાકિસ્તાનના જ 32 વર્ષીય આમીર મંજૂરને પણ મ્યુકરમાઈકોસિસ થયું હતું. તેમને પણ સુરતથી સારવાર અપાઈ હતી અને 25 દિવસમાં તેમનામાં પણ સુધારો દેખાવા લાગ્યો હતો.
પાકિસ્તાનમાં 25 લાખ ખર્ચ્યા, સુરતના ડૉક્ટરે કહ્યું, ‘એક રૂપિયો પણ નહીં લઉં’
મહિનાઓ સુધી પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં ડૉક્ટરો પાસેથી મોંઘી સારવાર લીધા બાદ પણ જે ફરક ન પડી શક્યો, એ દર્દનો ઈલાજ સુરતમાં બેઠાં-બેઠાં એક ડૉક્ટરે કરી બતાવ્યો. રજનીકાંત પટેલે ન માત્ર ત્રણેય દર્દીની આંખ બચાવી, પરંતુ જે રીતે રોગનો ફેલાવો થઈ રહ્યો હતો એ પ્રમાણે તો તેમના જીવને પણ જોખમ હતું છતાં પણ ડૉક્ટર રજનીકાંત પટેલે પાકિસ્તાનના એકેય દર્દી પાસેથી એકપણ રૂપિયો લીધો નથી. તેમણે કહ્યું, ‘આ તમામ દર્દીઓ પાકિસ્તાનમાં સામાન્ય પરિવારમાં જીવન ગુજારી રહ્યા છે. તેમની બચત રૂપે જે રૂપિયા હતા એને ખર્ચી નાખ્યા છે, એટલે મેં આ દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધો નથી. ત્રણેય દર્દી આજે સારા થઈ જતાં તેમની દુઆ મળી છે, એ જ મારા માટે સાચો રૂપિયો સાબિત થયો છે.’
‘તમારું દવાખાનું પાકિસ્તાનમાં પણ હોવું જોઈએ’
ભાવનાઓથી ભરપૂર આ કહાનીમાં ટેકનોલોજીનો સદુપયોગ, ભાઈચારો, નિ:સ્વાર્થ મદદનો સરાહનીય અભિગમ છે. દર્દીના દીકરી ઈકરાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ‘પાકિસ્તાનમાં આયુર્વેદ પદ્ધતિથી મ્યુકરમાઈકોસિસ જેવી બીમારીનો ઈલાજ થાય એવી કોઈ જ વ્યવસ્થા નથી. અમને તો સૌથી પહેલા એલોપેથી મારફત જ સારવાર કરાવી રહ્યા હતા છતાં એનાથી કોઈ ફાયદો ન થયો, પરંતુ હવે અમને લાગે છે કે ભારતની આયુર્વેદ ચિકિત્સા ખરેખર ખૂબ અદભુત છે. પાકિસ્તાનમાં પણ આવી જાણકારી ધરાવતા ડૉક્ટર હોવા જોઈએ. મનમાં તો એવો પણ વિચાર આવે છે કે ડૉક્ટર રજનીકાંત પટેલની ક્લિનિક પાકિસ્તાનમાં પણ હોય તો સારું. જોકે હાલની સ્થિતિમાં આ વાત શક્ય થઈ શકે એમ નથી લાગતી.’
‘…મને એ બાબતે આયુર્વેદ સંમતિ નથી આપતું’
ડૉક્ટર રજનીકાંત પટેલે જણાવ્યું, ‘સરકારને હું રજૂઆત કરું છું કે બંને દેશ વચ્ચે ચર્ચાઓ કરીને જરૂરી દવાઓ અને સારવાર થઈ શકે, દર્દી અહીં આવી શકે અને દવાઓ ત્યાં પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે ભારત પાસે આયુર્વેદની રોગ મટાડવાનો એક સમૃદ્ધ અને સફળ ઈતિહાસ રહેલો છે. એક પાડોશી દેશ તરીકે પાકિસ્તાન સાથેના વિવાદ અને ત્યાંના દર્દીઓ પ્રત્યે કૂણું વલણ દાખવવા મુદ્દે કરેલા સવાલના જવાબમાં ડૉક્ટર રજનીકાંત પટેલે કહ્યું, અમારા માટે દરેક દર્દી એક સરખા જ હોય છે. દર્દી તરીકે મારી પાસે કોઈપણ વ્યક્તિ આવે, અમે તેનો દેશ, જાતિ કે ધર્મ પૂછીને સારવાર નથી કરતાં. આ બાબતે આયુર્વેદ જ અમને સંમતિ નથી આપતું.’