
અધ્યક્ષે ટકોર કરતાં કહ્યું મંત્રીએ કોઈ મહત્વનું નિવેદન નથી કર્યું તો કેમ પાટલી ખખડાવો છો?
ગાંધીનગર, 6 માર્ચ 2023 સોમવાર
વિધાનસભા ગૃહમાં આજે અચાનક હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. બન્યું એવું કે, રાજ્યના આરોગ્ય મંત્રી વિપક્ષ દ્વારા પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતા હતાં. ત્યારે અચાનક ટ્રેઝરી બેન્ચના સભ્યોએ પાટલી થાબડવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન અધ્યક્ષે ટ્રેઝરી બેન્ચના સભ્યોને ટકોર કરી હતી કે શા માટે બેન્ચ ખખડાવી રહ્યાં છો?
ભાજપના સભ્યોને ઉઠાડવા માટે બેન્ચ ખખડાવી
અધ્યક્ષે કહ્યું હતું કે, મંત્રીએ એવું કોઈ મહત્વનું નિવેદન કર્યું નથી તો પણ કેમ પાટલી ખખડાવો છો? કોઈ પણ બાબત વિના મંત્રીને કેમ વધાવી રહ્યાં છો? અધ્યક્ષની આ ટકોર બાદ ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું. કારણ કે બાદમાં ખબર પડી હતી કે, ટ્રેઝરી બેન્ચના અધિકારીઓ મંત્રીના નિવેદન સમયે ઊંઘી રહેલા ભાજપના સભ્યોને ઉઠાડવા માટે બેન્ચ ખખડાવી રહ્યાં હતાં.