
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ-2023માં પૂર્ણ થઈ છે. ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આવતીકાલે જાહેર થશે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યે બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ વર્ષે ખાસ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકાશે.
6357300971 પર સીટ નંબર મોકલો
ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં વોટ્સએપના આધારે પરિણામ મળી શકશે. 6357300971 પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકાશે.
3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ અપાશે
સમગ્ર રાજ્યમાં 1.25 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. 14 માર્ચથી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ 1 મહિના બાદ એટલે કે 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. આવતીકાલે માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થશે, ત્યારબાદ 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
ઈજનેરી કરતા મેડિકલ માટે વિદ્યાર્થીઓ લગભગ બમણા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ છે. જે અંતર્ગત વર્ષ કરતા ઘટ્યાં છે. જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ છે. એબી ગ્રૂપના 32 વિદ્યાર્થી છે.
એ કરતા બી ગ્રુપમાં 45 ટકા વિદ્યાર્થી વધારે
ચાલુ વર્ષના એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે, એટલે કે એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે.
માર્ચ મહિનામાં ધો.10-12ની પરીક્ષા યોજાઈ
માર્ચ મહિનાની 14મી તારીખથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આશરે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં 16.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જો કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઇજનેરી કરતા મેડિકલ લાઈનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગોમાં 56633 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી.
ધો.10માં 83 ઝોન નક્કી કરવામાં આવ્યા હતા
ગુજરાત શિક્ષણ બોર્ડના એક્શન પ્લાન મુજબ ધો.10માં 83 ઝોન નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં 958 કુલ પરીક્ષા કેન્દ્રો હતા. જેમાં 3127 બિલ્ડિંગમાં 31,816 વર્ગ ખંડો બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 10માં આ વર્ષના રેગ્યુલર 74,1337, પ્રાઇવેટ રેગ્યુલર 11,258, રીપિટર 16,5576, પ્રાઇવેટ રીપિટર 5472, છોકરાઓની સંખ્યા 53,82,230 અને છોકરીઓની સંખ્યા 41,8523 નોંધાઈ છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 56 ઝોન નક્કી કરાયા છે. જેમાં 525 કેન્દ્રોમાં 1833 બિલ્ડિંગોમાં 18,389 બ્લોકમાં પરીક્ષા લેવાઈ હતી.