
બે પુત્રોના લગ્નમાં વરઘોડાનો ખર્ચ બચાવી તે રકમ બંને પુત્રવધુઓના નામે બહેનો માટે બનનાર “મહિલા હોસ્ટેલ” કિરણ મહિલા ભવન નિર્માણ માટે અર્પણ કરી છે. સામાજીક સુધારા સાથે ખોટા ખર્ચ ઓછા કરી તે રકમ મહિલાઓ માટેની સુવિધા માટે અર્પણ કરનાર વરસાણી પરિવારને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રના નાના માચિયાળા ગામના વતની શ્રી ભરતભાઈ હરિભાઈ વરસાણીના બે દીકરા ચિ. બ્રિજેશ અને ચિ. વિશાલના લગ્ન તા. ૦૬/૦૫/૨૦૨૩ના રોજ યોજાયા હતા. આ બન્ને ભાઈઓની જાન લગ્ન માંડવે ખુબ સાદાઈથી પહોંચી હતી. કોઈ વરઘોડા, બેન્ડવાજા કે ફટાકડા વગર સાદાય પરંતુ ગરિમાપૂર્વક રીતે લગ્ન મંડપે પહોચ્યા હતા. આ ખર્ચ ઓછો કરીને તે રકમ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી નિર્માણ થનાર કિરણ મહિલા ભવન બાંધકામ માટે દાન કરેલ છે. વરરાજાઓના દાદા હરિભાઈ તથા કાકા ભરતભાઈ વરસાણી તથા દિલીપભાઈ વરસાણી અને પરિવારે ખુશીથી તે રકમ બંને પુત્રવધુઓના નામે રકમ મહિલા હોસ્ટેલના નિર્માણ માટે આપી છે.
પુત્રવધુ ઈશિતા બ્રિજેશ વરસાણી નામે રૂ. 51,000/- તથા બીજા પુત્રવધુ નવીશા વિશાલ વરસાણી ની નામે રૂ. 51,000/- નો ચેક સંસ્થાના પ્રમુખ શ્રી કાનજીભાઈ આર. ભાલાળા ને વરઘોડીયાના હસ્તે અર્પણ કરેલ છે. ખરેખર પુત્રવધુઓને દીકરીઓ ગણી મહિલા હોસ્ટેલમાં દાન આપેલ છે.
વરાછા રોડ, આઉટર રિંગરોડ નજીક કિરણ મહિલા ભવન જેમાં ૫૦૦ દીકરીઓ માટે હોસ્ટેલ અને જે કે સ્ટાર મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર બનવાનું છે. મહિલા ઉત્કર્ષ માટેની આ સુવિધાઓના નિર્માણ માટે બંને પુત્રવધૂના નામે આર્થિક સહયોગ આપવા બદલ હરીદાદા વરસાણી પરિવાર ને અભિનંદન આપવામાં આવ્યા છે. સાસુમાં કૈલાસબેન વરસાણીએ બંને વહુઓને વધાવતા પહેલા તેને નામે સારા કામમાં દાન આપી સામાજિક જાગૃતિ દાખવી છે. શ્રી દિલીપભાઈ વરસાણી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત ના યુવા ટીમના સક્રિય સભ્ય છે. સેવાભાવી વરસાણી પરિવાર અન્ય લોકોને પ્રેરણારૂપ બન્યાં છે.