
સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અને ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરતા વેપારીને ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. ભેજાબાજ ઈસમે વેપારીની ફર્મના નામે ડુપ્લીકેટ દસ્તાવેજા બનાવી આઈસગેટ પોર્ટલ ઉપ૨ રજીસ્ટ્રેશન કરાવી વેપારીનો માલ ઈમ્પોર્ટ કરવા બદલ સરકાર તરફથી સ્કીમ હેઠળ મળેલા રૂપિયા 95 લાખમાંથી 54 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. જોકે, બાદમાં વેપારીને જાણ થતા તેઓએ આ અંગે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સરકાર તરફથી મળતી ક્રેડિટ હડપ કરી ગયો
સરથાણા જકાતનાકા શુકન બંગ્લોઝ પાસે રીવરપેન્ટા સ્કાય ખાતે રહેતા 30 વર્ષીય વિજય વિઠ્ઠલભાઈ રામાણી મોટા વરાછા ખાતે શારદા કોર્પોરેશન ફર્મના નામે ઓફિસ ધરાવી ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે. દરમિયાન ગત તા. 12 સપ્ટેમ્બર 2022થી 28 નવેમ્બર 2022 સુધીમાં અજાણ્યા ભેજાબાજે વિજયભાઈની સરકાર તરફથી મળતી ક્રેડિટ હડપ કરી ગયો હતો. ઠગબાજ દ્વારા વિજયભાઈની ફર્મના અને તેના નામના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.
ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ બનાવ્યા
ઠગબાજ આ દસ્તાવેજના આધારે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ બનાવ્યા હતા. બાદમાં તેનો આઈસ ગેટ પોર્ટલ ઉપર ફર્મને રજીસ્ટ્રેશન કરાવી તેમાં વેપારી વિજય રામાણીના નામનું ઈ-મેઈલ આઈડી બનાવીને રજીસ્ટર કરાવી દીધું હતું અને તેમાં ભેજાબાજે પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ ભેજાબાજે વિજય રામાણીના ઈમ્પોર્ટ અને એક્ષપોર્ટ કોડનો ઉપયોગ કરી વિજય રામાણીને માલના એક્સપર્ટ કરવા બદલ ભારત સરકાર દ્વારા રિબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સીસ એન્ડ લેવિસ સ્કીમ હેઠળ અલગ અલગ 7 ઈ સ્ક્રિપ્સના રૂપિયા 92,42,831 આપવામાં આવ્યા હતા. જેમાંથી બારોબાર 4 ઈ-સ્ક્રીપ્સના રૂપિયા 54,25,767 અન્ય ઈમ્પોર્ટ અને એક્ષપોર્ટ કોડ ધારકોને ટ્રાન્સફર કરી અને યુટીલાઈઝ કરી છેતરપિંડી કરી હતી.
ભેજાબાજને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા
બનાવ અંગે વિજય રામાણીએ સાયબર સાયબર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર બાબતની સાયબર ક્રાઈમ પોલીસમાં વિજયભાઈ રામાણીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અને મોબાઈલ નંબરના આધારે ભેજાબાજને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.