
૬ મહિના અગાઉ ઝડપાયેલો બલદેવ હાલ ફરાર, પોલીસે શોધખોળ હાથ ધરી
દુબઇથી કરોડો રૂપિયાનું સોનુ સ્મગલીંગ કરીને ઝેરી કેમીકલ મારફતે પેસ્ટ કરીને સુરત લાવનાર ચારેય યુવકો આ સોનુ મોટા વરાછાના બલદેવ પટેલને આપવાના હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે બલદેવ પટેલને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બલદેવ પટેલ પોતાનુ નામ શર્મા હોવાનું જણાવી કેરીયરોને મળતો હતો. ૬ મહિના પહેલા બળદેવ પટેલ દાણચોરીમાં ઝડપાયો હતો અને હાલ ફરાર થઈ ગયો છે.
એસઓજીએ ડુમસ રોડ એસ.કે.નગર ચોકડી પાસેથી શનિવારે રાત્રે કારમાં પસાર થતા ફેનીલ રાજેશ માવાણી, નિરવ રમણીક ડાવરીયા, ઉમેશ ઉર્ફે લાખો રમેશ ભીખરીયા અને સાવન શાંતીલાલ રાખોલીયાને ઝડપી પાડીને કરોડોનુ સોનુ જપ્ત કર્યું હતું.
ચારેય પૈકી ફેનીલ અને નિરવ દુબઈથી શનિવારે શારજાહની ફ્લાઈટમાં આ સોનુ પોતાના અંડર ગારમેન્ટમાં તેમજ બુટના સોલમાં છુપાવીને લાવ્યા હતા. પોલીસે ચારેયની ધરપકડ કરી ૪.૨૯ કરોડની કીમનું ૭.૧૫૮ કિલો સોનું કબ્જે કરી ચારેયની પુછપરછ હાથ ધરતા પાર્થ શર્મા અને વિક્કી નામની વ્યક્તિઓને આ સોનું આપવાના હોવાનું તેમણે જણાવ્યું હતું. ચારેયની પુછપરછ હાથ ધરતા સોનુ મંગાવનાર વ્યક્તિ વરાછાનો રીઢો બલદેવ પટેલ હોવાનું સામે આવ્યું છે. બલદેવ પટેલ પાર્થ શર્મા નામ ધારણ કરીને રહેતો હતો. બલદેવ ૬ મહિના અગાઉ પણ દાણચોરીમાં પકડાયો હોવાનું સામે આવ્યું છે.
એક્વા રેેજીયા કેમીકલથી સોનાની પેસ્ટ બનાવતા હતા
સોનુ ચાંદી પીગળાવવા માટે ઉપયોગમાં લેવાતા એકવા રેજીયા કેમીકલની મદદથી સોનુ લીક્વીડ ફોર્મ બનાવી તેને પાઉચમાં પેક કરી અડર ગારમેન્ટમાં તેમજ બુટના સોલમાં સંતાડી સોનું લઈ આવતા હતા. એક્વા રેજીયા એ બે અલગ અલગ એસીડને મિક્સ કરી બનાવવામાં આવતું કેમીકલ હોવાથી જલદ હોય છે. ત્યારે આ જલદ કેમીકલ દ્વારા લિક્વીડ બનાવેલુ સોનું અંડર ગારમેન્ટમાં સંતાડીને લઈ આવતા કેરિયર પોતાનો જીવ પણ જોખમમાં મુકી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
એકવા રેજીયા એસીડથી ચામડી બળી જાય છે
એક્વા રેજીયા એ બે એસીડનુ મિશ્રણ છે જે સોના ચાંદી પીગળાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ કેમિકલ એક પ્રકારનું એસિડ જ છે. જે ચામડીના સંપર્કમાં આવે તો વ્યક્તિ દાઝી શકે છે અને તેના અંગોને નુકશાન પહોંચાડી શકે છે. > ડો.ગણેશ ગોવેકર