
ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ છે અને પહેલો વરસાદ વરસતાની સાથે જ તાપીના જળસ્તરમાં ધીરે ધીરે વધારો થવાનો શરૂ થઈ ગયો છે. સુરત શહેરને પાણી પૂરું પાડતો કોઝવે વરસાદના પહેલા સપ્તાહમાં છલકાઈ ગયો છે. હાલ પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે.
કોર્પોરેશન દ્વારા કોઝવે બંધ કરાયો
સુરત શહેરના લોકોને પાણીના સ્ત્રોત મળી રહે તે માટે કોઝવે બનાવવામાં આવ્યો છે. આ કોઝવેના જળસ્તરના આધારે સુરત શહેરના લોકોને પાણી મળી રહે છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. હાલ કોઝવીની સપાટી 6.11 મીટર નોંધાતા કોર્પોરેશન દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. અડાજણ ગોરાટથી સીંગણપુર ચાર રસ્તા કતારગામ તરફ જવા માટે ખૂબ જ મહત્ત્વનો છે. કોઝવે બંધ થતા હવે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે. બીજી તરફ નહેરુબ્રિજ થઈ મોગલીસરાથી અડાજણ તરફ જવા માટે પણ મેટ્રોની કામગીરી ચાલતી હોવાને કારણે વાહન-વ્યવહાર સરળતાથી થઈ શકતો નથી.
શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. નિશાળ વાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે તો સાથોસાથ સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થવાને કારણે તાપીના જળસ્તરમાં પણ વધારો થયો છે. બારડોલી અને તાપીમાં પણ વરસાદ ખાબકતા તાપી નદીના બંને કાંઠે જળસ્તરનો વધારો જોવા મળી રહ્યો છે. આજે પણ આકાશ કાળાડીબાંગ વાદળાઓથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વરસાદ વરસે તેવી પૂર્ણ શક્યતા છે.