આજકાલ વંદે ભારત ટ્રેનનો રંગ ચર્ચામાં છે. નવી લોકાર્પણ કરેલી ટ્રેન ભગવા રંગની હોવાથી ચર્ચાનો વિષય બની છે. ઘણા લોકો એવી આશા રાખી રહ્યા હશે કે રંગ બદલવાથી અકસ્માતો ટળે તો સારું. હાઇકોર્ટ પ્યૂન માટે લેવાયેલી પરીક્ષામાં પુછાયેલા એક સવાલને લઈ પરીક્ષાર્થીઓ એકબીજાને સવાલ કરતા થઈ ગયા કે આ પ્રશ્ન હતો કયા સેક્શનમાંથી. વાત એમ છે કે અનુષ્કા શર્માએ કયા ક્રિકેટર સાથે લગ્ન કર્યાં છે એવો સવાલ પુછાયો હતો. એને લઈ ચર્ચા છે. સાંભળવા મળ્યું છે કે સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં માટે વધુ જળસ્તર રખાતાં વરસાદ સમયે શહેરમાં પાણી ભરાઈ રહે છે. પાણી બેક મારતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માટે ધારાસભ્યએ જળસ્તર ઓછો કરવા પર રજૂઆત પણ કરી છે. એક ધારાસભ્ય ચર્ચામાં આવ્યા છે. પોતાની માનહાનિ થયાની લાગણી અનુભવતા ધારાસભ્યએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પણ કોર્ટમાં વકીલે ધડાધડ અંગ્રેજીમાં સવાલો પૂછતાં નેતાને પરસેવો છૂટી ગયો હતો એવી ચર્ચા છે.