એક તરફ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. બીજી તરફ રામાયણને વિશ્વ ફલક સુધી પહોંચાડવા માટે 45 કિલો વજન સાથેનો વિશાળ રામાયણ મહાગ્રંથ વેદિક કોસ્મોસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં નચિકેતા સ્ટેશનરી મોલમાં આ રામાયણ ઉપલબ્ધ છે. જેને સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે. આવનારી પેઢીને માહિતગાર કરવા 100 વર્ષ સુધી સાચવી શકાય તેવી રામાયણ ખાસ તૈયાર કરવામાં આવી છે તેમજ 360 ડીગ્રી ફરી શકે એવું વાંચન સ્ટેન્ડ તૈયાર કરાયું છે. તેમજ 2050 ઇટાલિયન પેજ પર વનસ્પતિ ઇન્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રામાયણ મહાગ્રંથની 1.65 લાખ આંકવામાં આવી છે.
રામાયણમાં વનસ્પતિ ઇન્કનો ઉપયોગ
આ મહાગ્રંથની વિશેષતા એ છે કે, ચિત્રકારો દ્વારા રામાયણના અલગ અલગ પ્રસંગો અનુરૂપ કેનવાસ પર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેને જોઈ નિહાળી ઘણું બધું સમજી શકાય છે. તો સાથે જ વનસ્પતિ ઇન્કનો ઉપયોગ કર્યો હોવાથી આ ગ્રંથ લગભગ 100 વર્ષ કરતા વધુ સમય સુધી સાચવી શકાય તેમ છે. જેની કિંમત હાલ 1.65 લાખ આંકવામાં આવી છે. જે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રાજકોટના એસ્ટ્રોન ચોક સ્થિત નચિકેતા સ્ટેશનરી મોલ ખાતે ઉપલબ્ધ છે.
પશ્ચિમી સભ્યતાને સનાતની ધર્મ સાથે સંયોજવાનો પ્રયાસ
વેદિક કોસ્મોસના ડાયરેક્ટર હેમંતભાઈ શેઠ દ્વારા સંસ્કૃત ભાષામાં 24000 શ્લોકને વિદેશી સ્કોલર્સ સહિત 15 વૈદિક નિષ્ણાંતો દ્વારા સંપાદિત કરાયા છે. તેમજ વાલ્મીકિ રામાયણને સંસ્કૃત ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં એન્ટિક સ્વરૂપે રજૂ કરી આજની યુવા પેઢી અને પશ્ચિમી સભ્યતાને સનાતની ધર્મ સાથે સંયોજવાનો પ્રયાસ કર્યો છે.
પ્રાણીજન્ય ગુંદરને બદલે વનસ્પતિજન્ય ગુંદરનો ઉપયોગ
રાજકોટની નચિકેતા સ્ટેશનરી મોલના માલિક ધનજીભાઈ કાવરે જણાવ્યું હતું કે, આમ તો કોઈ પુસ્તક છાપીને તેને પ્રસિદ્ધ કરવું એ બે પાંચ મહિનાનું કાર્ય ગણાય, પણ પ્રકાશનગૃહ વેદિક કોસ્મોસે શિવકાશીમાં પ્રિન્ટ કરાવેલી વાલ્મીકિ રામાયણને હિન્દી તથા અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં પૂરા 5 વર્ષનો સમય લાગ્યો છે. આશરે 2050 ઇટાલિયન પેજ પર વેજીટેબલ ઇન્ક અને બાઇડિંગમાં પ્રાણીજન્ય ગુંદરને બદલે વનસ્પતિજન્ય ગુંદરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અક્ષર અને ઇન્ક ઈમ્પોર્ટેડ હોવાથી યુવાનોમાં આકર્ષણ
ધનજીભાઈ કાવરે વધુમાં જણાવ્યું હતું કે, આનાથી 100 વર્ષ સુધી આ પુસ્તકનું સ્વાભાવિક આયુષ્ય ગણાવાઈ રહ્યું છે. અક્ષર અને ઇન્ક ઈમ્પોર્ટેડ હોવાથી યુવાનો અને વૃદ્ધો સૌકોઈ લોકો આસાનીથી વાંચી શકે છે. આ સાથે મૈસુરના ચિત્રકારોએ 100 જેટલા રામાયણના વિવિધ 300 પ્રસંગો કેનવાસ પર રંગે મઢ્યા છે જે પુસ્તકમાં મેટ કેનવાસ પેપર પર પ્રિન્ટ કરાયા છે, જે પણ ગ્રંથમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
રામાયણને સાચવવા ત્રણ ખાનાનું સ્પેશિયલ સંપુટ બનાવાયું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 633 પેજ, 682 પેજ અને 734 પેજના એમ કુલ ત્રણ અલગ અલગ પુસ્તકના સેટમાં પ્રિન્ટ થયેલી આ સંપૂર્ણ રામાયણને વ્યવસ્થિત રીતે સાચવવા માટે ઇટાલિયન શમી વૃક્ષના લાકડાની કલાત્મક ત્રણ ખાનાનું સ્પેશિયલ સંપુટ બનાવવામાં આવ્યું છે. જે સંપુટ પર રામાયણ પ્રસ્થાપિત કરી તેનું વાંચન કરી શકાય છે. આ વાંચન સ્ટેન્ડ 360 ડિગ્રી ફરી શકે તેવું બનાવાયું છે. ત્રણેય પુસ્તકોના મુખ પુષ્ટ પર અને કલાત્મક વુડન બોક્સ પર “સોરસ્કી‘ ડાયમંડ એટલે કે (સાચા હીરા) જડવામાં આવ્યા છે.
રામાયણને ચિતાકર્ષક સ્વરૂપે રજૂ કરવામાં આવી
આ ઉપરાંત વુડન બાઇડિંગમાં પટ્ટી સ્ટાઈલની અન્ય 6 પુસ્તિકામાં વાલ્મીકિ રામાયણના 24000 સંસ્કૃત શ્લોકો ઉચ્ચ ટેકનોલોજીની મદદથી સુવાચ્ય અક્ષરે પ્રિન્ટ કરાયા છે, જે હિન્દી, અંગ્રેજી ભાષા સાથે સંસ્કૃત ભાષાનો વૈભવરસ પીરસાયો છે. રામાયણના આ ત્રણ મુખ્ય પુસ્તક અને 6 પુસ્તિકાઓ તેમજ એન્ટિક વુડન બોક્સ સહિત 45 કિલો વજન ધરાવતા આ સંપુટની કિંમત 1.65 લાખ છે. અલબત્ત જે પ્રકારે રામાયણને ચિતાકર્ષક સ્વરૂપે રજૂ કરવામાં આવી છે તે જોતાં આ કિંમત નગણ્ય ગણાય. GST સહિત 1.65 લાખની કિંમત માત્ર ભારત પૂરતી જ છે.
રામાયણ સંપુટના બુકિંગ માટે ઇન્કવાયરી શરૂ
વધુમાં ધનજીભાઈ કાવરે જણાવ્યું હતું કે, રાજકોટમાં આ રામાયણ સંપુટના બુકિંગ માટે ઈન્કવાયરી શરૂ થઈ ચૂકી છે. લિમિટેડ એડિશન એટલે કે માત્ર 5000 સંપુટ જ છપાયા હોવાથી લોકોમાં આ રામાયણ ઘર, આશ્રમ, મંદિર, લાઈબ્રેરી સહિતના સ્થાનોમાં વસાવવા માટે ક્રેઝ જોતા થોડા સમયમાં જ 5000 સંપુટ ખરીદાઈ જશે તેવું લાગી રહ્યું છે. વૈદિક કોસ્મોસના ડાયરેક્ટર હેમંતભાઈ શેઠે ઉઠાવેલી પાંચ વર્ષની જહેમત હાલ રંગ લાવી રહી છે.
કોણે કોણે એન્ટિક રામાયણ સંપુટના પ્રયાસને બિરદાવ્યો?
અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ, મથુરા મંદિરના અધ્યક્ષ અને પુનામાં આશ્રમ ધરાવતા ગોવિંદ દેવગીરીએ પ્રારંભિક ડેમો સંપુટ જોતાં જ પ્રભાવિત થયા હતા. તેમજ પ્રકાશકોની મહેનતને બિરદાવી હતી. આ ઉપરાંત રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓ, શિક્ષણવિદો, મંદિર, આશ્રમના મહંતો, સાધુ-સંતોએ રામાયણ સંપુટ નિહાળી અહોભાવ વ્યક્ત કરી આ સંપુટ ખરીદવાની મનછા જાહેર કરી હતી. એટલું જ નહીં માતબર ઉદ્યોગગૃહોએ સંપૂર્ણ રામાયણ ગ્રંથ બુક કરાવી વહેલી તકે પોતાના ઘર, ઉદ્યોગ, સંસ્થાનોમાં સ્થાપિત કરવાની તાલાવેલી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, રામાયણના 7 કાંડને ત્રણ પુસ્તકોમાં હિન્દી-અંગ્રેજીમાં સમાવવામાં આવ્યા છે. જેમાં બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ યુદ્ધકાંડ અને લંકાકાંડનો સમાવેશ થાય છે.