ગત સપ્તાહે ભારે વરસાદને પગલે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર વાહનો ખોટકાવાના અનેક બનાવો બન્યા હતા. જે બાબતને ધ્યાને લઇ ટ્રાફિક પોલીસે વાહનચાલકોની મદદ માટે તેમજ સુચારુ ટ્રાફિક વ્યવસ્થા માટે બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી બનાવી છે. જે કેબિનમાં બે પોલીસ કર્મીઓ સતત હાજર રહી વાહનચાલકોને મદદરૂપ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં બ્રિજ પર પહેલીવાર ટ્રાફિક પોલીસ ચોકી બનાવવામાં આવી છે. આ ચોકી ગુજરાતમાં સંભવતઃ પહેલીવાર કોઈ બ્રિજ કે ફ્લાયઓવર પર કાર્યરત કરાયેલી ચોકી છે.
ટ્રાફિક ડીસીપી અમિતાબેન વાનાણીએ જણાવ્યું હતું કે, ચોમાસાની સિઝનમાં રિંગરોડ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જેને નિવારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ ચોકી, પેટ્રોલિંગની સાથે બ્રિજ વચ્ચે ડિવાઈડરમાં લોખંડની જાળી લગાવવામાં આવી છે. જેને ખસેડી ટ્રાફિક ડાયવર્ટ પણ હવે કરી શકાશે. ગુજરાતમાં આવો નિર્ણય પ્રથમવાર હોય એવી શક્યતા કહી શકાય.
રાફિકની અસર ઉધનાથી લઈ સહારા દરવાજા સુધી થતી
ભારે વરસાદને કારણે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર વારંવાર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બાબતે પોલીસે તપાસ કરી તો વરસાદમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો ખોટકાવાના અનેક બનાવો બન્યા હતા. એક વાહનને કારણે બ્રિજ પર લાંબી કતારો લાગી જતી હતી. જેની અસર ઉધના દરવાજા, સહરા દરવાજાથી લઇ કાપડ માર્કેટ વિસ્તારમાં પણ જોવા મળતી હતી.
રાફિક પોલીસ ચોકીમાં બે જવાનો હાજર રહેશે
બ્રિજ પર વાહન ખોટકાય તો વાહનચાલકને મદદરૂપ થવા માટે ટ્રાફિક પોલીસે ચોકી બનાવી છે. બ્રિજ પર સહારા દરવાજા તરફ જવાના માર્ગની સાઇડે કેબિન બનાવાઇ છે. જે કેબિનમાં બે પોલીસકર્મીઓ હાજર રહેશે અને વરસતા વરસાદમાં જો કોઇ વાહન ખોટકાય તો વાહનચાલકોની મદદ કરી શકશે.
પોલીસકર્મીઓ બાઇક પર સતત ક્રોસ પેટ્રોલિંગ કરશે
પોલીસ ચોકી પર ફરજ બજાવતા બે પોલીસકર્મી જરૂર પડ્યે વાહન ખસેડવા ક્રેન પણ મંગાવી લેશે. સાથોસાથ પોલીસકર્મીઓ બાઇક પર સતત ક્રોસ પેટ્રોલિંગ કરી ટ્રાફિક વ્યવસ્થા પણ જાળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતના એક પણ બ્રિજ પર ટ્રાફિક પોલીસ ચોકી નથી. રિંગરોડ બ્રિજ પર ભારે ટ્રાફિક થતો હોવાના કારણે આ ચોકી બનાવવામાં આવી છે.