
સુરતની સ્મીમર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં આજરોજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના સભ્યએ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે લાખો રૂપિયાની આપવામાં આવતી દવાઓ સ્ટોર રૂમમાં કોઈપણ પ્રકારના ટેમ્પરેચર મેન્ટેન કર્યા વગર જ રાખવામાં આવે છે. દવાઓ ઉપર સ્પષ્ટ સૂચના લખવામાં આવી હોવા છતાં પણ તેને મેન્ટેન કરવામાં આવતી નથી. આ અંગે આપ નેતાએ કહ્યું હતું કે, આ દવા દર્દીને આપવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે. દવા લીધા બાદ દર્દીને રિએક્શન આવે તો તેના માટે જવાબદારી કોણ?
દિવ્ય ભાસ્કરે આ બાબતે સ હોસ્પિટલ સમિતિના ચેરમેન રાજેશ જોલિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દવાઓ રાખવા માટેનું કોલ્ડ સ્ટોરેજ છે કે નહીં તે મારા ધ્યાન પર નથી. આશ્ચર્યની વાત છે કે, હોસ્પિટલ કમિટીના ચેરમેનને પોતાનો હોસ્પિટલની સુવિધા અંગે પણ પૂર્ણ માહિતી નથી.

કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની દવા સ્ટોર રૂમમાં પડેલી દેખાય
ઉલ્લેખનીય છે કે, સુરતની સ્મીમર હોસ્પિટલના સંચાલનમાં મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં પણ અનેક વ્યવસ્થાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. હજારો લાખોની સંખ્યામાં જ દર્દીઓ સારવાર લે છે, ત્યાં દવા મૂકવા માટે કોલ્ડ સ્ટોરેજ પણ નથી. દવાઓમાં ઘણી બધી એવી દવા હોય છે કે, જેને એક ચોક્કસ ટેમ્પરેચરમાં મૂકવી ખૂબ જ જરૂરી હોય છે. એવા ઘણા ઇન્જેક્શનનો પણ હોય છે કે, જેને નિયત કરેલા ટેમ્પરેચરમાં જ મૂકવા પડે છે, જેથી કરીને તેની અસર જળવાઈ રહે છે. વિવિધ પ્રકારના દવાના જથ્થાઓને એક ચોક્કસ તાપમાનમાં જ મુકવામાં આવતી હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે, જે દવાઓને યોગ્ય સ્થાને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવી જોઈએ તેને બદલે સ્ટોર રૂમમાં પડી રહી છે. લાખો કરોડો રૂપિયાની દવાનો આ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

દવા મૂકવા માટે પોસ્ટ એવરેજની પણ વ્યવસ્થા નથી: વિપક્ષ
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને હોસ્પિટલ કમિટીના સભ્ય રચના હિરપરાએ જણાવ્યું હતું કે, આજે તેઓ તેમના સાથી કોર્પોરેટર મહેશ અણઘણ સાથે એકાએક જ સ્ટોર રૂમની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યાં રહેલી કેટલીક દવાઓને હાથમાં લીધી ત્યારે જાણવા મળ્યું કે, તેના ઉપર સૂચના લખવામાં આવી હતી કે, આ દવાને બેથી આઠ સેલ્સિયસના ટેમ્પરેચરમાં જ મૂકવી જોઈએ, પરંતુ હોસ્પિટલના સંચાલકોની ઘોર બેદરકારી જોવા મળે છે. લાખો રૂપિયાની ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને આપવામાં આવતી દવાઓ સ્ટોર રૂમમાં કોઈપણ પ્રકારના ટેમ્પરેચર મેન્ટેન કર્યા વગર પડી રહી છે. દવાઓ ઉપર સ્પષ્ટ સૂચના લખવામાં આવ્યું હોવા છતાં પણ જો તેને મેન્ટેન કરવામાં ન આવી હોય અને દર્દીઓને તે દવા આપવામાં આવે તો તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે. દવા લીધા બાદ દર્દીને રિએક્શન આવે તો તેના માટે જવાબદારી કોણ લેશે. ઘરમાં ઉપયોગમાં લેવાતું હોય તેવું નાનું રેફ્રિજરેટર ત્યાં હતું. જેમાં ટેમ્પરેચર પર મેન્ટેન થતું ન હોય તેવું જણાય આવ્યું હતું. દવાઓ હતી તે સ્ટોર રૂમમાં પડેલી મળી હતી.

કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે કે નહીં, તેનાથી ચેરમેન જ અજાણ
આ બાબત ધ્યાનમાં આવતાની સાથે જ દિવ્ય ભાસ્કર (DB) દ્વારા હોસ્પિટલ સમિતિના ચેરમેન રાજેશ જોલિયા અને હોસ્પિટલના આર. એમ. ઓ. જયેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મોબાઈલ ઉપર સતત તેમને બેથી ત્રણ વખત ફોન કર્યા બાદ પણ તેમણે ફોન રિસીવ કર્યો નહોંતો. જે બાદ હોસ્પિટલ સમિતિના ચેરમેન રાજેશ જોલિયાએ ફોન રિસિવ કર્યો હતો, જેની વાતચીતના અંશો નીચે મુજબના છે.
DB: સ્મીમેર હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે?
રાજેશ જોલિયા: સ્મીમેર હોસ્પિટલમાં કોલ્ડલ્ડ સ્ટોરેજ છે કે કેમ તેની મને જાણ નથી.
DB: તો આપણે અમુક ચોક્કસ તાપમાનમાં જે દવાઓ મૂકવામાં આવે છે તે દવાઓ ક્યાં મૂકવામાં આવે છે, આજ દિન સુધી?
રાજેશ જોલિયા: આવી દવાઓ તો ICUમાં મૂકતા હશે મને બહુ ખ્યાલ નથી.
DB: તો અત્યાર સુધી દર્દીઓને જે નક્કી કરેલા તાપમાનમાં જ દવાઓ રાખવી જોઈએ એવી સૂચના હોય તે દવાઓને ક્યાં મૂકતા હતા?
રાજેશ જોલિયા: મારા મતે કોલ્ડ સ્ટોરેજનો અભાવ હોવાથી કદાચ સ્ટોર રૂમમાં જ રાખતા હશે.
DB: તો હવે શું થઈ શકશે?
રાજેશ જોલિયા: મને આખી ઘટના અંગે કોઈ માહિતી નથી. તમારો ફોન આવ્યો ત્યારે જ મને જાણ થઈ છે. હું કોલ્ડ સ્ટોરેજ અને દવાઓ ક્યાં મૂકવામાં આવતી હતી, તેની પણ વિગતો લઈ લઉં છું.

અહીં આશ્ચર્યની વાત છે કે, હોસ્પિટલ કમિટીના ચેરમેનને પોતાનો હોસ્પિટલની સુવિધા અંગે પણ પૂર્ણ માહિતી નથી. દવાઓ મૂકવા માટે અતિ આવશ્ય તેવા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા પોતાના હોસ્પિટલમાં છે કે કેમ તે અંગે જો તેમને માહિતી ન હોય તો તેઓ આખા હોસ્પિટલનો કાર્યભાર કેવી રીતે સંભાળતા હશે? તેના ઉપર સ્વાભાવિક રીતે જ પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. દર્દીને અપાતી સારવારને લઈને તેઓ પોતે કેટલા સજાગ છે તે પણ આ બાબત પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
