
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોડીરાતે વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા મેઇન રોડ ઉપર ભેગા થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમરસ હોસ્ટેલને લઈને વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ બાબતોને લઈને માગ કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના ગેટ વિરોધ કર્યો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાત્રે યુનિવર્સિટીના ગેટ ઉપર પહોંચીને પોતાનો વિરોધ નોંધાયો હતો. વિદ્યાર્થીઓએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સંચાલકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. થોડા દિવસ અગાઉ પણ વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં જે ખાવાનું પીરસવામાં આવી રહ્યું છે તે સારી ગુણવત્તાવાળું ન હોવાની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થીઓને પીવાના પાણીની પણ સુવિધા ન હોવાની વાત કરી હતી. સમરસ હોસ્ટેલમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા તેમને યોગ્ય સુવિધા પણ આપવામાં રસ નથી.
વારંવાર રજૂઆત છતાં ઉકેલ આવતો નથી: ABVP
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમરસ હોસ્ટેલનો પ્રશ્ન ઘણા સમયથી છે. પરંતુ સંચાલકો તેને ગંભીરતાથી લઈ રહ્યા નથી. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા વારંવાર દેખાવો પણ કરવામાં આવ્યા છે. પરંતુ તેમને જો પાણીની સુવિધા પણ ન મળતી હોય તો સંચાલકો શું કરી રહ્યા છે તેના ઉપર સ્વાભાવિક રીતે જ પ્રશ્નો ઉભો થાય. આ બાબતે હવે પ્રોગ્રામ આંદોલન કરવા માટેની રણનીતિ અમે નક્કી કરી રહ્યા છે.