
ઈમાનદારી અને પ્રામાણિકતાની વધુ એક મિસાલ સુરતમાં સામે આવી છે. સુરતના કતારગામ સેફ ડિપોઝિટ વોલ્ટમાં આઠ મહિના પહેલાં એક યુવક સોનાની લગડી મૂકવા આવ્યો હતો. જોકે લગડી શિફ્ટ વોલ્ટમાં મૂકવાની જગ્યાએ બહાર ભૂલીને જતો રહ્યો હતો. ત્યારે સેઈફ ડિપોઝિટ વોલ્ટના માલિક દિનેશભાઈ ઠુમ્મર દ્વારા એક નહીં, બે નહીં, પરંતુ 8 મહિના બાદ સોનાની બંને લગડી તેના મૂળ માલિકને પરત કરીને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
લગડીના મૂળ માલિકને શોધવા દરેક ગ્રાહકને ફોન કર્યા
સુરતમાં રહેતા દિનેશભાઈ ઠુમ્મર કિરણ હોસ્પિટલ પાસે કતારગામ સેફ ડિપોઝિટ વોલ્ટ ધરાવે છે, જે છેલ્લાં 10 વર્ષથી અહી કાર્યરત છે. આઠ મહિના પહેલાં એક ગ્રાહક પોતાની 10 તોલાની સોનાની બે લગડી અહીં સેફ વોલ્ટમાં મૂકવા આવ્યો હતો. આ દરમિયાન તેઓ તેમની બંને લગડી બહાર જ ભૂલી ગયા હતા. ત્યારે માલિક દિનેશભાઈ ઠુમ્મરના ધ્યાને આ વાત આવતાં તેમણે સોનાની લગડીઓ સાચવીને રાખી હતી. તેના મૂળ માલિકને પરત કરવા માટે બધા જ કસ્ટમરને ફોન કરીને અને મેસેજ કરીને જાણ કરી હતી, પરંતુ 8 મહિના સુધી કોઈ સામે આવ્યું નહિ. જોકે 8 મહિના બાદ આ સોનાની બે લગડી તેના મૂળ માલિકને પરત કરવામાં આવી છે.

માલિક ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી લગડી લેવા આવ્યો
દિનેશભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે નીતિનભાઈ વઘાસિયા, જેઓ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ સોનાની બે લગડી અમારે ત્યાં સેફમાં મૂકવા આવ્યા હતા, પરંતુ તેઓ બહાર ભૂલી ગયા હતા. આ અંગે તેમને જાણ પણ ન હોતી અને 8 મહિના બાદ ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી સેફમાં સોનાની લગડી લેવા આવ્યા હતા, પરંતુ સેફમાં લગડીઓ ન હતી, જેથી તેઓ ચિંતામાં આવી ગયા હતા.
બહાર બોર્ડ વાંચી દિનેશભાઈનો સંપર્ક કર્યો
દરમિયાન બહાર બોર્ડ પર વાંચ્યું હતું કે કોઈની કીમતી વસ્તુ ગુમ થઈ હોય તો તેઓ દિનેશભાઈ ઠુમ્મરનો સંપર્ક કરે. જેથી તેમણે અમારો સંપર્ક કર્યો હતો અને બાદમાં અમે પૂરતી ખરાઈ કરી હતી. બાદમાં ડાયમંડ એસોસિયેશન અને અગ્રણી વેપારીઓની હાજરીમાં મૂળ માલિકને તેની સોનાની બે લગડી પરત કરી હતી. આ બન્ને લગડી અંદાજિત 12થી 15 લાખની કિંમતની છે.

દિનેશભાઈ ઠુમ્મરનું સન્માન કરવામાં આવ્યું
મહત્ત્વનું છે કે દિનેશભાઈની ઈમાનદારી અને પ્રામાણિકતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભૂતકાળમાં પણ તેમણે લાખોના હીરા મૂળ માલિકોને પરત કર્યા છે. લગડીઓ પરત મળતાં મૂળ માલિકે પણ દિનેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડાયમંડ એસોસિયેશન તેમજ હીરા વેપારીઓએ દિનેશભાઈ ઠુમ્મરનું સન્માન કરીને તેમની આ કામગીરીને બિરદાવી પણ હતી.