
ચોમાસાના આરંભે વિવિધ પ્રકારની બિમારીના કિસ્સા વધતા હોવાનું નોંધાઈ છે. જેમાં હાલના તબક્કે સિવિલ હોસ્પિટલમાં રોજના 140થી વધુ કેસ તાવના આવી રહ્યા છે. દર્દીઓની લાઈનો લાગી છે. જેથી સિવિલ પ્રશાસન હરકતમાં આવી ગયું છે. હાલ તો એક અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે.
50 બેડનો અલાયદો વોર્ડ બનાવી રાખ્યો
ચોમાસાના આગમન સાથે શહેરમાં રોગચાળાએ દસ્તક દીધી છે. ફક્ત સિવિલ હોસ્પિટલમાં જ દરરોજ તાવના 140થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે અને દર્દીઓની લાઈનો લાગી છે. જેને પગલે હોસ્પિટલ પ્રશાસને 50 બેડનો અલાયદો વોર્ડ બનાવી રાખ્યો છે. કિડની બિલ્ડિંગમાં અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે કહ્યું હતું.
ત્રણ દિવસમાં સિવિલમાં તાવના 416 કેસ
સિવિલમાં તાવ અને મેલેરિયાના કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 416 કેસ નોંધાયા છે. જેમાં 135, 140 અને ગતરોજ 141 કેસનો સમાવેશ થાય છે. આ જ રીતે મેલેરિયાના અનુક્રમે 3, 12 અને 4 કેસ નોંધાયા છે. જ્યારે સ્મીમેરમાં જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 26, મેલેરિયાના 39, ટાઈફોઈડના 29 અને ગેસ્ટ્રોના 49 દર્દી દાખલ થયા હતા. ત્રણ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં તાવના 416 કેસ નોંધાયા હોય તંત્ર દ્વારા પૂરતી સતર્કતા દાખવવામાં આવી રહી છે.
મેલેરિયાના કેસમાં પણ વધારો
સુરત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, તાવના કેસમાં 10 ટકાનો વધારો થયો છે. જેના માટે અલાયદો વોર્ડ બનાવી ડોક્ટર અને સ્ટાફની ટીમ પણ તહેનાત કરી દેવામાં આવી છે. આ સાથે મેલેરિયા અને બાળકોમાં ગેસ્ત્રોના કેસમાં પણ વધારો થયો છે.