મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. ત્યાર બાદ રાહુલ ગાંધી દ્વારા સુરત કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જોકે હાઇકોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે ચુકાદાને ઉનાળુ વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું. ત્યારે રાહુલ ગાંધી સામેના બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જજ હેમંત પ્રચ્છકે ચુકાદો સંભળાવ્યો હતો અને રાહુલ ગાંધીની અરજી નકારી હતી. આથી રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રહી છે. આ ચુકાદાને લઈ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સુરત કોર્ટનું જ્યુરીડીક્શન નહોતું, કર્ણાટકમાં બોલાયેલી વસ્તુનો કેસ સુરતમાં ન થઈ શકે અને જો કરવો હોય તો કાનૂની પ્રોસિજર ફોલો કરવી પડે. લલિત મોદી, નિરવ મોદી દેશને લૂંટીને ગયા હોય તો એની વાત કરવી ગુનો ન બને.
હાઇકોર્ટને નીચલી કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ યોગ્ય ન લાગ્યો, આથી રાહુલ ગાંધીની 2 વર્ષની સજા યથાવત્ રખાઇ છે, જેથી તેમને સંસદપદ પાછું મળવાની આશા પર પાણી ફરી વળ્યું છે. કોર્ટે કહ્યું હતું કે, તેમની સામે 10 ગુના નોંધાયા છે જે હજી પેન્ડિંગ છે. જો કે, હાઇકોર્ટ બહાર ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવી પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગેસે બેનરોમાં શું લખી પ્રદર્શન કર્યું
‘બંધારણીય વડા આપ રક્ષક છો’, ‘બંધારણની રક્ષા કરો’, ‘રાહુલ ગાંધીનો સાથ નહીં છોડે ગુજરાત’, ‘રાહુલજીની એક જ વાત ડરો મત’, ‘લોકશાહી બચાવો સંવિધાન બચાવો’, ‘ના ડરેંગે ના ઝુકેંગે’ લખેલા બેનરો દર્શાવી પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જજમેન્ટ જોયા પછી મનુ સંઘવી વાત કરશેઃ શક્તિસિંહ ગોહિલ
જ્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો આવ્યો છે, બપોરે 3 વાગ્યે જજમેન્ટ જોયા પછી મનુ સંઘવી વાત કરશે, ટેકનિકલ મુદ્દા ઘણા છે. કર્ણાટકમાં બોલાયેલી બાબતનો સુરતમાં કેસ કઈ રીતે થયો. નિરવ મોદી અને લલિત મોદી દેશને લૂંટીને ગયા તો એ બાબત ખોટી નથી. અમરેલીના સાંસદ નારણ કાછડિયાને મારામારીના કેસમાં સુપ્રીમમાંથી રાહત મળી હતી. 80થી 90 પેજનો ચુકાદો છે. AICC તરફથી ચુકાદો આવ્યા પછી વાત કરશે. કર્ણાટકમાં બોલ્યા તો સુરતમાં કેસ કરાયો તો કાનૂની પ્રક્રિયા કરી નથી. કોઈ સમાજ વિરુદ્ધ નથી બોલ્યા. જનતાની અદાલત સૌથી મોટી છે. જનતા બધું જાણે છે કે અંદર અને બહાર શું ચાલે છે. સુપ્રીમ કોર્ટ ફાઇનલ ઓથોરિટી છે. માત્ર સામાન્ય FIR થાય તેને નજર રાખો તો ભાજપના 80 ટકા લોકો સામે થાય. વિપક્ષ મજબૂતીથી એક થશે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ છેઃ પૂર્ણેશ મોદીના વકીલ
પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોળીયાએ માડિયા સમક્ષ જણાવ્યું હતું કે, નીચેની કોર્ટના મુદ્દા અને હુકમ છે તે બિલકુલ ન્યાયના સિદ્ધાતો મુજબ છે અને તેમાં કોઈ ક્ષતિ નથી. ઉપરાંતમાં આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે. MLA, MP હોવા માટેની ડિસ્ક્વોલિફિકેશન થાય એ તો કાયદાની પ્રક્રિયા છે. કોઈ વિશેષ પ્રકારના લાભ મળી શકે નહીં. MP, MLA હોવાના અને 10 જેટલા તેમની સામે ગુનાહિત કેસ છે, આજ પ્રકારના પેડિંગ છે. આ બધા સંજોગો જોતા ડિવિઝન અરજી નામંજૂર કરવામાં આવી છે. હજુ આખો ચુકાદો હાથમાં આવવાનો બાકી છે. નામદાર જજ સાહેબ સહી કરશે, પછી ચુકાદો ટ્રાન્સફર થશે, પછી ચુકાદો હાથમાં આવશે. બપોર સુધીમાં મળી જવો જોઈએ અને પછી તેનો અભ્યાસ કરી આગળની વધીશું.
સમાજનો અન્યાય સહન નહીં કરી લેવાયઃ પૂર્ણેશ મોદી
કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રૂમની બહાર વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પર પૂર્ણેશ મોદીએ જવાબ આપ્યો હતો કે, કોર્ટના ચુકાદા પર ભરોસો રાખવો જોઈએ. માત્ર રાજકીય રંગ ન આપો, આ રાજકીય નહીં સામાજિક લડાઈ છે. સમાજનો અન્યાય સહન નહીં કરી લેવાય. પૂર્ણેશ મોદીના વકીલ હર્ષિત ટોળિયાએ જણાવ્યું હતું કે, આજે ચુકાદો આવ્યો છે, જેમાં નીચલી કોર્ટના ચુકાદામાં કોઈ હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. નીચલી કોર્ટનો ચુકાદો બરાબર હોવાનું કોર્ટે નોંધ્યું છે. તેમની સામે 10 જેટલા આવા ગુના નોંધાયા છે જે હજી પેન્ડિગ છે.
રાહુલ ગાંધીને દબાવી શકશો નહીં, લડાઈ અમે લડીશુંઃ અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં માને છે તેવા લોકોને દુઃખ થાય એવો નિર્ણય આજે આવ્યો છે, અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.રાહુલનો અવાજ દબાવવા પ્રયાસ કરાયો છે. વિવિધ જગ્યાએ માનહાનિના કેસો કરવામાં આવ્યા છે. એક બાદ એક ચુકાદા આપવામાં આવી રહ્યા છે કે લોકશાહીનું હનન કરવામાં આવી રહ્યું છે. દેશના અન્યાયો પર અવાજ ઉઠાવ્યો અને સાંસદમાં અવાજ ન ઉઠાવે એના માટે માનહાનિના કેસો કરવામાં આવ્યા છે. જૂના ચુકાદા હોવા છતાં પણ કોઈના દબાણમાં આવીને આવા ચુકાદા આપવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીને દબાવી શકશો નહીં, લડાઈ અમે લડીશું.
મોદી વિશે વાત કરી હતી, કોઈ સમાજ વિશે નહીંઃ બાબુ માંગુકિયા
કોર્ટ રૂમની તમામ બેઠક ભરાઈ ગઈ હતી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા અને શૈલેષ પરમાર કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા. જ્યારે ચુકાદા પહેલાં કોર્ટ પહોંચેલા રાહુલ ગાંધીની લીગલ ટીમના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે ચુકાદો ખૂબ મહત્ત્વનો છે. રાહુલ ગાંધીની સજા પરનો સ્ટેની માગ કરી છે. હાઇકોર્ટ સજા પર સ્ટે યથાવત્ રાખે તો અમે સુપ્રીમ કોર્ટ જઈશું, રાહુલ ગાંધીએ મોદી વિશે વાત કરી હતી, કોઈ સમાજ વિશે નહીં
ચુકાદાનું LIVE અપડેટ્સ…
- સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીની સજા યથાવત્ હતી, ગુજરાત હાઈકોર્ટમાં તેમણે ચુકાદાને પડકાર્યો હતો, દલીલો બાદ આજે હાઇકોર્ટે સજા યથાવત્ રાખી છેઃ પૂર્ણેશ મોદી
- પૂર્ણેશ મોદી તરફી એડવોકેટ નિરૂપમ નાણાવટી આવ્યા હતા કોર્ટ રૂમમાં
- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ એડવોકેટ તરીકે પહોંચ્યા હતા કોર્ટ રૂમમાં નીરવ બક્ષી પહોંચ્યા હતા કોર્ટ રૂમમાં
- ગત સુનાવણીમાં રાહુલ ગાંધી વતી સુપ્રીમ કોર્ટના વકીલ અભિષેક મનુ સંઘવીએ દલીલ કરી હતી.
- ઓફિશિયલી પંકજ ચાંપાનેરી છે રાહુલ ગાંધીના વકીલ.
- પૂર્ણેશ મોદી તરફ પબ્લિક પ્રોસિક્યૂટર હર્ષિત ટોળિયા છે વકીલ.
આજે જજ હેમંત પ્રચ્છકની કોર્ટે ચુકાદો આપ્યો
ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટનું ઉનાળુ વેકેશન 6 મેથી શરૂ થઇને 4 જૂને પૂર્ણ થયું હતું. આમ, રાહુલ ગાંધીને ચુકાદા માટે ઉનાળુ વેકેશન બાદ પણ 1 મહિના જેટલો સમય રાહ જોવી પડી. ગુજરાત હાઈકોર્ટ આજે સવારે 11 વાગ્યે ચુકાદો આપશે. રાહુલ ગાંધી તરફથી વકીલ અમીબેન યાજ્ઞિક છે, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમીબેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યાં હતાં. આજે જજ હેમંત પ્રચ્છકની કોર્ટ ચુકાદો આપશે.
આગળ શુંઃ જો રાહુલને આ કેસમાં રાહત મળે છે, તો તેમને ફરી સાંસદપદ મળી જશે અને તેઓ 2024ની લોકસભાની ચૂંટણી લડી શકશે. જો આમ નહીં થાય તો તેઓ 8 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
સુરતની અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો
રાહુલ ગાંધીએ મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે હાઇકોર્ટના જજ ગીતા ગોપીએ રાહુલની રિવિઝન અરજીને ‘નોટ બીફોર મી’ કહેતા તે કેસ જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટમાં ઉનાળું વેકેશન પહેલા સુનાવણીમાં રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
અસલી પરનો કેસ સિવિલ કક્ષાનો છે: અભિષેક મનુ સિંઘવી
અભિષેક મનુ સિંઘવીએ નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટેની માંગણી સાથે ધારદાર દલીલો કરતા કહ્યું હતું કે, તેમના અસલી પરનો કેસ ક્રિમિનલ નહીં પરંતુ સિવિલ કક્ષાનો છે. જેમાં 6 મહિનાથી વધુ સજાની કાયદામાં જોગવાઇ નથી. ફરિયાદી ઘટના સ્થળે ઉપસ્થિત પણ નહોતો. રાહુલને 2 વર્ષની સજાથી સંસદસભ્ય પદ રદ્દ થતા તેમના મત વિસ્તારના પ્રશ્નો તેઓ સંસદમાં ઉપાડી શકતા નથી. જે તેમના મત વિસ્તારના લોકો સાથે પણ અન્યાય છે. આ દલીલો 3 કલાક સુધી ચાલી હતી.
રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર હાઇકોર્ટમાં જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જજ હેમંત પ્રચ્છકે પૂર્ણેશ મોદીના વકીલને અપીલેટ કોર્ટના તમામ રેકર્ડ સર્ટિફિકેટ સાથે કોર્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.
‘દેશના 30 હજાર કરોડ રૂપિયા લૂંટીને ભાગી ગયા’
પુર્ણેશ મોદીના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, રાહુલ ગાંધીએ પોતાની સ્પીચમાં કહ્યું છે કે, નરેન્દ્ર મોદી ચોકીદાર નથી તેઓ દેશના પૈસા લૂંટે છે. પ્રધાનમંત્રીએ રાફેલના સોદામાંથી પૈસા ચોર્યા છે. નીરવ મોદી, લલિત મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી દેશના 30 હજાર કરોડ રૂપિયા લૂંટીને ભાગી ગયા છે. આ બધા મોદી જ કેમ છે?
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે, તેઓ ગાંધી છે સાવરકર નહીં, ગાંધી માફી માંગશે નહીં. તેઓ જેલ જવાથી અને ડિસ્ક્વોલિફિકેશનથી ડરતા નથી. આથી જો તેઓ જેમ ફાવે તેમ બોલવાથી ડરતા ન હોય તો પછી કોર્ટમાં ડિસ્ક્વોલિફિકેશન રદ્દ કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર નથી.
‘રાહુલ ગાંધી જાહેરમાં કહે છે કે બધા ‘મોદી’ ચોર છે’
રાહુલ ગાંધી જાહેરમાં અયોગ્ય ટિપ્પણીઓ કરે છે. જેની તેઓ પબ્લિકમાં માફી નહીં માંગવાનું કહે છે અને કોર્ટમાં પ્રાર્થના કરે છે. આ વિરોધાભાસી વર્તન છે. જ્યારે રાહુલ ગાંધી જાહેરમાં કહે છે કે બધા ‘મોદી’ ચોર છે. ત્યારે વડાપ્રધાનની અટક પણ મોદી છે. લોકોની સામે રાહુલ ગાંધી વડાપ્રધાનને બદનામ કરે છે.
મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઇનું મન દુભાયું નહીં: સિંઘવી
રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ કેસને અનુરૂપ જુદા જુદા કેસના ચુકાદાઓ ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનની અટક ‘મોદી’ છે, વડાપ્રધાનનું પદ ઊંચું છે પણ તે આ ફરિયાદનો કોન્સેપટ નથી. નીચલી કોર્ટના ચુકાદાના મુદ્દાઓની સામે વન બાય વન સિંઘવીએ દલીલો કરી હતી. સિંઘવીએ જણાવ્યું હતું કે, મોદી અટકના 13 કરોડ લોકોમાંથી કોઇનું મન દુભાયું નહીં ફક્ત એક હાયપર સેન્સિટિવ વ્યક્તિને જ દુ:ખ થયું. રાહુલ ગાંધી સાંસદ હોવાથી તેમને નુકસાન થઇ રહ્યું છે.
ચુકાદા પર વચગાળાનો સ્ટે આપવાની માગ કરી હતી
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજ હેમત પ્રચ્છકે ચુકાદો હાઇકોર્ટના ઉનાળું વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું. અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને ત્યાં સુધી રાહુલ ગાંધીના અપીલેટ કોર્ટના ચુકાદા પર વચગાળાનો સ્ટે આપવાની માગ કરી હતી. જેનો ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતા ચુકાદો ઉનાળું વેકેશન બાદ આપવાનું જજ હેમંત પ્રચ્છકે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટનું ઉનાળું વેકેશન 6 મેથી શરૂ થઇને 4 જૂને પૂર્ણ થયું હતું. આમ રાહુલ ગાંધીને ચુકાદા માટે ઉનાળું વેકેશન બાદ પણ 1 મહિના જેટલો સમય રાહ જોવી પડી હતી.
રાહુલ ગાંધીના નિવેદનથી હાઇકોર્ટ સુધી કેસ પહોંચ્યો ત્યાં સુધીની ટાઈમલાઈન…
13 એપ્રિલ, 2019: રાહુલ ગાંધીનું એ નિવેદન, જેનાથી તેમનું સંસદસભ્ય પદ છીનવાયું
13 એપ્રિલ, 2019, શનિવારના રોજ રાહુલ ગાંધીએ કર્ણાટકના બેંગ્લુરૂથી 100 કિલોમીટર દૂર આવેલા કોલારમાં આ ભાષણ આપ્યું હતું. આ સમયે લોકસભા ચૂંટણી ચાલી રહી હતી અને રાહુલ ગાંધી એ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.
રાહુલ ગાંધીએ એ દિવસે નિવદનમાં શું કહ્યું હતું
‘ 100 ટકા ચોકીદાર ચોર હૈ, નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા, લલિત મોદી, અનિલ અંબાણી, નરેન્દ્ર મોદી, ચોરો કા ગ્રુપ હૈ, ચોરો કી ટીમ હૈ… આપકે જેબ મે સે પૈસા લેતે હૈ, કિસાનો સે પૈસા છીનતે હૈ, છોટે દુકાનદારો સે પૈસા છીનતે હૈ ઔર ઉન્હી 15 લોગો કો દેતે હૈ. એક છોટા સા સવાલ, ઇન સબકે નામ, ઇન સબ ચોરો કે નામ મોદી…મોદી…મોદી…કૈસે હૈ? નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી ઔર અભી થોડા ઢૂંઢેંગે તો ઔર બહોત સારે મોદી નિકલેંગે.’
16 જુલાઈ, 2019: રાહુલ ગાંધી કોર્ટમાં ન આવ્યા, નવી તારીખ મળી
રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ થયા બાદ આરોપી સીટિંગ MP હોવાથી 7 જૂન, 2019ના રોજ લોકસભાના સ્પીકર મારફતે સમન્સ પાઠવવામાં આવે છે. ત્યારબાદ 16 જુલાઇ, 2019ના રોજ રાહુલ ગાંધીને સુરત કોર્ટ હાજર થવા આદેશ કરવામાં આવ્યો. આ દિવસે રાહુલ ગાંધીને બદલે તેમના વકીલ કોર્ટમાં હાજર થયા.
10 ઓક્ટોબર, 2019: રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા, માફીનો ઈન્કાર કર્યો
રાહુલ ગાંધી ફરી સુરત કોર્ટમાં હાજર થયા. કોર્ટમાં જ્યારે જજ એ.એન.દવેએ તેમને પૂછ્યું કે તમારો ગુનો કબૂલ છે તો રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘નહીં’ આ દરમિયાન રાહુલના વકીલોએ હાજરીમાંથી મુક્તિ માટે અરજી પણ દાખલ કરી. ત્યારબાદ તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘મને ચુપ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે’.
18 ઓગસ્ટ, 2021: સુરત કોર્ટના આદેશ સામે પૂર્ણેશ મોદી હાઈકોર્ટ પહોંચ્યા
પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીની રેલીમાં હાજર ચાર લોકોને કોર્ટમાં બોલાવીને તેમનું નિવેદન લેવા માટે અરજી કરી હતી. સેશન્સ કોર્ટના જજ એ.એન. દવેએ આ અરજી ફગાવી દીધી તો પૂર્ણેશ મોદી હાઇકોર્ટમાં પહોંચ્યા. જે અરજીમાં લંબાણપૂર્વકની સુનાવણી બાદ જસ્ટિસ ઇલેશ જે. વોરાએ પૂર્ણેશ મોદી તરફથી થયેલી અરજીને ગ્રાહ્ય રાખી હતી. આ સાથે જ સુરતના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવેલો આદેશ રદબાતલ કરવામાં આવે છે. એવીડન્સ એક્ટની ધારા મુજબ સાક્ષીઓને તપાસવા માટેની અરજીમાં નવેસરથી ટ્રાયલ કોર્ટને નિર્ણય લેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત ટ્રાયલ કોર્ટે આ અરજીનો નિર્ણય કરતાં સમયે સુપ્રીમ કોર્ટે અર્જુન પંડિતના કેસમાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અંગેના જે સિદ્ધાંતો પ્રસ્થાપિત કર્યા છે તેને પણ ધ્યાનમાં રાખવાના રહેશે. હાઇકોર્ટ આ કેસના ગુણદોષમાં ગઈ નથી અને પક્ષકારોની કેસ સંબંધી જે પણ રજૂઆત હોય તેઓ ટ્રાયલ કોર્ટ સમક્ષ કરી શકે છે.’આ પ્રકારનો આદેશ કરી હાઇકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.
24 જૂન, 2021: રાહુલ ગાંધીએ વ્યંગ કરી રહ્યાનું કહ્યું
રાહુલ ગાંધી પોતાનું નિવેદન આપવા માટે કોર્ટમાં હાજર થયા. તેમણે કોર્ટને કહ્યું કે ‘મારો ઇરાદો કોઈ સમુદાયને નિશાન બનાવવાનો નહોતો. હું માત્ર ચૂંટણી દરમિયાન વ્યંગ કરી રહ્યો હતો.’
29 ઓક્ટોબર, 2021: ત્રીજી વખત સુરત કોર્ટમાં હાજર થયા રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ત્રીજીવાર કોર્ટ સમક્ષ હાજર થયા. આ સમયે રાહુલ ગાંધીને ઘણા ક્રોસ સવાલ પૂછવામાં આવ્યા. જજે પૂછ્યું કે, શું આપ જાણો છો કે તમારા જવાબોનું વીડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે? જેના જવાબમાં રાહુલે કહ્યું કે, ‘કેટલા લોકો રેકોર્ડિંગ કરે છે એ નથી ખબર, આ મારી જાણકારી બહાર છે.’
23 ફેબ્રુઆરી, 2022: પૂર્ણેશ મોદીએ ફરી રાહુલ ગાંધીની પૂછપરછની માગ કરી
પૂર્ણેશ મોદીએ સુરત સેશન્સ કોર્ટમાં ફરી રાહુલ ગાંધીને હાજર કરી પૂછપરછની માગ કરી. પૂર્ણશ મોદીની માગ હતી કે, રાહુલ ગાંધી કોર્ટ સમક્ષ હાજર રહી પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરે. સુરત સેશન્સ કોર્ટે કહ્યું, હવે તેની જરૂર નથી અને અરજી નામંજૂર કરી દીધી.
7 માર્ચ, 2022: સુરત કોર્ટના આદેશ સામે પૂર્ણેશ મોદી બીજીવાર હાઈકોર્ટ પહોંચ્યા
જજ એ.એન. દવેના આ હુકમ સામે ફરિયાદી પૂર્ણેશ મોદી દ્વારા 7 માર્ચ, 2022ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં ખાસ ફોજદારી અરજી કરી હતી. જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુરત દ્વારા 23 ફેબ્રુઆરી 2022ના રોજ કરેલા હુકમ રદ કરવા તથા મનાઇ ફરમાવવા (સ્ટે) સહિતની દાદ માગવામાં આવી હતી.
16 માર્ચ, 2022: ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટની કાર્યવાહી પર સ્ટે લગાવ્યો
16 માર્ચના રોજ હાઇકોર્ટના જસ્ટિસ વિપુલ.એમ. પંચોલીએ ગુજરાત સરકાર અને રાહુલ ગાંધી સામે નોટિસ કાઢવાનો હુકમ કર્યો અને 28 માર્ચ સુધીમાં જવાબ આપવા માટે જણાવ્યું. આ કેસમાં સેશન્સ કોર્ટની કાર્યવાહી પર કામચલાઉ રોક લગાવી દીધી.
7 મે, 2022: રાહુલ ગાંધી માનહાનિ કેસની સુરત કોર્ટમાં સુનાવણી કરી રહેલા જજની ટ્રાન્સફર
રાહુલ ગાંધીના કેસની સુરત સેશન્સ કોર્ટમાં સુનાવણી કરી રહેલા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ(સુરત) અમિતકુમાર નરેન્દ્રભાઈ દવે(એ.એન.દવે)ની ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટીના સેક્રેટરી તરીકે બદલી કરવામાં આવી હતી.
7 ફેબ્રુઆરી, 2023: સંસદમાં રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સરકારને ઘેરી
રાહુલ ગાંધીએ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ટિપ્પણી દરમિયાન હિડનબર્ગના અદાણી પર રિપોર્ટ દ્વારા સરકાર પર નિશાન સાધ્યું.
16 ફેબ્રુઆરી, 2023: પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટમાંથી પોતાની જ અરજી પાછી લીધી
પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાંથી સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન પરત ખેંચવા માટે નિવેદન આપ્યું. કોર્ટે આ નિવેદન સ્વીકારીને ટ્રાયલ કોર્ટને આ કેસ વહેલી તકે ચલાવવાનો આદેશ આપી સ્ટે હટાવી લીધો. આ અરજી પાછી ખેંચી લેવાતા સુરત સેશન કોર્ટમાં સુનાવણી શરૂ થવાનો રસ્તો ખૂલી ગયો. હવે સુનાવણી નવા CJM સુરત હરીશ હસમુખભાઈ વર્માએ શરૂ કરી.
27 ફેબ્રુઆરી 2023થી સુરત સેશન કોર્ટમાં CJM હરીશ હસમુખભાઈ વર્માએ રાહુલ ગાંધી કેસની ટ્રાયલ ફરી શરૂ કરી…
23 માર્ચ, 2023: રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવાઈ
ત્યારબાદ હાઇકોર્ટના હુકમથી ટ્રાયલ ચલાવવા સામેનો મનાઈહુકમ ઊઠી જતાં ટ્રાયલ કોર્ટે કેસ પરની કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને પક્ષોની લંબાણપૂર્વકની રજૂઆતોને ધ્યાનમાં લઈને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સુરત હરીશ હસમુખભાઈ વર્માએ પોતાના 168 પેજના ચુકાદામાં આરોપી રાહુલ ગાંધીને બે વર્ષની સાદી કેદની સજા અને 15 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો.
કોર્ટે ચુકાદામાં શું કહ્યું
1. સુપ્રીમ કોર્ટની સૂચના છતાં રાહુલ ગાંધીના વલણમાં અને નિવેદનબાજીમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં.
2. રાહુલ ગાંધી એક સાંસદ છે, જ્યારે તમે જનતાને સંબોધિત કરો છે તો એ એક ગંભીર વિષય છે.
3. સાંસદોના નિવેદનોનો જનતા પર વ્યાપક પ્રભાવ પડે છે. જેને કારણે તેનો અપરાધ વધુ ગંભીર બની જાય છે.
4. ઓછી સજાથી જનતામાં ખોટો મેસેજ જશે અને માનહાનિનો ઉદ્દેશ પૂર્ણ થશે નહીં.
કોર્ટે કહ્યું ‘વડાપ્રધાન મોદીના ઉપનામનો ઉપયોગ સમગ્ર ભારતમાં કરવામાં આવે છે. ઘણા લોકોની સરનેમ મોદી હોય છે. આ નિવેદન દોષિતે રાજકીય સ્વાર્થ માટે આપ્યું હતું. જેનાથી બદનામી થઈ. દોષિતે મોદી સમાજના લોકોનું અપમાન કર્યું છે. જે અક્ષમ્ય છે.’
24 માર્ચ, 2023 : સુરત સેશન કોર્ટની સજાના આધારે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ
લોકસભા સચિવાલયે એક લેટર જારી કરી, સુરત કોર્ટની સજાને આધાર માનીને રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ સમાપ્ત કરી દીધું. લોકસભા સચિવાલયે તેમને બંધારણની કલમ 102(1) અને ‘રિપ્રેઝેન્ટેશન ઑફ ધ પીપલ્સ એક્ટ 1951’ની કલમ 8 હેઠળ રાહુલ ગાંધીને અયોગ્ય જાહેર કરી દીધા.
25 એપ્રિલ, 2023 : સુરતમાં નીચલી કોર્ટના ચુકાદાને રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો
29 એપ્રિલ, 2023: હાઈકોર્ટમાં પ્રથમ સુનાવણી હાથ ધરાઇ
રાહુલ ગાંધીની રિવિઝન પિટિશનમાં અભિષેક મનુ સિંઘવીએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. નીચલી કોર્ટના ચુકાદા પર સ્ટે આપવા રજૂઆત કરી હતી અને દલીલ કરી હતી કે દેશમાં 13 કરોડ મોદી છે, કેમ કોઈએ ફરિયાદ કરી નહિ. આ કોઈ ગંભીર ગુનો નથી, પણ એને ગંભીર રીતે રજૂ કરવામાં આવ્યો છે, રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરવામાં આવી છે. આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વિક્શન પર સ્ટેની માગ કરી રહ્યા છીએ. નોન-આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. ફરિયાદી ઘટના સમયે ત્યાં હાજર નહોતો. રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાની માગ સાથે શરૂ થયેલી સુનાવણીના પોણા ત્રણ કલાક થયા હતા. ત્યાર બાદ અઢી વાગ્યે ફરી વધુ સુનાવણી હાથ ધરાઈ હતી.
2 મે 2023
રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર આજે હાઇકોર્ટમાં જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જજ હેમંત પ્રચ્છકે પૂર્ણેશ મોદીના વકીલને અપીલેટ કોર્ટના તમામ રેકોર્ડ સર્ટિફિકેટ સાથે કોર્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.