
રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર ચાલી રહી છે. હજુ આગામી બે દિવસ પણ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે કચ્છમાં વહેલી સવારથી મેઘતાંડવ શરૂ થઈ ગયું છે. અબડાસામાં 4 કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમડ પાટણના સાંતલપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી અત્યારસુધીમાં રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં ગતરાતથી વરસાદ વરસી રહ્યો છે. તેમજ કચ્છ જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે પણ મોટાભાગના જિલ્લામાં વરસાદ ખાબકશે. અબડાસાના મોટીબેરમાં 8 થી 10 મકાનોના નળિયા તેમજ પતરા ઉડ્યા હતા. ગઈકાલે સાંજના ભાગમાં અચાનક મોસમમાં પલ્ટો આવતા મોસમ ભારે તોફાની બન્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.
સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી અહીં પડ્યો સૌથી વધુ વરસાદ
જિલ્લા | તાલુકા | વરસાદ (મિમિ) |
કચ્છ | અબડાસા | 127 |
પાટણ | સાંતલપુર | 72 |
મોરબી | મોરબી | 53 |
કચ્છ | રાપર | 50 |
સુુરેન્દ્રનગર | ચોટીલા | 47 |
અરવલ્લી | ભીલોડા | 40 |
ગાંધીનગર | દહેગામ | 39 |
અરવલ્લી | ધનસુરા | 38 |
કચ્છ | ભુજ | 30 |
બનાસકાંઠા | વડગામ | 30 |
અબડાસામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
કચ્છના અબડાસાના મોટીબેરમાં ગઈકાલે સાંજના ભાગમાં અચાનક મોસમમાં પલટો આવતા મોસમ ભારે તોફાની બન્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. અબડાસાના મોટીબેરમાં વરસાદની સાથે ભારે પવન ફુકાતા 8 થી 10 મકાનોના નળિયા તેમજ પતરા ઉડ્યા હતા. જેના પગલે મોટીબેરના ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભુજ, ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. જિલ્લાના એક માત્ર રાપર તાલુકામા સૌથી ઓછો સિઝનનો 50 ટકા વરસાદ નોંધાયો છે ત્યાં વરસાદના વહેતા પાણીએ લોકોમાં આનંદ લાવી દીધો છે. માંડવી વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. અબડાસાના વડા મથક નલિયા ખાતે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો.
ભુજમાં જાહેર રોડ પર પાણી ભરાયા
ભુજ શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેથી ગણેશનગર વિસ્તારમાં જાહેર રોડ પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી થઈ હતી.
રાપરમાં તોફાની પવન સાથે વરસાદ
રાપરમાં આજે વહેલી સવારે ભારે ઝાપટા પડતાં શહેરનાં વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતાં. તાલુકાનાં મોટી રવ, જેસડા, સૂવઈ, રામવાવ, પ્રાથળ વિસ્તારમાં હાઇવે પટીનાં ગામોમાં એક થી બે ઇંચ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. તાલુકાનાં ખેંગારપર ગામે રાત્રે હળવા ઝાપટાં વરસ્યાબાદ સવાર 7 થી 8 ની વચ્ચે એક કલાક ભારે વરસાદ વરસતા શેરીઓમા જોશભેર પાણી વઈ નિકળ્યા હતા.
રાપર તાલુકાનાં જેસડા ગામે આજે સવારે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે જેસડા વાડી વિસ્તારમાં એક મકાનનું વરોણ નળિયા સાથે ઉડી ગયું હતું. જેથી મકાન માલિકને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમજ ઉડેલ વરોણમાં એક યુવતીને ઈજા પણ થઈ છે. જેસડા અને આસપાસનાં વિસ્તાર માં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. થોડીક વાર પવનની સ્પીડ વધુ હોઈ કેટલીક જગ્યાએ વૃક્ષો આડા થઈ ગયાં હતાં તો કેટલીક જગ્યાએ થાંભલાઓ પણ નમી ગયાંનું જાણવા મળ્યું હતું.
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
હવામાન ખાતાની આગાહી મુજબ જામનગરને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ ગયુ છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં જામનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
અરવલ્લીમાં વરસાદ
અરવલ્લીના ધનસુરામાં અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત ભિલોડા અને મોડાસામાં પણ વરસાદ વરસ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદનું આગમન
જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. જિલ્લાના માણાવદર અને માળિયા હાટીનામાં વરસાદ વરસ્યો છે. માણાવદરમાં બે કલાકમાં એક ઇંચ જ્યારે માળિયા હાટીનામાં બે કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્ચો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં પાકને અનુકૂળ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં ગત રાત્રિથી વરસાદ શરૂ
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગત રાત્રિથી જ શહેરમાં રોકાઈ રોકાઈને આખી રાત વરસાદ પડ્યા બાદ વહેલી સવારે પણ શહેરમાં વરસાદ પડ્યો હતો. જેમાં પૂર્વ વિસ્તારના નરોડા, સરદારનગર, કોતરપુર, નોબલનગર, કુબેરનગર, વટવા, વટવા જીઆઇડીસી, ઘોડાસર, નારોલ સહિતના વિસ્તારોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. મેમકો, સૈજપુર, નરોડા રોડ, રાણીપ, ન્યુ રાણીપ, ચાંદખેડા, મણિનગર, કાંકરિયા વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સાથે જ ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી, ઉસ્માનપુરા, વાડજ, ઇન્કમટેક્સ, કઠવાડા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
ગાંધીનગર જિલ્લાનાં ચારેય તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે દિવસ દરમ્યાન છૂટો છવાયો વરસાદ પડ્યા બાદ મોડી સાંજે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. જે પછીથી ધીમી ધારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેનાં કારણે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવાર છ વાગ્યા સુધીમાં 26.45 mm વરસાદ નોંધાયો છે.
કચ્છમાં સાર્વત્રિક વરસાદ
કચ્છમાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા મથક ભુજ સહિત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સૌથી ઓછો વરસાદ ધરાવતા રાપર તાલુકામાં પણ આજે સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના આડેસર, ખોડારર, ભાંગેરા સહિતના ગ્રામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો અબડાસા તાલુકા ના નલિયા વિસ્તારમાં ગત રાતથી મોડી રાત્રી સુધીમાં ચાર ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે.
પાટણ જિલ્લામાં વરસાદનું આગમન
પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે રાધનપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું છે. વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો છવાયા હતા.

ગઈકાલે કચ્છ-સૌરાષ્ટ્રને મેઘાએ ધમરોળ્યું છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે થઈ છે. તો ડેમો પણ છલકાઇ ગયા છે. અમરેલીના લાઠીમાંથી પસાર થતી ગાગાડિયા નદીમાં ઘોડાપૂર આવતાં કોઝવે પર પાણી ફરી વળતાં માર્ગ બંધ કરાયો છે. અબડાસાની ખારી નદી બે કાંઠે થઈ છે. ભારે વરસાદના પગલે લખપતનો પુનઃરાજપર ડેમ ઓવરફ્લો થયો છે.
ગઈકાલે સૌથી વધું જામનગરમાં 5 ઈંચ ખાબક્યો
ગઈકાલે સવારે 6થી 4 વાગ્યા સુધીમાં જામનગરમાં 5 ઈંચ, ભુજમાં અઢી ઈંચ, પાટણના હારીજમાં અઢી ઈંચ, તેમજ ગીર સોમનાથના વેરાવળમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. હારીજમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબકડા ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. જામનગરમાં ભારે વરસાદના પગલે રોડ-રસ્તા પર ગોઢણસમા પાણી ભરાઈ ગયાં હતાં. કચ્છના ભુજ અને નખત્રાણામાં ગઈકાલે વરસાદ ખાબકતાં માર્ગો પર વરસાદી પાણી વહી નીકળ્યાં હતાં તેમજ નખત્રાણા હિલ સ્ટેશન બન્યુ હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
હારીજમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ
પાટણ જિલ્લાના હારીજમાં બે કલાકમાં ધોધમાર બે ઈંચ વરસાદ ખાબક્યો હતો, તો સમીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. સિદ્ધપુરમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. રાધનપુર, સરસ્વતી અને શંખેશ્વરમાં પણ વરસાદનું આગમન થયું હતું. સંતાલપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. પાટણ શહેરમાં પણ વરસાદી ઝાંપટા પડ્યા હતા. જેથી વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ગાગડિયા નદીમાં ઘોડાપૂર
અમરેલી જિલ્લામાં દિવસભર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે લાઠી શહેરમાં આવેલી ગાગડિયા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગાગડિયા નદીમાં ભારે પૂર આવતા બેઠો કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેથી વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુમાં ગાગડિયા નદીમાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે.
નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ
ભારે વરસાદને પગલે નલિયા-નારાયણ સરોવર માર્ગ બંધ કરાયો હતો. તેમજ ગુહર પાપડી બે કાંઠે વહેતા લખપત તાલુકાના ચકરાઈ પાસે આવેલી નદીમાં પાણી આવતાં આ નદીના વહેતા પાણી વચ્ચે માલધારીઓએ સવારે હાથમાં દૂધના કેન સાથે દૂધનું પરિવહન કર્યું હતું. ભુજમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભુજની જીકે હોસ્પિટલ સામેના માર્ગે પાણી ભરાતાં વાહનવ્યવહાર એકમાંર્ગી થયો હતો. તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતાં મોટા બંધમાં પાણીની આવક શરૂ થઈ છે, જેથી સૌંદર્ય ખીલી ઊઠ્યું હતું. એને નિહાળવા ભુજવાસીઓ ઊમટ્યા હતા. અબડાસાના ગોયલા મોખરા પાસેની ખારી નદી બે કાંઠે વહેતી થઈ હતી.
ઝાંઝરી ધોધ સીઝનમાં પ્રથમ વખત જીવંત થયો
ચોમાસાની શરૂઆત થતાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા પાસે આવેલો ઝાંઝરી ધોધ આ સીઝનમાં પ્રથમ વખત જીવંત થયો છે. આ ધોધ વાત્રક નદી પર આવેલો છે. વાત્રક નદી પર પથ્થરોની એવી કુદરતી ગોઠવણ છે કે જ્યારે જ્યારે નદીમાં પાણી આવે ત્યારે કુદરતી નજારો જોવા મળતો હોય છે. ત્યારે ચાલુ સીઝનમાં અરવલ્લી જિલ્લામાં સારો વરસાદ થતાં વાત્રક નદીમાં પાણીની સારી આવક પણ થઈ છે અને ઘોધ જીવંત થયો છે.
વરસાદી પાણી ભરાતાં લક્ઝરી બસ ખાડામાં ખાબકી
ગઈકાલે પાલનપુર-આબુ હાઇવે પર વરસાદી પાણી ભરાતાં લક્ઝરી બસ ખાડામાં ખાબકી હતી. જેથી મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. જોકે બસમાંથી મુસાફરોને નીચે ઉતારી ક્રેનની મદદથી લક્ઝરી બસના ટાયરને ખાડામાંથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરાયા છે. આ ઘટનાને પગલે ટ્રાફિકજામનાં પણ દૃશ્યો સર્જાયાં હતાં.
કુકડાઉમાં મંદિર ઉપર આકાશી વીજળી ત્રાટકી
અબડાસા તાલુકાના કુકડાઉમાં શંકર ભગવાનના મંદિરના શિખર ઉપર આકાશી વીજળી ત્રાટકી હતી. જેથી મંદિરની છતમાં ગાબડું પડ્યું હતું અને મંદિરની અંદર ઇલેક્ટ્રીક વાયરીંગ બળીને ખાખ થઈ ગયું હતું.
લખપત તાલુકાના રોડાસર- પીપર માર્ગ પરની નદીમાં વરસાદના પાણી વહી નીકળતા માર્ગ બંધ થયો હતો. ભુજમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમજ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસતા મોટાબંધમાં પાણીની આવક શરૂ થઈ છે. જેથી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. જેને નિહાળવા ભુજ વાસીઓ ઉમટ્યા હતા.