સુરતના મોટાવરાછા ખાતે આવેલા આદિત્ય કોમ્પ્લેક્ષમાં લિફ્ટ બંધ પડી જતાં જતા 3 બાળકો સહિત 10 લોકો ફસાઈ ગયા હતા. ભારે જહેમત બાદ પણ લિફ્ટ ચાલુ ન થતા આખરે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. મદદ માંગ્યાની 8 મિનિટની અંદર જ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચીને ફસાયેલા લોકોને લિફ્ટની બહાર કાઢ્યા હતા. આ આકસ્મિક ઘટના બાદ પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, લિફ્ટ ઓવરલોડને કારણે બંધ થઈ ગઈ હતી.
લિફ્ટ ચોથા માળેથી ત્રીજા માળે આવતી હતી
મોટા વરાછા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર ભુપેન્દ્ર રાજે જણાવ્યું હતું કે, આદિત્ય કોમ્પ્લેક્ષની બંધ પડેલી આ લિફ્ટમાં 3 નાના બાળકો પણ ફસાયા હતા. લિફ્ટ ચોથા માળેથી ત્રીજા માળે આવી રહી હતી, તે દરમિયાન જ અધવચ્ચે એકાએક બંધ પડી. આ દુર્ઘટનામાં 3 બાળક સહિત 10 લોકો ફસાયા હતા.
રહીશોએ લિફ્ટ મેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો
વધુમાં જણાવ્યું હતું કે, લિફ્ટ બંધ થઈ જવાના કારણે સોસાયટીના રહીશોએ ઘણીવાર લિફ્ટમેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં 35-45 મિનિટ બગડી ગઈ હતી. જો કે, ફાયર ટીમને કોલ મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લિફ્ટમાં ગાયેલા તમામને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.
બાળકો લિફ્ટમાં રડી રહ્યા હતા
ફાયર વિભાગને કોલ કરનાર આરતી પટેલે જણાવ્યું હતું કે, મારા બહેન-બનેવી અને ત્રણ બાળક લિફ્ટમાં ફસાયા હતા. તાત્કાલિક દોડી ને ગઈ તો બાળકો રડવાનો અવાજ આવ્યો હતો. બહેન-બનેવીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. લિફ્ટ ટેક્નિશિયન સાથે વાત કરી તો કહ્યું દૂર છે ને આવતા મોડું થશે.
8 મિનિટમાં ફાયરની ટીમે પહોંચી બહાર કાઢ્યા
ફાયરને કોલ કરતા 8 મિનિટમાં મદદ મળી ગઈ, લિફ્ટ નહિ ખુલતા તોડીને બધાને બહાર કાઢવા પડ્યા હતા. રહીશોએ કહ્યું હતું કે, આવું વારંવાર થાય છે, લિફ્ટની સ્વીચ પણ અંદર ખૂંપી ગયેલી હાલતમાં હતી. જો કે, સમયસર ફાયર ટીમની મદદ મળી રહેતા તમામને બચાવી લેવાયા હતા.