
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં ઉકાઇમાં આજે ભારે વરસાદ નોંધાવાની સાથે જ ઉકાઇ ડેમમાં 17 હજાર ક્યુસેક પાણી ઇનફ્લો નોંધાયો છે. આ સાથે જ સપાટીમાં વધારો થઇને 309.37 ફુટ થઇ હતી.
અઠવાડિયાથી સતત ડેમની સપાટી 309.06 ફૂટે સ્થિર હતી
ચોમાસાના ચાર મહિના સુરતીઓની સતત નજર ઉકાઈ ડેમની સપાટી પર હોય છે. ઉકાઈ ડેમમાં અઠવાડિયા પહેલા બે દિવસ સુધી સતત પાણીની આવક થતા ડેમની સપાટીમાં પોણા ફૂટ સુધીનો વધા૨ો થયો હતો. ત્યારપછી અઠવાડિયાથી સતત ડેમની સપાટી 309.06 ફૂટે સ્થિર હતી. ડેમમાંથી પાણીની આવક અને જાવક પણ 600 ક્યુસેક હતી. પરંતુ બે દિવસથી ઉપરવાસમાં વરસાદ વરસતા પાણીની આવક શરૂ થઈ છે.
ઉકાઈ ડેમના કેચમેન્ટમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં આ વર્ષે મેઘરાજા હજુ ધીમા વરસી રહ્યા છે. જેના કારણે હજુ સુધી ઉકાઇ ડેમમાં જોઇએ તેટલી પાણીની આવક ઠલવાઇ નથી. દરમ્યાન ઉકાઇ ડેમના ઉકાઇથી લઇને ટેસ્કા સુધીના 51 રેઇનગેજ સ્ટેશનમા 24 કલાકમાં ટેસ્કામાં 4.5 ઈંચ, ઉકાઇમાં 3.5 ઈંચ, ચાંદપુરમાં 2 ઈંચ, નંદરબારમાં 1 ઈંચ સહિત 51 રેઇનગેજ સ્ટેશનમાં કુલ 640 મીમી અને સરેરાશ 0.5 ઈંચ વરસાદી પાણી પડયુ હતુ.
ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થઈ 309.37 ફૂટ થઈ
આજે ઉકાઇ ડેમમાં ફરી પાછો વરસાદ થતા પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ઉકાઇ ડેમમાં 17,178 કયુસેક પાણીની આવક છે અને આઉટ ફલો 600 ક્યુસેક રાખવામાં આવ્યો છે. સાત દિવસ બાદ ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થઈ 309.37 ફૂટ થઈ છે. ઉકાઇ ડેમનું આજનું રૂલલેવલ 333 ફુટ છે.