
સુરતમાં રત્નકલાકાર દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મજુરાગેટ બસ સ્ટેન્ડમાં રત્નકલાકાર યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેને 108ની મદદથી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
નોકરીથી ઘરે જતા સમયે ઝેરી દવા પીધી
સુરતના મજુરાગેટ વિસ્તારમાં 23 વર્ષીય રમેશ (નામ બદલેલ છે) માતા અને દાદી સાથે રહે છે. રમેશ હીરાના કારખાનામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રમેશ કામ પરથી ઘરેથી જવા નીકળ્યો હતો અને મજૂરાગેટ બસ સ્ટેન્ડ પર પહોંચ્યો હતો.
બસ સ્ટેન્ડમાં ઝેરી દવા ગટગટાવી લીધી
રમેશે મજૂરાગેટ બસ સ્ટેન્ડમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી ત્યાં હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સની મદદથી રમેશને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડ્યો હતો. જ્યાં રમેશને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ રમેશની તબીયત સામાન્ય હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
મને સંભળાવવાની જરૂર નથીનું રટણ
રમેશે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતાં તેના સંબંધી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. રમેશે માનસિક તણાવમાં આવું પગલું ભર્યું હોવાનું સંબંધીએ જણાવ્યું હતું. મને કોઈએ સંભળાવવાની જરૂર નથી, એવું રમેશ વારંવાર કહેતો હતો. રમેશે ઉંદર મારવાની દવા પીધી હોવાનું બહાર આવ્યું છે.