
સુરતના ભટારમાં એક કોમ્પ્લેક્ષમાં આવેલી કાપડની દુકાનમાં વહેલી સવારે આગ લાગી જતા ભાગદોડ મચી ગઈ હતી. આગની જાણ ફાયર વિભાગને થતા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ્ને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના પગલે કાપડનો જથ્થો, સિલાઈ મશીન સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી
ફાયર વિભાગને આગનો કોલ સવારના 5 વાગ્યે મળ્યો હતો. ઘટનાની જાણ બાદ સમયસર ફાયરના વાહનો પહોંચી જતા મોટી દુર્ઘટના ટાળવામાં સફળ રહ્યા હતા. ભટારમાં ફર્સ્ટ ફેશન નામની દુકાનના સિલાઈ વિભાગમાં આગ લાગી હતી. ધુમાડો અને આગ બન્ને એકસાથે રૂમમાં ફરી વળતા લગભગ દોઢથી બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવાઇ હતી.
એસી, સિલાઈ મશીન અને કાપડનો જથ્થો બળીને ખાખ
દુકાનના માલિક પ્રગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, દુકાનમાં આગ લાગી હોવાની જાણ થતાં દુકાન પર દોડી આવ્યા હતા. દુકાનમાંથી ધુમાડો નીકળતો હોવાથી ફાયરને જાણ કરી હતી. ફાયર વિભાગે બે કલાકે આગ પર કાબૂ મેળવી લીધો હતો. એસી, સિલાઈ મશીન અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. હાલ સફાઈ કામ ચાલી રહ્યું છે.
આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. કોમ્પલેક્ષની આજુબાજુની દુકાનો આગની ઝપેટમાં ન આવી જાય એની તકેદારી રાખતા હતાં. જો કે, સમયસર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગનું હજી કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.