
સુરત શહેરમાં BRTS બસ અને સિટી બસ ડ્રાઇવરો સાથે વારંવાર અન્ય વાહનચાલકોના ઝઘડા થતા હોવાનું સામે આવતું રહે છે. જેમાં આજરોજ અમરોલી બ્રિજ ઉપર સવારના સમયે જ મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક વાહનચાલકે પોતાનું વાહન બસ આગળ રાખી બસ રોકાવી બસચાલક સાથે ઝઘડો કર્યો હતો. આ બબાલને પગલે રોડ પર ટ્રાફિકજામ થયો હતો.
અમરોલી બ્રિજ પર બસ ઉભી રખાવી મારામારી
અમરોલી બ્રિજ ઉપર વહેલી સવારે સિટી બસ પસાર થઈ રહી હતી. તે દરમિયાન જ અન્ય એક વાહનચાલકની સિટી બસના ડ્રાઇવર સાથે કોઈક બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાહનચાલક દ્વારા સિટી બસને ઉભી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. બસની આગળ જઈને પોતાનું વાહન મૂકી દેતા સિટી બસના ડ્રાઇવરને બસ ઉભી રાખવાની ફરજ પડી હતી. બસ ઉભી રાખવાની સાથે જ એક વાહનચાલક અને સિટી બસના ડ્રાઇવર વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી.
બ્રિજ ઉપર જબરજસ્ત ટ્રાફિક જામ થયો
ગજેરા સર્કલથી અમરોલી તરફ સિટી બસ જઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના બની હતી. બ્રિજ ઉપર જ આ માથાકૂટ શરૂ થવાને કારણે જબરજસ્ત ટ્રાફિક જામ થઈ ગયો હતો. સવારના સમયે કામકાજ અર્થે તેમજ સ્કૂલના બાળકોની સ્કૂલવાન અને સ્કૂલબસ પણ અમરોલી બ્રિજ ઉપર જ અટવાઈ હતી. બસ આગળ ના વધતા અને અન્ય વાહનચાલક સાથે મારામારી સુધી વાત પહોંચી જતા અન્ય વાહનચાલકોએ મધ્યસ્થી કરીને ટ્રાફિકજામ થતો હોવાને કારણે બ્રિજ નીચે ઉતરીને આગળની વાત કરવા માટે કહેવામાં આવ્યું હતું. આખરે વાહનચાલકોએ સમજાવ્યા બાદ બસને બ્રિજની નીચે લઈ જવા દીધી હતી.

