ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખાતા સુરતમાં વધુ એક 24 વર્ષિય બ્રેઈનડેડ યુવકના ફેફસા સહિત કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા ડાયમંડ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી વિવિધ અંગો સમયસર જુદા જુદા શહેરોમાં પહોંચાડવા માટે 103 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈમાં કરાયું
ડાયમંડ હોસ્પિટલથી મુંબઈનું 287 કિલોમીટરનું અંતર 120 મિનિટમાં હવાઈ માર્ગે કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 57 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર પચાસથી વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
માથામાં દુ:ખાવો અને ઉલટી બાદ બ્રેઈનડેડ જાહેર
મૂળ રાજકોટનો રહેવાસી અને હાલમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાંઈનાથ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે 24 વર્ષિય જય દિનેશભાઈ ખેરડીયા રહેતો હતો. પરિવારનો એકનો એક દીકરો હતો. એક બહેન છે જે પરિણીત છે. જય એન. જે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ પ્રા.લી. કંપનીમાં ડેપ્યુટી આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. તા. 30 જુલાઈના રોજ તેને માથામાં દુ:ખાવો અને ઉલટી થતા, સારવાર માટે ડાયમંડ હોસ્પિટલ હેઠળ દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
પરિવારજનોએ ભારે હૈયે અંગદાનની સંમતી આપી
જયના બ્રેઈનડેડ અંગેની જાણ થતા ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. જયના પિતા સહિત પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. જયના પિતા દિનેશભાઈએ જણાવ્યું કે, અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ. જીવનમાં કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી. મારો પુત્ર બ્રેઈનડેડ છે, ત્યારે મારા પુત્રના અંગોના દાન થકી વધુમાં વધુ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા સંમતિ આપીએ છીએ.
ફેફસા હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડ્યા
પરિવારજનો આ અંગદાનની સંમતી બાદ બે કિડની અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. ફેફસા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. સુરતની ડાયમંડ હોસ્પિટલથી મુંબઈનું 287 કિલોમીટરનું અંતર 120 મિનિટમાં હવાઈ માર્ગે કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અંધેરી મુંબઈના રહેવાસી 57 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે.
18 કિલોમીટરના માર્ગનો ગ્રીન કોરીડોર કરાયો હતો
ફેફસા સમયસર હવાઈ માર્ગે મુંબઈ પહોંચાડવા માટે ડાયમંડ હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના 18 કિલોમીટરના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કિડની રોડ માર્ગે સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતની ડાયમંડ હોસ્પિટલથી અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ સુધીનો 272 કિલોમીટરનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ, સુરત ગ્રામ્ય પોલીસ, રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 103 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.