
સુરતના ચોક વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં કીચડ કાઢવાનું કામ કરતા યુવકને કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી પરિવારજનોએ ન્યાયની માગ સાથે મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી. છેલ્લા 24 કલાકથી મૃતદેહ સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પડ્યો છે. જ્યારે મેટ્રોમાં અધિકારીઓ દ્વારા પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કીચડ કાઢવા સમયે કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત
ડિંડોલી કૈલાસ નગર ખાતે રહેતા મરાઠી પરિવાર સાથે આવેલો ઈશ્વર મદન ખલસે (22) મેટ્રોની કામગીરીમાં હાઉસ કિપિંગનું કામ કરતો હતો. રવિવારે બપોરે ઈશ્વર અને તેની બહેન સહિતના પરિવારના સભ્યો ચોક બજારમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરી દરમ્યાન કીચડ બહાર કાઢવાનું કામ કરતો હતો. ત્યારે કીચડમાં કોઈક રીતે વીજપ્રવાહ પસાર થયો હતો, જેથી ઈશ્વરને કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પરિવારની મૃતદેહ સ્વીકારવાની મનાઈ
બનાવની જાણ થતા અઠવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. મેટ્રોની કામગીરી દરમિયાન બેદરકારીના કારણે ઈશ્વરનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાથી તેના પરિવારના સભ્યો અને સંબંધીઓઓ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો હતો. છેલ્લા 24 કલાકથી મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છે.

ઇન્સયોરન્સની લેખિતમાં બાહેધરી પછી મૃતદેહ સ્વીકારશે
મૃતકના ભાઇ સંતોષે જણાવ્યું હતું કે, મેટ્રોમાં અધિકારીઓએ મૃતકનો ઇન્સયોરન્સ કરાવવાની વાત કરી હતી. ઇન્સયોરન્સ કરાવવાની જવાબદારી લીધી હતી. કંપની પાસેથી રૂપિયા અપાવવાની જવાબદારી પણ લીધી હતી. જેનો લેખિતમાં બાહેંધરી નહિ મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારશું નહિ.
