
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ગૌરીકુંડમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને પગલે 19 લોકો ગુમ થયા છે. અત્યાર સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. આ બનાવ બાદ અન્ય લોકોની શોધ ચાલુ છે. કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુંડ પાસે ભૂસ્ખલનને કારણે મંદાકિની નદીમાં ત્રણ દુકાનો તણાય ગઈ હતી. આ અકસ્માતમાં 19 લોકોના મોતની આશંકા છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 12.15 વાગ્યે દાત પુલિયામાં બની હતી. રુદ્રપ્રયાગ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, “ગૌરીકુંડ પાસે ભૂસ્ખલનને કારણે નદીમાં ત્રણ દુકાનો ધોવાઈ જતાં 19 લોકો ગુમ થયાના અહેવાલો મળી રહ્યા છે.
જિલ્લા પ્રશાસને 18 લોકોની યાદી જાહેર કરી
તેમણે કહ્યું કે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર બચાવ અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. રાજવરે કહ્યું કે, ગુમ થયેલા લોકો દુકાનદાર હોવાની શંકા છે અને તેમાં કોઈ શ્રદ્ધાળુઓ નથી તેવા અહેવાલો મળી રહ્યા છે. રૂદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને 18 લોકોની યાદી જાહેર કરી છે જેઓ નદીમાં તણાય ગયા હોવાની આશંકા છે.
SDRF ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરુ
એસડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું કે, ભૂસ્ખલનની જાણ થતાં તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પરંતુ અવિરત વરસાદ અને પથ્થરો પડી જવાને કારણે તેને અટકાવવી પડી હતી. SDRFના મીડિયા ઈન્ચાર્જ લલિતા નેગીએ જણાવ્યું કે, આજે સવારે અમે ગુમ થયેલા લોકોની શોધ માટે ફરી ઓપરેશન શરૂ કર્યું. તેમની એક ટીમ કુંડ બેરેજ પર પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, જે સ્થળથી બે કિમી નીચે છે.