
ગુજરાતમાં ફરી એક વખત આતંકી મોડ્યૂલ એક્ટિવ થયું હોવાની વિગતો સામે આવી રહી છે. રાજકોટની સોનીબજારની અંદર ત્રણ વ્યક્તિ આતંકી સંગઠન અલકાયદાને મદદ કરવા માટે સક્રિય થઈ હતી. આ અંગેની માહિતી ગુજરાત એટીએસને મળી હતી, આથી ગત મોડી રાતે ઓપરેશન કરીને ત્રણ આરોપીને ગુજરાત એટીએસે ઝડપી લીધા છે. આ તમામ આરોપીઓ આતંકી સંગઠન અલકાયદા માટે ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા માટે એક્ટિવ થયાં હતાં. ગુજરાત એટીએસએ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટમાંથી પકડ્યા છે
મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લઇ ગયા
ગુજરાત ATS એ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી બે શખ્સોની અટકાયત કરી છે. જેમાં કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની અટકાયત કરવામાં આવી છે. જેઓ મૂળ પશ્ચિમ બંગાળના વતની છે. ATSના ત્રણ પોલીસ અધિકારીઓ વેશપલટો કરી આવી અને કાજી આલોંગીરને મોબાઈલ ફોનમાં ફોટો બતાવી આમને ઓળખો છો તેવું પૂછી તેમના મોબાઈલ ચેક કરી તાત્કાલિક ઉઠાવી લઇ ગયા હતા.
સમયે સમયે નમાજ પઢતો, કુરાન વાંચતો
જે ચેમ્બરમાંથી બે આરોપીની અટકાયત કરી તેમની સાથે કામ કરતા અન્ય બંગાળી કારીગરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, શેઠ પાંચ છ વર્ષથી હું ઓળખું છું, બોવ સારો માણસ છે, આજુબાજુમાં કોઈને પણ તમે પૂછી શકો છો, બધા એવું જ કહેશે કે સારો માણસ છે. સવારથી પોતાનું કામ કરતો હતો અને સમયે સમયે નમાજ પઢતો, કુરાન વાંચતો હતો. કોઈ તેમને મળવા આવ્યું હોય કે એવું કહી અમારા ધ્યાનમાં નથી. પોલીસે આવી તેમને મોબાઈલમાં ફોટા બતાવ્યા આમને ઓળખો છો. તેમ પૂછી બાદમાં અહિયાંથી ગઈકાલે લઇ ગયેલા છે.

ત્રણેય શખસ 9 મહિનાથી રાજકોટમાં રહેતા
ગુજરાત એટીએસએ રાજકોટમાંથી પશ્ચિમ બંગાળના 3 શખસની અટકાયત કરી છે. આ ત્રણેય શખસ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. આ શખસો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા. ત્રણેય શખસ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. 3 શખસ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે. હથિયાર સપ્લાય કરનાર કોણ એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આજે ત્રણેયને રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.
બાંગ્લાદેશી આતંકી મોડ્યુલ સાથે ત્રણેય એક્ટિવ હતા
બાંગ્લાદેશના આતંકી મોડ્યુલ સાથે કનેક્ટેડ ત્રણ લોકો રાજકોટમાં એક્ટિવ હતા. ગુજરાતી એટીએસએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યૂલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા હતા. તાજેતરમાં આ મોડ્યૂલના માસ્ટર માઈન્ડને બાંગ્લાદેશ એન્ટી ટેરેરિસ્ટ ગ્રુપે ઝડપી લીધો હતો. આ મોડ્યૂલ અલકાયદાનું એક નાનું મોડ્યૂલ છે જે ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે.

ત્રણેય રાજકોટમાં ગોલ્ડ પોલિશનું કામ કરતા
બાંગ્લાદેશનો આકા જેવો મેસેજ આપે એટલે તરત જ તેઓ કઈ પણ કરવા તૈયાર હતા. આ માટે તેમણે હથિયાર પોતાની પાસે રાખ્યા હતા. અહીંયા તેઓ ગોલ્ડ પોલિશનું કામ કરતા હતા અને કોઈને શંકા ન જાય તે માટે મજૂરી જેવું કામ કરતા હતા. જ્યારે પડદા પાછળ તેઓ આ મોડેલની વિચારધારા ફેલાવવા માટેનું કામ કરતા હતા. ગુબીલ મેનસોન ખાતે બે શખસની અટકાયત કરી હતી.
કાજી આલોંગીર અને તેમના સાળા આકાશની પણ અટકાયત કરાઈ છે.
જમાતુલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે જોડાયેલો હતો.

ત્રણેયને અમદાવાદ લવાશે
આરોપીઓ પાસે હથિયાર પણ હોવાની વિગતો સામે આવી રહી છે, આ અંગે ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હવાલાથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું છે કે નહીં એ દિશામાં તપાસ
ગુજરાત એટીએસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટના સોની બજારમાં ત્રણ લોકો આતંકી મોડ્યૂલ માટે મદદ કરતા હતા. જે ઘણા સમયથી વોચમાં ગોઠવાયા બાદ એટીએસને બાતમી મળી અને સોની બજારમાંથી ત્રણ શખસની અટકાયત કરીને પૂછપરછ કરતા તેઓ અલકાયદા માટે કામ કરતા હતા તેવું ખૂલ્યું છે. આ શખસો પાસે ગુજરાતમાં કે અન્ય જગ્યાએ અલકાયદાના સ્લીપર સેલને મદદ કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી, તેમણે હવાલાથી પણ કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.

આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી?
ગુજરાતમાં ઘણા સમયથી સ્લીપર સેલમાં ગતિવિધિ ન હતી, પરંતુ ગુજરાત એટીએસએ તેની કડી શોધીને આખા રેકેટનો પડદાફાશ કર્યો છે. આતંકી કઈ જગ્યાએ આતંકી પ્રવૃત્તિ કરવાના હતા અથવા કોઈને મદદ કરી રહ્યા હતા તેની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આરોપીઓને અન્ય કઈ જગ્યાએથી મદદ મળી હતી તે અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.