સકારત્મક વિચારોથી સાર્થક જીવનની ખરી દિશા મળે છે. ભાગવદ્દગીતા જીવન જીવવાની જડીબુટ્ટી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે યોજાતા કાર્યક્રમમાં આજે સમાજ શ્રેષ્ઠી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ઉપરોક્ત વિષયમાં વધુ જણાવ્યું હતું કે ગીતાગ્રંથ જીવવાના તમામ પ્રશ્નોના જવાબો આપે છે. નિયમિત ગીતાજીનું પઠન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હંમેશા ઉદારતાનો જ ઈતિહાસ લખાય છે. લાયકાત કેળવો તો જીવનમાં બધુ જ મળે છે. એ કુદરતનો નિયમ છે.
“જમનાબા ભવન” ખાતે સંસ્થાના પૂર્વ પ્રમુખશ્રી સુરેશભાઈ જી. પટેલની ઉપસ્થિતિમાં યોજયેલ ૩૯માં થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે જીવનમાં “પૈસા કરતા ચારિત્રનું મહત્વ વધુ છે.” “પદ અને પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે.” ચારિત્રને આપણે ખુબ માર્યાદિત અર્થમાં સમજીએ છીએ. સ્ત્રી-પુરુષ વચ્ચેનાં અનૈતિક સંબંધને માટે ચારિત્ર સમજીએ છીએ તે પુરતું નથી. ખરેખર ચારિત્ર એટલે જીવની, જીવન, આચરણ, સદાચાર અને આદર્શ જીવન એવો થાય છે. વ્યક્તિ તેના પૈસાથી નહિ જીવન વ્યવહારથી ઓળખાય છે. જીવન વ્યવહાર – આચરણ એટલે ચારિત્ર. દીકરીના સબંધ માટે દીકરીનો પરિવાર મુરતિયાની શિક્ષણ અને સંપતિ ઉપરાંત વધુ કંઈક જુએ છે. તેનો સ્વભાવ, વ્યવહાર અને વાણી વર્તન… આ બાબત તેનું ચારિત્ર છે. વિવેકપૂર્ણ જીવન હોય તો જ ચારિત્ર જન્મે છે. સદવિચાર, સમજણ અને સંસ્કાર ચારિત્રનું ધડતર કરે છે.
અમેરિકાથી પધારેલ શ્રી ચતુરભાઈ સભાયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિચારોનું વાવેતર કાર્યક્રમ વર્તમાન સમયની જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું અન્ય વ્યક્તિ તરફથી હંમેશા આદર રાખવો… તે જીવનનો સદગુણ છે. આ કાર્યક્રમમાં ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી રમેશભાઈ વઘાસીયા, દાતા ટ્રસ્ટીશ્રી ઘનશ્યામભાઈ ગરીમલીવાળા તથા મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ અને યુવા ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પરમસુખ ગુરુકુળ કોલેજના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટીમ૧૦૦ ના સભ્યોએ વ્યવસ્થા જાળવી હતી. હાર્દિક ચાંચડ અને ભાવેશભાઈ રફાળીયા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.