
સુદ્રઢ સમાજના નિર્માણ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી થર્સ-ડે થોટ્સ નામે ‘વિચારોનું વાવેતર’ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. ૪૨માં કાર્યક્રમમાં નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, માણસ માત્ર સુખ શોધે છે પરંતુ, સુખ એટલે શું? સુખ ક્યાંથી મળે? તે મોટો પ્રશ્ન છે. ખરેખર હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ એ સુખી જીવન માટેના મહત્વના સાધનો છે. તે માટે નવો વિચાર “આહાર, વિચાર અને આચરણ” જીવનમાં સુખ-દુઃખનો આધાર છે. વર્તમાન સમયે માણસ આરોગ્યથી દુખી છે, આહાર મનને પોષે છે અને આહાર વિચારોને પણ અસર કરે છે. ૧૦ માંથી ૮ રોગ ખોટી જીવનશૈલીને કારણે થાય છે.
શ્રી હરિ ગ્રુપના યુવાન ઉદ્યોગસાહસીક શ્રી રાકેશભાઈ દુધાતે મુખ્ય મહેમાન પદેથી જણાવ્યું હતું કે, “સારૂ આચરણ જ જીવનને શ્રેષ્ઠતમ ઉચાઈએ પહોંચાડે છે.” તેમણે યુવાધનને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ‘આપણી સંસ્કૃતિને દ્રઢતાથી જાળવી રાખવી ખુબ જરૂરી છે.’ ગાંધીજીનું આચરણ જ તેની સફળતાનું મોટું કારણ હતું. ભવિષ્યમાં સંસ્કારી કુટુંબને સામે સંસ્કારી કુટુંબ નહી મળે ત્યારે, સામાજિક મુશ્કેલીઓ ઉભી થશે. પોતાના વિશે વાત કરતા રાકેશભાઈ એ જણાવ્યું હતું કે, મારી સફળતા માટે મારા માતાના ધાર્મિક સંસ્કારો અને સારા વ્યક્તિઓ સાથેનો સંપર્ક-સત્સંગ અને આચરણ જવાબદાર છે. લોકોના બગડતી જીવનશૈલી અને બેજવાબદાર આહારની ટેવ તથા વ્યસનોના દુષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

સોલાર એનર્જી ક્ષેત્રે મોટી કંપની ગોલ્ડી સોલાર લિ. ના ચેરમેનશ્રી ઈશ્વરભાઈ ધોળકિયા એ “માત્ર વિચારો કરવા તે મહત્વનું નથી પરંતુ, અમલ કરવો વધુ મહત્વનું છે”. સારા સંસ્કાર જ જીવનને સુખી કરી શકે છે. વડીલોને ટકોર કરતા જણાવ્યું હતું કે, ‘પોતાની બધી જ મૂડી સંતાનોને આપી દેવાની ભૂલ કરતા નહી.’ કૃતજ્ઞતાના ભાવ સાથે જીવનનું આચરણ તમોને સફળતા અપાવશે.
હોસ્ટેલ પ્રોજેક્ટ માટે માતબર દાન
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી નિર્માણાધીન જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન માટે શ્રી હરિગ્રુપના શ્રી રાકેશભાઈ હિંમતભાઈ દુધાત, અશ્વિનભાઈ તથા હિરેનભાઈ પરિવાર તરફથી તેમની માતૃશ્રી ની સ્મૃતિમાં નામકરણ માટે માતબાર દાનનો સંકલ્પ કર્યો છે.
નાની ઉમરે ધંધા વ્યવસાયમાં સફળ રાકેશભાઈ દુધાતે સ્વામિનારાયણ સંપ્રદાય સહિતની અનેક સંકુલોમાં માતબાર રકમનો સહયોગ જાહેર કરે છે તે બદલ તેનું અભિવાદન કરી કૃતજ્ઞતાભાવ પ્રગટ કર્યો હતો. જમનાબા ભવન ટેરેસ ઉપર મુકવામાં આવનાર રૂફ ટોપ સોલાર માટે સંપૂર્ણ સૌજન્ય આપવાની જાહેરાત ગોલ્ડી સોલાર લી. ના શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા તરફથી જાહેરાત કરવામાં આવી હતી. હોસ્ટેલ પ્રોજેક્ટના તેરમા માળે અંદાજે લગાડવામાં આવશે. શ્રી ઈશ્વરભાઈ ધોળકિયાએ આ સહયોગ સ્વીકારવા બદલ પટેલ સમાજ માટે કૃતજ્ઞતાભાવ પ્રગટ કર્યો હતો. તેમના અભિવાદન સાથે વિચારને સમજાવતા વધુમાં જણાવ્યું હતું કે, “સંપતિ સર્જનમાં રાષ્ટ્રહિત ભળે ત્યારે તે રાષ્ટ્રની મૂડી બને છે.”
આર્થિક બચત જાગૃતિ માટે ઉદાહરણરૂપ વ્યક્તિઓનું અભિવાદન

વર્તમાન સમયે લોકોને ખોટા ખર્ચ ઓછા કરી બચત અને તેના રોકાણ માટે જાગૃત કરવાની વધુ જરૂરીયાત છે ત્યારે, નિયમિત બચત કરવા લોકોને જાગૃત અને પ્રોત્સાહિત કરવા ઉદાહરણરૂપ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ૩૬૫ દિવસ, દરરોજ દિવસ ઉગે ત્યારે, ૧ હજારની એફ.ડી. જેમના નામે થાય છે તેવી નાનકડી કું. ધ્યાના મુકેશભાઈ ગોયાણી તથા દર મહીને રૂ. ૧૦ હજાર ની SIP રોકાણ કરનાર આર્કિટેક શ્રીમતિ જોલીબેન હિરેનભાઈ સવસવિયા તથા ૭૦ વર્ષ પછી નિયમિત પરોક્ષ રીતે લાખોની આવક છે તેવું આયોજન કરનાર શ્રી જયંતીભાઈ પોકળ વગેરેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમેરિકા ગ્રેજ્યુએશન કરીને આવનાર કું. સલોની મુકેશભાઈ તથા બોમ્બે માર્કેટ પુણા મેડીકલ એસોસિએશનના પ્રમુખશ્રી સુરેશભાઈ ખેની તથા તબીબમિત્રો અને અમરેલીથી શ્રી દીપકભાઈ વઘાસીયા વગેરે મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશ બોકસ અંગે માહિતી કમલેશભાઈ ગજેરા એ આપી હતી. ગત ગુરુવારની વાત વિઠ્ઠલભાઈ ધાનાણી અને વ્યવસ્થા યુવા ટીમે અને કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડે કર્યું હતું.