શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સમાજ ધડતર માટે શરૂ થયેલ વિચારોના વાવેતર કાર્યક્રમમાં નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જીજીવિષા વગર જીવાતું નથી અને જીજ્ઞાસા વગર શીખતું નથી.. જીજ્ઞાસા અને જીજીવિષા જ જીવન ને ગતિ આપે છે. જીજીવિષા અને જીજ્ઞાસા બંને હોય ત્યારે પ્રગતિને વિચાર બીજ મળે છે. વરાછા-કામરેજ રોડ, મણીબેન ચોક પાસે, જમનાબા ભવન ખાતે દર ગુરુવારે સવારે ૯ કલાકે ૩૦ મિનીટ માટે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું આયોજન થાય છે.
૩૮માં કાર્યક્રમમાં રાજકોટ થી આંખે દિવ્યાંગ છતાં સારા ગાયક અને અજોડ વ્યક્તિત્વ છે તેવા, “ઉત્તમ મારૂ” ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “હું અંધ છું અને શરીરમાં ઘણી ઉણપ છે તેમ છતા જો પુરુષાર્થ કરીએ તો પરમેશ્વર સાથ આપે જ છે. તેનો હું ઉદાહરણ છું.” નિર્માણાધીન હોસ્ટેલ પ્રોજેક્ટમાં એક રૂમના દાતા શ્રીમતિ રમાબેન ચોવટીયા અને શ્રી નટુભાઈ ચોવટીયાનું અભિવાદન કરાયું હતું.
ll અંધ ઉત્તમ મારૂ ને ગીતા તથા ૧૧ ઉપનિષદ્ યાદ છે. ll
રાજકોટ ખાતે ૨૦૦૨ માં બાળકનો જન્મ થયો ત્યારે આંખો, નાક, હોઠ અને તાળવું જ ન હતાં, તે ઉત્તમ મારૂ ને આજે શ્રી મદ ભગવદ્ ગીતા અને ૧૧ ઉપનિષદો વગેરે જેવા ઘણા શાસ્ત્રો શ્લોકો સહીત મોઢે છે. ખુબ સારા ગાયક અને સંગીતકાર પણ છે. આ ૨૧ વર્ષના સેલિબ્રિટી યુવાન ઉત્તમ મારૂ સાથે તેના દાદા કુંવરજીભાઈ મારૂ તથા દાદી પુષ્પાબેન મારૂ આજે સુરત ખાતે ઉપસ્થિત રહ્યા હતા. દાદા એ ઈશ્વરનો આભાર માનતા જણાવ્યું હતું કે, ઈશ્વરની અમારા ઉપર કૃપા હશે ત્યારે જ ઉત્તમ ને અમારા ઘેર જન્મ આપ્યો છે. ભગવાને મુકેલ ભરોસો. અમે નહિ તુટવા દઈએ.. તેમના અભિવાદનના પ્રત્યુતરમાં જણાવ્યું કે, આટલી શારીરીક ઉણપ છતાં ઉત્તમ તેની જીંદગીમાં ક્યારેય રડ્યો નથી. જીવવાની જીજીવિષા અને શીખવાની જીજ્ઞાસા આ બંને ન હોત તો “ઉત્તમ મારૂ”….’ઉત્તમ’ ન હોત.
ll હોસ્ટેલમાં ઓરડા માટે રૂ ૭.૫૦ લાખનું દાન ll
જમનાબાભવન નિર્માણની ટીમ૧૦૦ ના સક્રિય સભ્યશ્રી નટુભાઈ ચોવટીયા પરિવાર તરફથી હોસ્ટેલના એક ઓરડા માટે રૂપિયા ૭.૫૦ લાખનો સંકલ્પ થયો છે. તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, વિચારોના વાવેતર કાર્યક્રમમાં કૌટિલ્ય વિદ્યાલય – કામરેજના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખોલવડ કોલેજના નિવૃત પ્રોફેસર કોકીલાબેન મજીઠીયાનું ખાસ અભિવાદન કરાયું હતું. મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. પટેલ સમાજની ટીમ ૧૦૦ વ્યવસ્થા સંભાળે છે. ગત વિચારને હાર્દિક ચાંચડે ફરી રજુ કરતા જણાવ્યું હતું કે, દેખાદેખીમાં જીવવાને બદલે તમે તમારી રીતે જીવો તેમાં જ ખરૂ સુખ છે. ભાવેશભાઈ રફાળીયા એ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.