
સુરતના વયોવૃદ્ધ નિવૃત પ્રો. કોકીલાબેન મજીઠીયાએ પોતાના પેન્શન માંથી દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારો માટે રૂપિયા ૭ લાખનું દાન જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કર્યું છે. ૧૯૯૯ ના કારગીલ યુદ્ધ દરમ્યાન શરુ થયેલ જય જવાન નાગરિક સમિતિ સુરત દર વર્ષે શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. ખોલવડ કોલેજના નિવૃત પ્રાધ્યાપીકા હાલ સુરત રહેતા કોકીલાબેન મજીઠીયા છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે બે લાખનું દાન સંસ્થાને આપે છે.
આગામી ૨૫માં કારગીલ વિજય દિવસે યોજાનાર વિશેષ રજતસમર્પણ ગૌરવ સમારોહમાં ૨૫ થી વધુ શહીદ જવાનોના પરિવારોના જાહેર અભિવાદન સાથે સહાય અર્પણ થશે તે નિમિતે કોકીલાબેન મજીઠીયાએ આજ રોજ સંસ્થાના અગ્રણીઓને રૂ. ૭ લાખનો ચેક અર્પણ કરી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટીશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે કારગીલ વિજય દિવસની ઉજવણીનો મૂળ આશય લોકોમાં રાષ્ટ્રીય ચેતના ધબકતી કરવાનો છે. રાષ્ટ્ર માટે પ્રાણનું બલીદાન આપનાર વીરજવાનોના પરિવાર માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ હેતુ છે. આ શહેર અને દેશમાં વર્ષે લાખો રૂપિયા પેન્શન મેળવતા નિવૃત કર્મચારીઓ ઘણા હશે પરંતુ કોકીલાબેનનું વ્યક્તિત્વ રાષ્ટ્રભાવનાથી ભરેલું છે. જય જવાન નાગરિક સમિતિ સુરતે ૧૯૯૯ થી અત્યાર સુધીમાં ૩૯૮ શહીદ જવાનોના પરિવારોને કુલ ૬ કરોડની આર્થિક સહાય અર્પણ કરી છે. સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભીખુભાઈ ટીંબડીયા એ કોકીલાબેનની રાષ્ટ્રભાવનાને વંદન કરી આભાર વ્યક્ત કર્યો હતો.