
સુદ્રઢ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના હેતુ સાથે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત તરફથી દર ગુરુવારે વિચારોનું વાવેતર કાર્યક્રમનું આયોજન થાય છે. બારડોલી સ્વરાજ આશ્રમથી સરદાર સાહેબની આંગળી પકડી મોટા થયા તેવા નિરંજના બાની ઉપસ્થિતિમાં ગુરુવારે ૪૫ મો થર્સ્-ડે થોટ કાર્યક્રમ યોજાયો હતો.પ્રગતિશીલ નાગરિક રાષ્ટ્રની મૂડી છે. ૭૫ માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સવારે રાષ્ટ્રીય મતદાતા દિને નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, કાર્ય સાથે રાષ્ટ્રભાવ જોડાય ત્યારે, નાગરીક હોવાનું ગૌરવ થાય છે.. કોઈપણ વેપાર-ધંધા વ્યવસાય પ્રવૃત્તિ હોય કે ઉત્સવ હોય તેમાં રાષ્ટ્ર ભાવના હોય તો, કાર્ય કરવાનો આનંદ આવે છે. ૨૨ મી જાન્યુઆરી એ તમામ ભારતવાસીઓએ રામોત્સવ માં ઉત્સાહભેર ભાગ લીધો.. તેમાં માત્ર ધાર્મિક ઉજવણી ન હતી.રાષ્ટ્ર પ્રત્યેનો ભાવ પણ હતો તેથી, વિશેષ ઉત્સાહ જણાતો હતો.
પાંચ દાયકા પહેલાની પરિસ્થિતિ જોઈએ તો આજે સુખ, સુવિધા અને રોજગાર-ધંધા માટે વિશાળ તકો પણ છે. રામરાજ્ય છે જ…જો જીવતા આવડે તો.. એટલે જ પ્રગતિશીલ નાગરિકના ઘડતર માટે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી થર્સ્-ડે થોટ કાર્યક્રમ યોજાય છે. કોઈ, કોઈને ન નડે, ન નુકસાન કરે અને ન શોષણ કરે તો, તે રામ રાજ્ય… વધુમાં જણાવાયું હતું કે, કર્તવ્યનું પાલન કરવું તે ખરો નાગરિક ધર્મ છે.
ગાંધીજી, સરદાર સાહેબ અને મણીબેન પટેલના ખોળામાં રમીને મોટા થયા અને સરદાર સાહેબના ખંભા પર બેસી સેતુર ખાધા..એટલું જ નહીં, દેશના સ્વાતંત્ર્ય સેનાની સંગાથે જેવો મોટા થયા તેવા નિરંજનાબેન કલાર્થી એ સરદાર સાહેબના સાનિધ્યને વાગોળી અહોભાગ્ય વ્યક્ત કર્યું હતું. સરદાર અને ગાંધી વિચારોથી રંગાયેલ અને આદિવાસી બાળાઓના શિક્ષણમાં જિંદગી પૂરી કરનાર સરદાર કન્યા શાળાના સ્થાપક નિરંજના બા એ જણાવ્યું કે સરદાર સાહેબ અમોને કહેતા કે, ગરીબોની સેવા એ જ ઈશ્વર સેવા છે. આમ ન કરાય.. કારણ એમાં રાષ્ટ્રહિત નથી. આમ જ કરાય… કારણ એમાં સમાજ હિત છે. બારડોલી સ્વરાજ આશ્રમના વ્યવસ્થાપક અને સ્વાતંત્ર્ય સેનાની ઉત્તમચંદ્ર શાહ અને સંતોકબા ની દીકરી નિરંજનાબેન નાનપણથી સરદાર અને ગાંધી વિચારથી રંગાયેલ છે. ૮૫ વર્ષની ઉંમરે આજે પણ સ્વાતંત્ર્ય સેનાની જેટલો જુસ્સો અને રાષ્ટ્રભાવ છે. તેમનું અભિવાદન કરાયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રભક્તિનું ગીત રજૂ કરનાર કુ. કેસર બવાડીયા તથા કેનેડાથી પધારેલ શ્રેયા ધાનાણીનું અભિવાદન કરાયું હતું.
શ્રી રામની ૧૧ હજાર ચો. ફૂટની રંગોળી
સામાન્ય ગૃહિણી માંથી ચિત્રકલા ગુરુ બન્યા તેવા નયનાબેન કાત્રોડીયા એ રામોત્સવ માં કતારગામ કોમ્યુનિટી હોલ ગ્રાઉન્ડમાં ૧૧, ૧૧૧ ચોરસ ફુટમાં શ્રીરામની રંગોળી બનાવી હતી. ગત ૩૧ મી ઓક્ટોબરે કાગવડ ખાતે સરદાર સાહેબની મોટી રંગોળી પૂરી હતી. આવો રેકોર્ડ નોંધાવનાર શ્રીમતી નયનાબેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
શિક્ષક દેવો ભવ:
જો શિક્ષક ને માન આપવામાં આવે તો શિક્ષક વર્ગખંડમાં મન આપે તેવા ઉમદા હેતુથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત-ઈસ્ટ તરફથી દર અઠવાડિયે એક સારા શિક્ષક ને “શિક્ષક દેવો ભવ:” ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ થર્સ્-ડે થોટ કાર્યક્રમમાં શ્રી ઈશ્વર પેટલીકર નગર પ્રાથમિક કન્યાશાળા ક્રમાંક-૧૬ ના આચાર્યાશ્રી વૈશાલીબેન અજયભાઈ સાવલીયાને તેમની વિશિષ્ટ સેવા બદલ સન્માનિત કરાયા હતા.