
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સી.એસ તથા સી.એમ.એ. નું સન્માન તથા વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને CS તથા CMA માં કારકિર્દી ઘડવા માર્ગદર્શન અને આહવાન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ છેટાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહમાં CS તથા CMA માં ઉતીર્ણ થયેલ યુવાનોનું ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા ઉદ્યોગ સાહસીક દીપકભાઈ શેટા એ જણાવ્યું હતું કે, કોઈપણ મોટા ઉદ્યોગ અને વેપારમાં CA, CS તથા CMA ની ભૂમિકા ખુબ મહત્વની હોય છે. મેનેજમેન્ટની તે બીજી હરોળ હોય છે. રેઝોન સોલારના શ્રી ચિરાગભાઈ નાકરાણીએ CS તથા CMA ની કારકિર્દી ઘડવા માટે યુવાનો આગળ આવે તેવું આહવાન કર્યું હતું. 

આવનાર સમયમાં સુરતના આર્થિક વિકાસ માટે દરેક વ્યવસાય માટે ઉત્તમ તક છે. CMA ભરતભાઈ સવાણી તથા CA મનીષભાઈ પટેલે પટેલ સમાજના યુવા વ્યવસાયકારોને શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદાન કરવા શિખ આપી હતી. આ પ્રસંગે આશાદીપ ગ્રુપના શ્રી મહેશભાઈ રામાણી તથા પી. પી. સવાણી ઇન્સ્ટીટયુટના ડો. પરાગભાઈ સંઘાણીએ શાળા-કોલેજ સ્તરે વિદ્યાર્થીઓને CA ઉપરાંત CS અને CMA અંગે વધુ જાણકારી અને પ્રોત્સાહન આપવા ખાત્રી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડીગ્રી માત્ર શરૂઆત છે. વ્યવસાયમાં સફળ થવા વધુ કૌશલ્યની પણ જરૂર છે. સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શ્રી જગદીશભાઈ ખુંટ તથા સૌરાષ્ટ્ર ભવનના પ્રમુખ શ્રી મધુભાઈ સભાયા ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની પ્રથમ હોસ્ટેલ દિવાળી એ કાર્યરત થશે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતું કે, સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની પ્રથમ હોસ્ટેલ “જમનાબા ભવન” દિવાળીએ કાર્યરત થશે. ઉચ્ચ કારકિર્દી ધડતર માટે સ્પર્ધાત્મિક પરીક્ષાની તૈયારી કરતા ૧૦૦૦ વિદ્યાર્થીઓને તેમાં રહેવા મળશે. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજના અંદાજે ૩ થી ૪ હજાર વિદ્યાર્થી ભાઈ-બહેનો CA, CS અને CMA ની પરીક્ષાની તૈયારી કરે છે. જમનાબા ભવનમાં તેઓને રહેવા તથા અભ્યાસ માટેનું સારૂ વાતાવરણ મળશે. સુરતમાં ૧૨ લાખની વસ્તી ધરાવતા સૌરાષ્ટ્ર પટેલ સમાજની પ્રથમ હોસ્ટેલ જમનાબા ભવનમાં ૧૦૦૦ ભાઈઓ ને સુવિધા મળશે તથા કિરણ મહિલાભવનમાં ૫૦૦ બહેનોને સુવિધા મળનારી છે.

આ પ્રસંગે ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મનહરભાઈ સાસપરા, કાંતિભાઈ ભંડેરી, હરિભાઈ કથીરીયા, ભવાનભાઈ નવાપરા તથા ટ્રસ્ટીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચનમાં મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુકે જણાવ્યું હતું કે, સમાજ CS તથા CMA ને માન મળે તથા ઓળખ મળે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરેલ છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ હરેશભાઈ કાપડીયા એ આભારવિધી કરી હતી. વ્યવસ્થા મનજીભાઈ વાઘાણી, જે. કે. પટેલ તથા ગોરધનભાઈ લાઠીયાએ કરી હતી. જયારે કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ રફાળીયાએ કર્યું હતું.