
કુદરતી રીતે સર્જાયેલ પર્યાવરણ જ માનવ જીવનનો આધાર છે. તે પર્યાવરણમાં થયેલ ફેરફારથી સમગ્ર સૃષ્ટિને મોટી અસર થઈ છે. જીવનની સુખાકારી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૦૬-૦૬-૨૦૨૪ ગુરૂવારે ૬૪ માં થર્સ-ડે થોટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતુ કે, હવા-પાણી અને જમીનને પ્રદુષિત કરી માણસે જ આફતને નોતરી છે. આજે ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા પરેશાન છે. ગ્લોબલ વોર્મિંગથી માણસના આરોગ્ય અને સ્વભાવને અસર પડી રહી છે. ત્યારે, ૫૧માં વિશ્વ પર્યાવરણ દિવસ પછીના દિવસે નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતુ કે, “પ્રકૃતિ જીવન સૃષ્ટિનો આધાર છે. તેનુ જતન જીવ માત્રના હિતમાં છે. ભારત પ્રકૃતિપૂજક દેશ છે પર્યાવરણનું રક્ષણ કરવુ તે ખરી પૂજા છે.”
ભગવાન શ્રીકૃષ્ણ એ પણ ગાય અને ગોવર્ધન પર્વતની પૂજા કરીને પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો છે. આપણે પ્રકૃતિના જ અંશ છીએ. પંચમહાભૂતથી બનેલા આ શરીરે જ પ્રકૃતિને પારખવી પડશે. આજે પૃથ્વી પર વધતી ગરમી માટે માત્રને માત્ર માણસ જ જવાબદાર છે. ઓઝોન લેયરમાં સર્જાયેલા ગ્રીન હાઉસને કારણે આજે ગ્લોબલ વોર્મિંગથી દુનિયા મુશ્કેલીમાં મુકાણી છે. ઉદ્યોગો, વાહનો અને પાવર સેકટરથી છૂટતા કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યું છે. વૃક્ષો જોઈએ તેટલા નથી તેથી, કાર્બન ડાયોક્સાઈડને કારણે પૃથ્વી-દરિયો ગરમ થઈ રહ્યો છે. જેનાથી માણસ સહીત જીવસૃષ્ટીના જીવનું જોખમ ઉભુ થયું છે. કલાઈમેટ ચેન્જને કારણે ઋતુચક્ર અનિયમિત થતા આફતો-મુશ્કેલીઓ વધી રહી છે માટે હવા-પાણી-જમીનનો બગાડ અટકાવીને વીજળી વગેરેનો પણ ઉપયોગ ઓછો થાય તો જ પર્યાવરણ બગડતું અટકશે.
આ પ્રસંગે રાજકોટથી પધારેલ અને વૃક્ષ કથા કરીને ૧ લાખ વૃક્ષ વાવવા માટેનો સંકલ્પ કરનાર શ્રી વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શારીરીક રીતે દિવ્યાંગ હોવા છતા ઉત્સાહ સાથે સામાજીક અને શૈક્ષણિક કાર્યો કરતા શ્રી વિનોદભાઈએ જણાવ્યું હતુ કે, સં’શાધનોનો બગાડ અટકાવો અને વૃક્ષો વાવોને તે પર્યાવરણ સુધારવા એક માત્ર ઉપાય છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતુ કે નિસર્ગ ને આપણે બચાવીશું તો નિસર્ગ આપણને બચાવશે જેથી નિસર્ગ નું જતન કરવું એ માણસની નૈતિક ફરજ છે. એક વૃક્ષ માનવીને અમૂલ્ય ફાયદો કરાવે છે. જેથી સામાજિક અને ધાર્મિક તેમજ પારિવારિક પ્રસંગો એ પણ વૃક્ષારોપણના કાર્યક્રમો વધારવા જોઈએ. બર્થ-ડેમાં પૈસા ન વેડફી નિસર્ગની જાળવણી માટે તેનો સદુપયોગ કરવો અને પર્યાવરણમાં થઈ રહેલ વિષમતાને સુવ્યવસ્થિત કરવાનો દરેકે વિનમ્ર પ્રયાસ કરવો જોઈએ. દૈનિક આવકમાંથી અમુક રાશિની નિસર્ગ બચાવવા માટે પણ અનામત રાખવી જોઈએ. સાંપ્રદાયિક કથાઓની સાથે શ્રીમદ્ વૃક્ષ કથાઓ થવી જોઈએ. જેમાં બાળક, યુવાનો, વડીલો અને બહેનોને પણ સામેલ કરવા જોઈએ. આપણે વૃક્ષ વધારવાને બદલે કોંક્રીટના જંગલો વધતા ગયા છે. વૃક્ષો વાવવા માટેની જગ્યા ની અછત છે ત્યારે આપણા ઘરની બાલ્કની ટેરેસ કે આંગણામાં પણ કિચન કે ટેરેસ ગાર્ડનિંગ કરી શકાય છે જેનાથી ઓક્સિજન ખૂબ મળે, વાતાવરણ શુદ્ધ બને અને ટેમ્પરેચર બેલેન્સમાં રહે ઠંડક રહે એવા અસંખ્ય ફાયદાઓ થાય છે.
આ પ્રસંગે છેલ્લા ૮ વર્ષોથી દરરોજ વહેલી સવારે ૫ કલાકે વૃક્ષો વાવવાનું અભિયાન ચલાવતા ગ્રીન આર્મી સંસ્થાના સ્થાપક શ્રી તુલસીભાઈ શામજીભાઈ માંગુકિયાને ‘ટ્રી મેન એવોર્ડ’ આપી પર્યાવરણ જાગૃતિ અને વૃક્ષોના જતન માટેની તેની મહેનત બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરતમાં ગ્રીન આર્મીના જુદા-જુદા ચાર ગ્રુપ.. શહેરના વિવિધ સ્થળે.. દરરોજ સવારે નિયમિત.. વૃક્ષો વાવવા અને તેના જતન માટે કાર્ય કરે છે તેના માટે બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રીમતિ વર્ષાબેન તુલસીભાઈ માંગુકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તુલસીભાઇ માંગુકીયા એ દરેક ને વ્રુક્ષારોપણ અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી અને વૃક્ષો વાવવાની સાથે-સાથે એની સારસંભાળ પણ રાખવા ભાર મુક્યો હતો.
વરાછા બેંકના વહીવટીભવન ખાતે ઓડીટોરીયમમાં યોજાયેલ વિચારોના વાવેતર કાર્યક્રમમાં વરાછા બેંકના ચેરમેન શ્રી ભવાનભાઈ નવાપરા ઉપસ્થિત રહ્યા હતા.
૧૦૦ વીઘાની ખેતી કરતા મહિલાનીતાબેન ખુંટનું અભિવાદન
બાબરા નજીકના હીરાણા ગામના નીતાબેન માણેકભાઈ ખુંટ પતિના અવસાન બાદ એકલા હાથે ૧૦૦ વીઘાની ખેતી કરી રહ્યા છે. બાળકો સુરત છે. દીકરી સી.એ. છે. પરંતુ, ગામના પ્રગતિશીલ ખેડૂત તરીકે નીતાબેન ખુંટ એકલા ખેતી સાંભળી રહ્યા છે. તેમનું અભિવાદન કરાયું હતું.
છોડમાં રણછોડ છે.વૃક્ષ વાવો-વરસાદ લાવો
આ વિચારના વાવેતર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે, દરેકના ઘરમાં કે ઓફીસમાં જેટલા એ.સી અને વાહનો છે. એટલા વૃક્ષો ૩૦ જુન સુધીમાં રોપવા અને ઉછેરવાનો પર્યાવરણલક્ષી શુભ સંકલ્પ કર્યો છે. સમગ્ર કાર્યક્રમનું સંકલન યુવા ટીમના ભાવેશભાઈ રફાળીયા એ કર્યુ હતુ. છોડમાં રણછોડ છે.. વૃક્ષ વાવો-વરસાદ લાવો..ના નારા સાથે મહેમાનોને વૃક્ષ આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ. ગત ગુરૂવારનો વિચાર હાર્દિક ચાંચડે રજુ કરી. ટેકનોલોજી જીવનમાં અનિવાર્ય છે તેના ઉપર ભાર મુક્યો હતો. વ્યવસ્થા યુવા ટીમે સંભાળી હતી.