
થર્સડે થોર્ટ
લાગણીઓ જ માણસના જીવનને ધબકતું રાખે છે. લાગણી વગરનો માણસ મુંઢ લાગે છે.
સારા અને પ્રગતિશીલ જીવનમાટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે.

તા. ૨૯-૦૫-૨૦૨૫ ગુરૂવારે વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે યોજાયેલ 113 માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં કેળવણીકાર ડો. પરેશભાઈ સવાણી એ જણાવ્યું હતું કે, લાગણીને સમજવી ખુબ જરૂરી છે કારણ કે તે જીવનને દોરે છે. જીવનની સુખાકારીનો આધાર તમારા વિચારો અને તમારી લાગણીઓના આવેશો છે. જે માણસ વિચારી શકતો હોય તે માણસમાં લાગણીઓ હોય છે. લાગણી કોઈ ને કોઈ સ્વરૂપે વ્યક્ત થતી હોય છે. તેમણે જણાવ્યું હતું કે, સારૂ અને લાગણીશીલ જીવન લોકો જીવે તે માટે કાનજીભાઈ ભાલાળા દ્વારા વિચારોનું વાવેતર કરવામાં આવે છે. આ પ્રસંગે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, મન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. દરેકના મનમાં પ્રેમ, કરુણા, ક્રોધ, લાભ, માન, નફરત, શોર્ય, ભક્તિ કે પછી ઉદારતા જેવા અનેક ગુણો અને તે અંગેનું વર્તન એ લાગણીનું પરિણામ છે. મનમાં ચાલતી લાગણી આપણી વાણી વર્તનમાં વ્યક્ત થાય છે. લાગણીશીલ હોવું તે ખરૂ જીવન છે. તે પ્રેરણા અને શક્તિ આપે છે. પરેશભાઈ એ જણાવ્યું હતું કે, લોહીનો સબંધ હોય કે સ્નેહનો સબંધ બંનેના મૂળમાં તો લાગણી જ હોય છે. દરેક વ્યક્તિનું જીવન આઠ લાગણીઓની આસપાસ ફરતું હોય છે. આનંદ, વિશ્વાસ, ભય, આશ્ચર્ય, ઉદાસી, અણગમો, ગુસ્સો અને અપેક્ષા આ આઠ લાગણીઓ વધુ મહત્વની છે. માણસ લાગણીથી બંધાય છે અને જીવનભર તેમાં જીવે છે.

આપણા અસ્તિત્વનો આધાર લાગણી છે – ડો. પીયુષ જોશી
છેલ્લા બે દાયકાથી બોર્ડ-વે ઇન્ટરનેશનલ સ્કુલ મુંબઈ સાથે સંકળાયેલા કેળવણીકાર અને જાણીતા મોટીવેટર પીયુષભાઈ જોષી એ લાગણી અને જીવન વિષય ઉપર અદભૂત વિચારો વ્યક્ત કર્યા હતા. વિચારશીલ હોય અને લાગણીશીલ હોય તેને જ માણસ કહેવાય છે. એટલે માણસ માત્રમાં લાગણીઓ હોય જ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં સૌથી અગત્યની અને જરૂરી લાગણી તે હેપ્પીનેસ છે જેને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, આપના અસ્તિત્વનો આધાર લાગણી છે. લાગણી વગરની બુદ્ધિ નકામી છે. ખરેખર બાળકનો જન્મ એ જીવશાસ્ત્ર કરતા લાગણીશાસ્ત્ર વધુ છે. લાગણીમાં સભાનતા અને સ્વીકારભાવ જરૂરી છે. જાત સાથેની સભાનતા અને જાત સાથેનું મેનેજમેન્ટ એ લાગણીની પ્રથમ શરત છે. વિશ્વમાં કરોડો લોકો છે પરંતુ તમે બે પાંચ વ્યક્તિઓ માટે જીવવા માંગો છો તે લાગણી છે. લાગણીઓથી ભીંજાયેલો વ્યક્તિ જ સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ બની શકે છે. અન્ય માટે કંઈક કર્યા પછી તે જતું કરે છે તે જ વ્યક્તિ પરિપક્વ છે. લાગણી સાથે સમજણ ભળે ત્યારે વ્યક્તિ માણસ બને છે. ખરેખર ઘર એ દીવાલો નથી પરંતુ એ લાગણી છે. એટલે જ ધરતીનો છેડો ઘર કહેવાય છે.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવાટીમ સંકલીત ૧૩૩માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં ગત ગુરૂવારનો વિચાર શ્રી રાહુલભાઈ ઠુંમરએ રજુ કર્યો હતો. જયારે કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ રફાળીયા તથા રીયલ નેટવર્કવાળા અંકીતભાઈ સુરાણીએ તથા વરાછા બેંક ટીમે કર્યું હતું.