
surat
surat police સુરતના વરાછા પોલીસસ્ટેશનના લોકઅપનો સળિયો તૂટેલો હોવાથી વાહન ચોરીનો એક આરોપી બુધવારે વહેલી સવારે લોકઅપમાંથી ભાગી છૂટ્યો હતો. સવારે ફરજ પૂરી થવાની હતી ત્યારે પોલીસ કર્મીએ લોકઅપમાં ગણતરી કરતાં ઘટના વિશે ખબર પડી હતી.
આ બાબતે મહિલા પોલીસકર્મીએ વરાછા પોલીસમાં (varachha police) ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે વાહનચોરીના ગુનામાં પકડાયેલા આરોપી રવિ બાબુલાલ પ્રજાપતિ (24) (રહે, ગણેશનગર, પાંડેસરા) સામે વધુ એક ગુનો દાખલ કર્યો હતો. આરોપી ભાગી ગયા બાદ પોલીસ સફાળે જાગી અને લોકઅપની તાત્કાલિક મરામત કરાવી હતી. આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે લોકઅપમાં કુલ 11 આરોપીઓ હતા, જે પૈકી 4 આરોપીને મોડીરાતે મોબાઇલવાન મારફત પોલીસકર્મીઓ સારવાર માટે લઈ ગયા હતા. સારવાર કરાવી ચારેય આરોપીને પાછા પોલીસ સ્ટેશને બુધવારે મધરાતે એકાદ વાગ્યે લાવવામાં આવ્યા હતા.પછી વાહનચોરીના આરોપી રવિ પ્રજાપતિને લોકઅપની ગેલેરીમાં રાખી અન્ય 3 આરોપીને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ હતી.
દોઢેક વાગ્યે પાછા 3 આરોપીને પોલીસે લોકઅપની ગેલેરીમાં રાખ્યા ત્યારે વાહનચોરીનો આરોપી રવિ પ્રજાપતિ પણ ત્યાં હતો. પછી પોલીસ કામમાં વ્યસ્ત રહી હતી એટલામાં સવારે આરોપી રવિ પ્રજાપતીએ મોકો જોઈને લોકઅપના તૂટેલા સળિયામાંથી બહાર નીકળી ભાગી ગયો હતો. સવારે ફરજ પૂરી થતાં પીએસઓ લોકઅપમાં આરોપીની ગણતરી કરતા 10 જ હતા અને એક આરોપી ગાયબ થઈ ગયેલો જણાતાં પોલીસને ઘટના વિશે ખબર પડી હતી.