સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. કોસાડ આવાસ ખાતે યોજાયેલી આ પ્રી-કન્સીલીએશન લોક અદાલતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
National Legal Services Authorityના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ (DLSA) દ્વારા આ ખાસ લોક અદાલત યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન DLSA, Dakshin Gujarat Vij Company Limited (DGVCL) તથા Surat Municipal Corporation (SMC) ની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી સંભાળી હતી.
લિગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ વિશાલ લંગાળિયા એ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે આ લોક અદાલતમાં કુલ 169 જેટલા પડતર કેસોને હાથ ધરવામાં આવ્યા હતા. અનેક કેસોમાં નાગરિકોએ દંડ ભરીને સ્થળ પર જ સમાધાન મેળવ્યું હતું, જેના કારણે લાંબી કોર્ટ પ્રક્રિયાથી રાહત મળી.
ગત ડિસેમ્બરમાં યોજાયેલી લોક અદાલતની જેમ આ વખતે પણ લોકોનો ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. વધતી ભીડને ધ્યાનમાં રાખીને લોક અદાલતનો સમય સાંજે 5 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો હતો.
DLSAના ફૂલ ટાઈમ સેક્રેટરી ડી.આર. જોશીની દેખરેખ હેઠળ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. કોર્ટના ધક્કા ખાધા વગર નાગરિકોને તાત્કાલિક ન્યાય અપાવવાનો આ પ્રયાસ પ્રશંસનીય માનવામાં આવી રહ્યો છે.
