
સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવાના પ્રકરણમાં કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહી દરમિયાન ગમગીન દૃશ્ય સર્જાયું હતું. ગ્રીષ્માની માતા જુબાની દરમિયાન દીકરીને યાદ કરીને રડી પડ્યા હતા. થોડી વાર સતત આંસુ વહેતા રહેતા તેઓ કશું બોલી શક્યા નહોતા. જોકે, મન મક્કમ રાખી તેઓએ અશ્રુધારા વચ્ચે કહ્યુ હતું કે, હું એક ડગલું ચાલી અને દીકરીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું., તે તો અમને બધાને જાનથી મારી નાંખવા ઇચ્છતો હતો. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરતપાસ કરી હતી.
માસીના દીકરાએ શું કહ્યું?
ગ્રીષ્માની માતા ઉપરાંત ફેનિલની માસીના દીકરાએ કહ્યું કે, ફેનિલને સતત મોબાઇલ પર વેબ સિરિઝ જોવાની આદત હતી. નોંધનીય છે કે, ફેનિલે હત્યા બાદ માસીના દીકરાને ફોન કરીને કહ્યું હતું કે, તેણે ગ્રીષ્માને મારી નાંખી છે.
કુલ 100 સાક્ષીઓ થયા, આજે એફએસએલની જુબાની લેવાશે
ગત રોજ વધુ સાત સાક્ષી ચકાસાતા કુલ સાક્ષી ચકાસણીની સંખ્યા 100 થઈ હતી. હવે આજ (બુધવાર) રોજ પોલીસ અધિકારી ઉપરાંત એફએસએલ, મોબાઇલ કંપનીના મેનેજરની જુબાની લેવામાં આવનાર છે.