
અમદાવાદ સહિત રાજ્યભરમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. આવતીકાલે 25મી માર્ચથી ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આગાહી મુજબ 25થી 27 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ જિલ્લાઓમાં હિટવેવની આગાહી
હવામાન વિભાગ મુજબ, ગીર સોમનાથ, કચ્છ, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, દીવ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં હિટવેવની આગાહી છે. આ જિલ્લાઓમાં કો-મોર્બિડ લોકો, વૃદ્ધો તથા નાના બાળકોને તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે, તથા લોકોને લાઈટ કલરના અને લૂઝ કોટનના કપડા પહેરવા અને બપોરના સમયે બહાર જતા માથાના ભાગને કવર કરવા કહેવાયું છે. નોંધનીય છે કે, 24 અને 25 માર્ચે અમદાવાદનું તાપમાન અનુક્રમે 38 અને 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. ત્યારબાદ તે 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે.