
– અશ્વનીકુમાર રામનાથ મહાદેવ મંદિરના કિનારા પાસે પારાવાર ગંદકીથી લોકો ત્રાહિમામ
– આ જગ્યાએ ભગવાનના દર્શન અને મરણ બાદની વિધિ કરવા માટે આવતા લોકોએ નાક બંધ કરી પૂજા કરવી પડે તેવી દયનીય સ્થિતિ
સુરત મહાનગરપાલિકાની બજેટની સામાન્ય સભામાં ભાજપ શાસકોએ તાપી શુદ્ધિકરણની મોટી મોટી વાતો કરી હતી. પરંતુ સરકાર દ્વારા કરવામાં આવતું તાપી શુદ્ધિકરણ હજી સુધી સુરત પહોંચ્યું હોવાથી સુરતના અનેક તાપી કિનારાઓ ગંદકીથી ખદબદી રહ્યાં છે. તેમાં પણ ઐતિહાસિક અને ધાર્મિક વિધિ માટે જાણીતા એવા અશ્વિનીકુમારના અનેક ઓવારા ગંદકીથી ખદબદી રહ્યાં છે કેટલાક ઓવારા પર તો એટલી ગંદકી છે કે આ જગ્યાએ ભગવાનના દર્શન અને મરણ બાદની વિધિ કરવા માટે આવતા લોકોએ નાક બંધ કરી પૂજા કરવી પડે તેવી દયનીય સ્થિતિ ઉભી થઈ છે. જેથી તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ કાગળ પરથી કિનારા પર આવે તેવી માગણી કરી રહ્યાં છે.
સુરતમાંથી પસાર થતી તાપી નદી 70 લાખ સુરતીઓ માટે પીવાના પાણીનો એક માત્ર સ્ત્રોત છે આ તાપી નદીમાં ગંદકી દુર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા પ્રયાસ કરવામા આવી રહ્યા છે. સરકાર દ્વારા મોટા ઉપાડે તાપી શુદ્ધિકરણની યોજના જાહેર કરી છે અને તેના માટે 900 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. તાપીમાં આવતી ગંદકી રોકવા માટેની કામગીરી શરુ કરવામા આવી છે પરંતુ સુરતના તાપી કિનારાની પાલિકા દ્વારા સફાઈમાં ભારે ઉદાસિનતા દાખવવામાં આવી રહી છે તેના કારણે તાપીના અનેક કિનારાઓની હાતલ દયનીય થઈ રહી છે.
સુરતના તાપી કિનારે શુદ્ધિકરણ પ્રોજેક્ટ હજી પહેર્યો ન હોવાથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે,. સુરતના અશ્વિનીકુમાર રામનાથ મહાદેવ મંદિર ના કિનારા પાસે પારાવાર ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આ જગ્યાએ મંદિર હોવા ઉપરાંત લોકો મરણોત્તર વિધિ કરવા માટે પણ આવે છે. સૌથી પવિત્ર ગણાતા આ ઓવારા પર સફાઈની કામગીરી ના નામે મીંડુ છે તેથી પારાવાર ગંદકી થઈ રહી છે. ભગવાનના દર્શન કરવા આવતા લોકો કે ધાર્મિક વિધિ કરવા માટે આવતા લોકોએ નાક દબાવીને પૂજા કરવી પડે તેવી વિકટ સ્થિતિ છે. રોજ સેંકડો લોકો અહીં આવતા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી જગ્યાએ તાકીદે સફાઈ થાય અને કિનારાની ગંદકી તાપી નદીમાં ન જાય તેવી કામગીરી કરવા માટે લોકો માગણી કરી રહ્યાં છે.