
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા ગુજરાતનું ઐતિહાસિક જમ્બો બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કુલ 3.01 લાખ કરોડથી વધુનું બજેટ નાણામંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું છે. ત્યારે ત્યારે દિવ્ય ભાસ્કર બજેટને લગતી રસપ્રદ બાબતો વાચકો સમક્ષ રજૂ કરી રહ્યું છે. જેમાં ગુજરાતની 1960માં થયેલી સ્થાપ્નાથી લઈને અત્યાર સુધીના બજેટમાં આવેલા ધરખમ વધારાના આંકડા સામે આવી રહ્યાં છે. ગુજરાત રાજ્યનું પ્રથમ બજેટ નાણાકીય વર્ષ 1960-61 માટે 115 કરોડ રૂપિયાનું હતું. જેમાં રોકેટ ગતિએ ધરખમ વધારો થતાં હાલ 3.01 લાખ કરોડને પાર થયું છે.
ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું
રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી.
60 વર્ષમાં બજેટનું કદ રૂ. 114.92 કરોડથી વધીને 3.01 લાખ કરોડ થયું
ગુજરાત રાજ્યનું પહેલું બજેટ 1960માં રજૂ કરવામાં આવ્યું હતું. સરકારની બજેટની મોબાઇલ એપમાં આપેલી માહિતી મુજબ, રાજ્યના પહેલા બજેટનું કદ રૂ. 114.92 કરોડ (રૂ. 1,14,92,86,000) અને 24 ફેબ્રુઆરી 2023માં રજૂ થયેલા બજેટનું કદ રૂ. 3.01 લાખ કરોડ (રૂ. 3,01,022 કરોડ) થયું છે. સૌ પ્રથમ બજેટ ડૉ જીવરાજ મહેતાએ રજૂ કર્યુ હતુ. એ સમયે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણામંત્રીનો હવાલો પણ તઓ સંભાળવાતા હતા.
છ વર્ષમાં દર બે વર્ષે એક લાખ કરોડનો વધારો
ગુજરાત સરકારના બજેટમાં દર વર્ષે વધારો નોધાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની સ્થાપ્ના બાદ પ્રથમવાર બજેટનું કદ વધીને 3 લાખ 1 હજાર 22 કરોડનું થયું છે. છેલ્લા છ વર્ષમાં બજેટ 1 લાખ કરોડથી પાર થઈને 3 લાખ કરોડે પહોંચી ગયું છે. 114 કરોડના બજેટને 1 લાખ કરોડે પહોંચતાં 57 વર્ષ લાગ્યા હતાં. સૌ પ્રથમવાર વર્ષ 2017-18માં ગુજરાત સરકારના બજેટનું કદ 1,72,179 કરોડનું થયું હતું. ત્યાર પછીના બે વર્ષમાં બજેટનું કદ વધીને 2,17,287 કરોડે પહોંચ્યું હતું. ફરીથી બે વર્ષ બાદ એટલે કે 2023-24માં એક લાખ કરોડ વધતાં 3,01,022 કરોડનું બજેટ થયું છે. આમ છેલ્લા છ વર્ષમાં દર બે વર્ષે એક લાખ કરોડનું બજેટ વધી રહ્યું છે.
સૌથી વધુ વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઈ વાળાના નામે
ગુજરાતમાં 76 બજેટ રજૂ થયાં છે અને એમાંથી 18 બજેટ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ રજૂ કર્યાં છે. વજુભાઈ અગાઉ કર્ણાટકના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ગુજરાતમાં વજુભાઈ તેમની રમૂજવૃત્તિ અને જ્યારે તેઓ કાઠિયાવાડી લઢણ (ભાષા)માં બજેટ રજૂ કરતાં તો આખો માહોલ હળવો થઈ જતો અને વિપક્ષના નેતાઓ પણ એની મજા લેતા હતા.
રાષ્ટ્રપતિશાસનને કારણે 3 બજેટ લોકસભામાં રજૂ થયાં
એપ્લિકેશનમાં આપેલી માહિતી મુજબ, ગુજરાતમાં વિવિધ તબક્કે રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોવાને કારણે રાજ્યનું બજેટ 3 વાર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના સ્થાપના સમયથી અત્યાર સુધીમાં જે બજેટ રજૂ થયાં છે અને એમાંથી 20 અંદાજપત્ર લેખાનુદાન સ્વરૂપે, એટલે કે વચગાળાના બજેટ તરીકે રજૂ કરવામાં આવ્યાં છે.