
આવતી 31મી માર્ચે અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત થઈ રહી છે. ત્યારે બીજી તરફ આગામી એક દિવસીય આંતરારાષ્ટીય મેચ (ODI)નો વર્લ્ડ કપનો રોમાંચ પણ ગુજરાતી ક્રિકેટપ્રેમીઓને માણવા મળશે. મળતી માહિતી મુજબ, વર્લ્ડ કપની અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે.
દોઢ મહિના સુધી વર્લ્ડ કપ ફીવર છવાશે
દોઢ મહિના સુધી દેશનાં વિવિધ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની 48 મેચ રમાશે. ઓક્ટોબરથી નવેમ્બરના 46 દિવસ ચાલનારા ક્રિકેટના મહાકુંભમાં 10 ટીમ વચ્ચે 3 પ્લેઓફ સહિત કુલ 48 મેચમાં ટક્કર થશે, જેમાં ગુજરાતનાં બે સ્ટેડિયમને મેચ ફાળવાય એવી સંભવના છે. એમાં અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને રાજકોટનું ખંઢેરી સ્ટેડિયમ સમાવિષ્ઠ છે. અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાડવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે, જ્યારે રાજકોટના ફાળે ઓછામાં ઓછી એક મેચ તો આવી શકે છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
દેશનાં કયાં કયાં સ્થળોએ મેચ રમાશે
અમદાવાદ અને રાજકોટ સિવાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શોર્ટલિસ્ટ કરેલાં અન્ય સ્થળોમાં બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, ધર્મશાલા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર અને મુંબઈનો સમાવેશ થાય છે. તમામ ટૂર્નામેન્ટમાં 46 દિવસના સમયગાળામાં ત્રણ નોકઆઉટ સહિત 48 મેચનો સમાવેશ થશે.
BCCIને ભારત સરકારની મંજૂરીની ICC રાહ જુએ છે
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની દુબઈ ખાતે ગત સપ્તાહે યોજાયેલી ત્રિમાસિક મિટિંગ મળી હતી. એમાં BCCIએ ગ્લોબલ બોડીને ખાતરી આપી હોવાનું જાણવા મળે છે કે પાકિસ્તાનની ટીમ માટે વિઝા ભારત સરકાર દ્વારા મંજૂર કરાશે. ICC વર્લ્ડ કપના એક વર્ષ અગાઉ વર્લ્ડ કપના સમયપત્રકની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે તે BCCIને ભારત સરકાર તરફથી જરૂરી મંજૂરી મેળવવાની રાહ જોઈ રહ્યું છે,. જેમાં બે બાબત છે, એક ટૂર્નામેન્ટ માટે કરમુક્તિ મેળવવી અને બીજું પાકિસ્તાનની ટીમ માટે વિઝા ક્લિયરન્સ. એ 2013ની શરૂઆતથી ICC ઇવેન્ટ સિવાય ભારતમાં રમી નથી.
ઓપનિંગ સેરેમનીની ‘મેચ ટિકિટ્સ આર સોલ્ડ આઉટ’
31 માર્ચથી, દસ દિવસ પછી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)- 2023ની ઓપનિંગ મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે રમાનારી આ મેચ માટે ક્રિકેટ ફેન્સમાં એટલો ઉત્સાહ છે કે આ મેચની ટિકિટ એક જ દિવસમાં ચપોચપ વેચાઈ ગઈ છે. મંગળવારે ક્રિકેટરસિયા ટિકિટ ખરીદવા આવ્યા હતા, પણ ટિકિટ વિન્ડો પર બોર્ડ હતું કે ‘મેચ ટિકિટ્સ આર સોલ્ડ આઉટ.’ આ વાંચીને સેંકડો દર્શકો નિરાશ થયા હતા. કેટલાકે બોર્ડ વાંચ્યા પછી પણ બે કલાક તડકામાં ઊભા રહીને પસાર કર્યા હતા, એ આશા સાથે કે આ તો ભીડ ન થાય એટલે લખ્યું છે. હમણાં વિન્ડો ખૂલશે ને ટિકિટ મળી જશે, પણ અફસોસ. સંખ્યાબંધ લોકો વિલા મોંએ ટિકિટ લીઘા વગર પાછા ફર્યા હતા. લોકોનો ખાસ ઉત્સાહ એ છે કે આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીની છેલ્લી IPL છે. એટલે ધોનીની ધૂંઆધાર રમત જોવા ઉત્સાહ વધારે છે.